અમદાવાદમાં મૂકનાયક ગ્રુપ દ્વારા આજે શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલા મિરાજ સિટી પલ્સ થિયેટરમાં ક્રાંતિજ્યોતિ જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના જીવન પર આધારિત ફૂલે ફિલ્મના શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને શહેરના બહુજન સમાજનો પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા બહુજન સમાજના લોકોએ પોતાના પરિવારજનો, યુવતીઓ, બાળકો અને વડીલો સાથે મહાનાયક જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલેની આ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ દરમિયાન થિયેટરમાં સતત જય ફૂલે-જય સાવિત્રી અને જય ભીમના નારાઓ લાગતા રહ્યા હતા.
બ્રાહ્મણોએ ફિલ્મની રિલીઝમાં રોડાં નાખ્યા હતા
ડૉ.આંબેડકરના ગુરૂ, બહુજન સમાજના સૌથી મોટા હીરો, મહાત્મા જ્યોતિબા ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલેના જીવન પર આધારિત ફિલ્મ ‘Phule’ તેમના જન્મદિવસ 11 એપ્રિલના રોજ થિયેટરોમાં રજૂ થવાની હતી.
પરંતુ બ્રાહ્મણોએ તેનો વિરોધ કર્યો હતો. એ પછી સેન્સર બોર્ડમાં બેઠેલા મનુવાદી બ્રાહ્મણોએ તેમાં 12 જેટલા સુધારા કરવાનો આદેશ આપ્યો હતો. એ પછી આ ફિલ્મ 25 એપ્રિલના રોજ થિયેટરોમાં રજૂ થઈ હતી.
દર્શકો વધી પડતાં બીજું થિયેટર ખોલવું પડ્યું
અમદાવાદના બહેરામપુરા-દાણીલીમડા અને ગીતામંદિર વિસ્તારમાં કાર્યરત મૂકનાયક ગ્રુપ દ્વારા આજે કાંકરિયા વિસ્તારમાં આવેલા મિરાજ સિટી પલ્સ થિયેટરમાં ‘Phule’ ફિલ્મના ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેને બહુજન સમાજનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો અને અપેક્ષા કરતા અઢી ગણાં લોકો ફિલ્મ જોવા ઉમટી પડ્યાં હતા.
સ્થિતિ એવી પેદા થઈ હતી કે લોકોને બેસવા માટે જગ્યા ન મળતા બાજુનું થિયેટર ખોલવું પડ્યું હતું અને ત્યાં અલગથી ‘Phule’ ફિલ્મના શોનું આયોજન કરવું પડ્યું હતું. જ્યારે આ ફિલ્મના શોનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ગઈકાલે સાંજ સુધીમાં 150 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે ખબરઅંતર.ઈન દ્વારા કરવામાં આવેલી સ્ટોરી બાદ વધુને વધુ લોકો ફિલ્મ જોવા માટે આયોજકોનો સંપર્ક કર્યો હતો. એ રીતે ફાઈનલી 370 થી વધુ લોકોએ એક સાથે બે શોમાં ‘Phule’ ફિલ્મ નિહાળી હતી.
દીકરીઓ સાવિત્રીબાઈ બનીને આવી, જય ભીમ-જય ફૂલેના નારા લાગ્યા
‘Phule’ ફિલ્મ જોવા માટે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ બહુજનો પહોંચ્યા હતા. અનેક લોકો મહાત્મા જ્યોતિબા ફૂલેના પોસ્ટરો, તસવીરો લઈને નારા લગાવતા હતા. તો કેટલાક લોકો જ્યોતિબાના પહેરવેશમાં સજ્જ થઈને ફિલ્મ જોવા આવ્યા હતા. નાની બાળકીઓ માતા સાવિત્રીબાઈ ફૂલેના પહેરવેશમાં ફિલ્મ જોવા પહોંચી હતી. જેની સાથે લોકોએ સેલ્ફી લેવા માટે પડાપડી કહી હતી.
થિયેટરો વારંવાર તાળીઓથી ગૂંજી ઉઠ્યાં
ફિલ્મમાં એવા અનેક સીન અને ચોટદાર સંવાદો છે, જે થિયેટરના પડદે રજૂ થાય છે ત્યારે આપણું દિલ ખુશીથી ઝૂમી ઉઠે છે. આવા દરેક સીન અને સંવાદ વખતે દર્શકોએ તાળીઓના ગડગડાટથી થિયટરને ભરી દીધું હતું.
આ પણ વાંચો: શિક્ષણ સિંહણનું દૂધ છે..કહેનાર ડૉ.આંબેડકર પાસે કેટલી ડિગ્રીઓ હતી?
ફિલ્મમાં એવા ઘણાં સીન છે જેમાં મનુવાદી બ્રાહ્મણો ફૂલે દંપતીને હેરાન કરવામાં કોઈ કસર નથી છોડતાં. પણ ફૂલે દંપતી તેમની કોઈ ચાલ સફળ થવા દેતું નથી. માતા સાવિત્રીબાઈ એક મનુવાદીએ થપ્પડ મારી દે છે, અન્ય એક સીનમાં બ્રાહ્મણો અછૂત ગણીને જ્યોતિના પડછાયો પણ તેમના પર ન પડી જાય તે રીતે ચાલે છે. પણ જ્યોતિબા તેમને માત્ર તેમના પડછાયાથી જ પાછાં પાડી દે છે. આવા દરેક મહત્વના દ્રશ્ય વખતે દર્શકોએ જય ફૂલે-જય ભીમના નારા સાથે તાળીઓનો ગડગડાટ કર્યો હતો.
બાળકથી લઈને વડીલો માટે ફ્રી પોપકોર્નની વ્યવસ્થા કરાઈ
ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન મૂકનાયક ગ્રુપ દ્વારા સૌને ફ્રી પોપકોર્નનું વિતરણ કરવામાં આવ્યું હતું. થિયેટરમાં પોપકોર્નનો ભાવ અનેકગણો વધુ હોય છે, છતાં મૂકનાયક ગ્રુપે સૌને પોપકોર્નનું વિતરણ કર્યું હતું. સામાન્ય રીતે થિયેટરમાં આ ફિલ્મ જોવા માટેનો ટિકિટ દર રૂ. 230 છે, પણ મૂકનાયક ગ્રુપ દ્વારા આ ફિલ્મ અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતો બહુજન પણ પરિવાર સાથે જોઈ શકે તે માટે બાકીનો ખર્ચ પોતે વેઠીને ટિકિટનો દર રૂ. 100 રાખવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ‘નાસ્તિકતા’ દુનિયાનો ચોથો સૌથી મોટો ધર્મ બન્યો
જેના કારણે અનેક લોકો આ ફિલ્મ નિહાળી શક્યા હતા. ફિલ્મ પુરી થયા બાદ જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે અમર રહોના નારા લાગ્યા હતા. ત્યારબાદ મૂકનાયક ગ્રુપ દ્વારા આ શોના મુખ્ય આયોજક પ્રકાશભાઈ બેંકરનું ગુલદસ્તાથી સ્વાગત કરાયું હતું.
માત્ર 24 કલાકમાં 220 લોકોએ ટિકિટ કન્ફર્મ કરી
આ પ્રસંગે પ્રકાશભાઈ બેંકરે જણાવ્યું હતું કે, ફૂલે એવી ફિલ્મ છે જે દરેક બહુજને જોવી જોઈએ અને જોવડાવવી જોઈએ. છેવાડાના બહુજન સુધી આ ફિલ્મ પહોંચે તે માટે અમારો આ એક નાનકડો પ્રયાસ હતો. જેને લોકોનું જોરદાર સમર્થન મળ્યું હતું. અમે માત્ર 150 લોકોને ધ્યાનમાં રાખીને આયોજન કર્યું હતું. પણ khabarantar.in પર તેની વિગતે સ્ટોરી પ્રકાશિત થયા બાદ બીજા 220 જેટલા લોકોએ ફોન કરીને પોતાની ટિકિટ કન્ફર્મ કરાવી હતી. એ રીતે કુલ 370થી વધુ લોકો ફૂલે ફિલ્મ નિહાળી હતી. થિયેટરના માલિકોએ પણ સરસ ગોઠવણ કરી આપી હતી. જેના કારણે લોકોને કોઈ સમસ્યા નહોતી પડી.
વધુ એક શોનું આયોજન કરાશે
પ્રકાશભાઈ બેંકરે વધુમાં જણાવ્યું હતું કે, આ શોને મળેલી પ્રચંડ સફળતા બાદ હજુ પણ વધુને વધુ લોકો ફૂલે ફિલ્મ થિયેટરમાં જોવા માંગે છે. અનેક લોકોએ આ માટે વિનંતી કરી છે. તેમની માગણીને ધ્યાનમાં રાખીને અમે ટૂંક સમયમાં વધુ એક શોનું આયોજન કરવા જઈ રહ્યાં છીએ. જેની તારીખ અને સમય નક્કી થયા બાદ લોકોને જણાવીશું. હાલ તો જે રીતે આ ફિલ્મને લોકોનું સમર્થન મળી રહ્યું છે તે જોઈને આનંદ થાય છે કે, મહાનાયક જ્યોતિબા ફૂલેને નવી પેઢી અદ્દભૂત રીતે ફોલો કરી રહી છે.
આ પણ વાંચો: બોલીવૂડની ફિલ્મોમાં હીરો દલિત કે OBC કેમ નથી હોતો?