ભારતમાં ધર્માંધ લોકોની અછત નથી. પરિણામે લેભાગુ તત્વોને મોકળું મેદાન મળી ગયું છે. ધર્મના નામે કોઈપણ વ્યક્તિ, કંઈપણ કરે તો પણ લોકો તેનો વિરોધ કરી શકતા નથી. એમાં પણ હિંદુત્વવાદી ભાજપ જ્યારથી કેન્દ્રમાં સત્તા પર આવ્યું છે ત્યારથી હિંદુ ધર્મના ઠેકેદારોને ઘીકેળાં થઈ ગયા છે. એકબાજુ દેશમાં સરકારી શાળાઓમાં ઓરડા નથી, પુરતા શિક્ષકો નથી, સારા રોડરસ્તા નથી.
બીજી તરફ ખુદ સરકાર ધાર્મિક આયોજનો પાછળ કરોડો-અબજો રૂપિયા વેડફે છે. સરકાર મંદિરો બનાવનારને પ્રોત્સાહન આપે છે. જેના કારણે ધુતારાઓને જલસો પડી ગયો છે. જો કે હરિયાણામાં તો એક શખ્સે આ મામલે સૌ કોઈને ચોંકાવી દીધાં છે. અહીંના કૈથલમાં એક શખ્સે જાહેર શૌચાલયની જગ્યા પર ગેરકાયદેસર કબજો જમાવીને ત્યાં મંદિર બનાવી દીધું હતું. તંત્ર આ બાબતથી અજાણ હતું. અંતે કોઈએ મ્યુનિસિપલ કાઉન્સિલને જાણ કરતા તેણે પોલીસની મદદથી આ દબાણ દૂર કર્યું હતું. કબજેદારે પોતાની પાસે મંદિરના કાગળો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ કોઈ દસ્તાવેજો બતાવી શક્યા નહોતા.
હરિયાણાના કૈથલની ચોંકાવનારી ઘટના
હરિયાણાના કૈથલમાં આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલો જાણીને તમે પણ વિચારશો કે, લોકો દિમાગનો કેવો કેવો ઉપયોગ કરે છે. બન્યું એવું કે, એક વ્યક્તિએ જાહેર શૌચાલયની જગ્યા પર ગેરકાયદેસર કબજો જમાવીને ત્યાં મંદિર બનાવી દીધું હતું. મ્યુનિસિપલ કાઉન્સિલે 10-12 વર્ષ પહેલાં આ જગ્યાએ જાહેર શૌચાલય બનાવ્યું હતું, પરંતુ શખ્સે તે જગ્યા પર કબજો કરીને મંદિર બનાવ્યું હતું.
બે દિવસ પહેલા મ્યુનિસિપલ કાઉન્સિલે ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે ભારે પોલીસ દળ સાથે અહીં પહોંચી હતી. અને જાહેર શૌચાલય પર ગેરકાયદેસર કબજો કરીને તેને મંદિરનો આકાર આપવાના કેસ પર કાર્યવાહી કરવામાં આવી હતી.
જાહેર શૌચાયલમાં જ મંદિર બની ગયું
કબજેદારોએ માત્ર શૌચાલયની જગ્યા પર કબજો જ નહોતો કર્યો, પરંતુ ત્યાં તેમનું વાહન પણ પાર્ક કર્યું હતું. કોર્પોરેશનની ટીમે કથિત મંદિરની અંદર પાર્ક કરાયેલા વાહનને હટાવીને શૌચાલયની જગ્યાને પોતાના કબજામાં લીધા પછી તેને સીલ કરી દીધી હતી. જોકે કબજેદારે દાવો કર્યો હતો કે તે એક મંદિર છે અને તેની પાસે તેના બધા દસ્તાવેજો છે, પરંતુ તે સ્થળ પર કોઈ દસ્તાવેજ બતાવી શક્યો નહોતો.
આ પણ વાંચો: ‘લાંબા વાળ કેમ રાખ્યા છે?’ કહી 3 શખ્સોએ દલિત યુવકને માર્યો
મંદિર ગેરકાયદે હોવા છતાં તંત્ર તોડી ન શક્યું
મ્યુનિસિપલ કાઉન્સિલના અધિકારીઓએ જણાવ્યું હતું કે કૈથલમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણની સમસ્યા વ્યાપક બની છે. મ્યુનિસિપલ કાઉન્સિલ આ ઝુંબેશ હેઠળ આવા તમામ સ્થળોએ કાર્યવાહી કરી રહી છે જેથી જાહેર મિલકતને મુક્ત કરી શકાય. આ ઝુંબેશ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. અધિકારીઓની ટીમ જ્યારે વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવા માટે ફરી રહી હતી ત્યારે તેમનું ધ્યાન આ જગ્યા પર ગયું હતું. તપાસ કરતા તે જગ્યાએ સરકારી ચોપડે જાહેર શૌચાલય હોવાનું નોંધાયેલું હતું, પણ અહીં તો મંદિર બની ગયું હતું. જો કે, ધર્મના ધંધાની તાકાત જુઓ, ગેરકાયદે હોવા છતાં તંત્ર તેને તોડી શક્યું નહોતું અને માત્ર સીલ કર્યું હતું.
ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ
ડ્યુટી મેજિસ્ટ્રેટ સુશીલ ઠાકરને કહ્યું કે આ મામલાને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પબ્લિક ટોઈલેટને જ મંદિર બનાવી દેવામાં આવ્યું હતું. અધિકારી વરુણ શર્મા નાગરે કહ્યું કે છ-આઠ મહિના પહેલા દબાણ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ અહીં કેસરી ધજા ફરકાવી દેવામાં આવી હતી. પોલીસ અધિકારી રાજકુમાર રાણાએ કહ્યું કે પોલીસ પાસેથી મદદ માંગવામાં આવી છે અને વહીવટીતંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. જો કે, આ ઘટનાએ ફરી એકવાર ધર્મની આડમાં જમીનો પર કબ્જો જમાવવા માથાભારે તત્વો કેવો કેવા હથકંડા અપનાવતા હોય છે તેની પોલ ખોલી દીધી છે.
આ પણ વાંચો: નિવૃત્ત જજે પોતાની જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો?