ગુજરાતમાં હાલમાં જ યોજાયેલી ગ્રામ પંચાયતોની સામાન્ય-પેટાચૂંટણીમાં અલગ અલગ ગામોમાં લોકશાહીના ચમકારા જોવા મળ્યા છે. એક સમય હતો, જ્યારે દલિતોને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા મળે તે પણ ચમત્કાર ગણાતો. ગામની માથાભારે કોમના માથાભારે તત્વો વર્ષો નહીં દાયકાઓ સુધી સરપંચ પદે બિનહરીફ ચૂંટાતા હતા અને પોતાની દાદાગીરી ગામનો તમામ વહીવટ ચલાવતા હતા. એમાં તેઓ ભ્રષ્ટાચાર આચરીને ગામતળની જમીનો પચાવી પાડતા.
મોકાની જગ્યાએ મંદિરો બનાવી દલિતોના હક મારતા. સામે દલિત સમાજના લોકોને તેમની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પણ સવર્ણોની કૃપા પર નિર્ભર રહેવું પડતું. આઝાદી પછી પણ દાયકાઓ સુધી આ ચાલતું રહ્યું.
પણ, ધીરેધીરે સમય બદલાયો. દલિતો, આદિવાસીઓ, ઓબીસી સમાજને પોતાના મતની કિંમત સમજાવા માંડી. અનામતના પ્રતાપે તેમને સરપંચની ચૂંટણી લડવાની તક મળી. શિક્ષણનું પ્રમાણ વધ્યું અને સોશિયલ મીડિયાના કારણે બહુજન સમાજ જાગૃત થયો. તેનું જ પરિણામ છે કે, હવે જનરલ સીટ પર પણ દલિત-બહુજન સમાજના સરપંચ ચૂંટાવા લાગ્યા છે. જે ભાવિ પેઢી માટે ખૂબ જ સારો સંકેત છે.
રૂણી ગામના એસસી મહિલાએ નોખો ચિલો ચાતર્યો
ગ્રામ પંચાયતની આ ચૂંટણીમાં સૌથી વધુ ધ્યાન દલિત-બહુજન સમાજની મહિલાઓએ ખેંચ્યું છે. એવા અનેક ગામો છે, જ્યાં આ વખતે જનરલ સીટ હોવા છતાં સરપંચ પદે એસસી, એસટી કે ઓબીસી સમાજની મહિલા ચૂંટાઈ આવી હોય. જો કે, પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના રૂણી ગામે આ બાબતે પણ નોખો ચિલો ચાતર્યો છે. અહીં બીજી વખત ગ્રામ પંચાયતની જનરલ સીટ પણ એસસી(SC) સમાજમાંથી આવતા એક મહિલા જંગી લીડથી સરપંચ પદે ચૂંટાયા છે.
129 મતોની જંગી લીડથી સરપંચ પદે જીત મેળવી
વાત છે શંખેશ્વર તાલુકાના રૂની ગામના પ્રેમિલાબેન મકવાણાની. જેઓ જંગી લીડથી જનરલ સીટ પર સરપંચ પદે ચૂંટાઈને આવ્યા છે. પ્રેમિલાબેનનો ગામમાં કેવો દબદબો છે, તે તેમને મળેલા મતો પરથી પણ સમજી શકાય છે. ગામનું કુલ મતદાન 901 મતાદારોનું છે. તેમાંથી 682 મતદારોએ મતદાન કર્યું હતું. અને પ્રેમિલાબેન મકવાણાને તેમાંથી 392 મત મળ્યા હતા. તેમના હરિફ ઉમેદવારને 263 મત મળ્યા હતા, જ્યારે 27 મત રદ થયા હતા. આમ પ્રેમિલાબેન મકવાણા 129 મતોની જંગી લીડથી ફરી સરપંચની ચૂંટણી જીતી ગયા હતા.
આ પણ વાંચો: એક જાગૃત દલિત યુવકને સરપંચ બનતો રોકવા કેવા કાવાદાવા થયા?
ગામમાં કોની કેટલી વસ્તી છે?
ગામમાં મોટાભાગે ઓબીસી અને એસસી સમાજની વસ્તી છે. ઠાકોર સમાજના 100 ઘર છે. ભરવાડ સમાજના 45, દેવીપૂજકોના 15 અને અનુસૂચિત જાતિના 50 ઘર છે. આ સિવાય બાવાજી, પંચાલ અને કુંભાર સમાજના 15 જેટલા ઘરો છે.
અભણ પ્રેમિલાબેને રાજકારણમાં ભણેલાંને ભૂ પાઈ દીધું
પ્રેમિલાબેન પોતે અભણ છે. પરંતુ રાજકારણના આટાપાટા તેઓ સારી રીતે રમી જાણે છે. તેમના પતિ દિનેશભાઈ અગાઉ સરપંચ રહી ચૂક્યા છે અને તેમના પહેલા પત્નીનું અવસાન થયું હતું. તેમનાથી દિનેશભાઈને બે સંતાનો છે. ત્યારબાદ તેમણે પ્રેમિલાબેન સાથે બીજા લગ્ન કર્યા હતા. જેનાથી તેમને એક સંતાન જનમ્યું હતું. ગ્રામ પંચાયતમાં સરપંચ પદે રહેવા માટે ઉમેદવારને બેથી વધુ બાળકો ન હોવા જોઈએ તેવો નિયમ છે.
દિનેશભાઈને પ્રેમિલાબેનથી ત્રીજું સંતાન જન્મતા રાજકીય વિરોધીઓએ તેમના સરપંચ પદને પડકાર્યું હતું. જેના કારણે દિનેશભાઈએ રાજીનામું આપવું પડ્યું હતું. એ પછી પ્રેમિલાબેને પોતે જ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને જંગી લીડથી જીતીને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી વિરોધીઓની બોલતી બંધ કરી દીધી હતી.
પ્રેમિલાબેન ઓબીસી જાગૃતિ માટે કામ કરવા માંગે છે
પ્રેમિલાબેનની આ જીત બહુજન સમાજના લોકોને નવું જોમ પુરું પાડનારી બની રહેશે તેવી આશા રાખીએ. તેમની આ જીત ખાસ એટલા માટે પણ છે, કેમ કે તેઓ પોતે અભણ છે અને તેમ છતાં તેઓ અહીં સુધી પહોંચ્યાં છે. ગામમાં ઓબીસી ઠાકોર સમાજના સૌથી વધુ ઘર છે પરંતુ શિક્ષણ અને જાગૃતિનો અભાવ છે. પ્રેમિલાબેન આ બંને બાબતો પર કામ કરવા માંગે છે, જેથી ઓબીસી સમાજ પણ તેમના મતોની કિંમત સમજીને આગળ વધી શકે.
આ પણ વાંચો: તલોદના આંજણામાં સરપંચની જનરલ સીટ પર SC મહિલાનો વિજય











Users Today : 76