દ્વારકા શારદા મઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ સ્વામીનારાયણ, બ્રહ્માકુમારી, ગાયત્રી પીઠ, ઈસ્કોન જેવા સંપ્રદાયોને ધર્મને દૂષિત કરનાર અને સનાતન ધર્મને નાશ કરનારા પરિબળો ગણાવતા હોબાળો મચી ગયો છે. મધ્યપ્રદેશમાં પોતાના ચતુર્માસનાં અનુષ્ઠાન પ્રસંગે તેમણે આ સંપ્રદાયો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે હિંદુ ધર્મમાંથી થોડું ઉપાડીને તેમાં પોતાનું કશુંક ઉમેરીને નવો પંથ કે સંપ્રદાય ચાલુ કરનારાઓને ફ્રોડ કહીને લોકોને તેમનાથી ચેતવાની સલાહ આપી હતી.
સ્વામીનારાયણ, ઈસ્કોન, બ્રહ્માકુમારી હિંદુ ધર્મનું પતન નોતરશેઃ શંકરાચાર્ય
મધ્યપ્રદેશમા પરમહંસી ગંગા આશ્રમ શ્રીધામ ખાતે પ્રવચનમાં શંકરાચાર્યે સ્વામિનારાયણ, બ્રહ્માકુમારી, ગાયત્રી પીઠ, ઇસ્કોન, રાધા સ્વામી સહિતના સંપ્રદાયોને હિંદુ ધર્મમાં ભેળસેળ કરનારા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ લોકો દૂધ જેવા હિંદુ ધર્મમાં પાણી ભેળવવાનું કામ કરી રહ્યાં છે અને આવી ભેળસેળ કરનારાઓ સામે સાવધ રહેવું જોઇએ, નહીં તો હિન્દુ ધર્મનું પતન થશે. આવા તમામ સંપ્રદાયો અશાસ્ત્રીય છે.
પોતાનાં વકતવ્યમા શંકરાચાર્યે જણાવ્યું હતું કે, “આપણે આપણી ભાવિ પેઢીઓના હૃદયમાં મંદિરો દ્વારા ધર્મનું નિર્માણ કરવા માંગીએ છીએ. આપણે જાગૃત રહેવું જોઈએ. અંદરથી જાગૃતિ આવવી જોઈએ. આપણે બસ એટલું જ કરવાનું છે. અશાસ્ત્રીય સંપ્રદાયોએ ધાર્મિક પ્રદૂષણ ફેલાવ્યું છે. તેને પણ દૂર કરવું જોઈએ. અશાસ્ત્રીય સંપ્રદાયો જે ધાર્મિક પ્રદૂષણ ફેલાવે છે અને ખરાબ કાર્યો કરે છે, જે હિન્દુ ધર્મનો નાશ કરવાનો પ્રયાસ કરે છે, જે દૂધમાં પાણી ભેળવી રહ્યા છે, જે ભેળસેળ કરી રહ્યા છે, જે સનાતન ધર્મમાંથી કંઈક લે છે અને પોતાનું કંઈક ઉમેરી રહ્યા છે. આપણે આ બધાથી વાકેફ રહેવું જોઈએ. આપણે આપણા હિન્દુ ધર્મને વર્તમાન સમયમાં ફેલાતા ધાર્મિક પ્રદૂષણથી બચાવવાનો છે. દરેક કથાકારો અને દરેક વક્તાએ હંમેશા આ બાબતોની ચર્ચા કરતા રહેવું જોઈએ જેથી લોકો જાગૃત રહે. આપણા ગુરુજી, સતગુરુદેવ ભગવાન કહેતા હતા, હિન્દુઓએ જાગૃત રહેવું જોઈએ. આપણે તેમનાથી પોતાને બચાવવું જોઈએ.”
આ પણ વાંચો: બધાં ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છેઃ નિત્યસ્વરૂપદાસજી
ઈસ્કોનનું ‘હરે રામ હરે ક્રિષ્ણા’ ષડયંત્ર છેઃ શંકરાચાર્ય
શીરડી સાંઇબાબા મંદિર અંગે પણ તેમણે જણાવ્યું હતું કે “મારા ગુરૂ 20 વર્ષ પહેલા મહારાજે સાંઇબાબા અંગે મુદો ઉઠાવ્યો હતો. તે બધા સનાતન ધર્મને પતન તરફ લઇ જવાનુ કાર્ય કરે છે. ઇસ્કોનવાળાને લાગે છે કે ‘હરે રામ હરે રામ’ કરીને મોટી જાગૃતી ફેલાવે છે પરંતુ એ ષડયંત્ર છે. જેવી રીતે ઇસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરવા માટે ભારત આવી હતી અને સમગ્ર દેશ પર અંગ્રેજોએ કબજો કરી લીધો હતો તેમ ઇસ્કોનવાળા ધર્મનો અંચળો ઓઢીને ઇસ્કોનવાળા ષડયંત્ર કરે છે. તેઓ પોતાને કયારેય હિન્દુ ગણાવતા નથી. તેઓ પોતાને ઇસ્કોનવાળા ગણાવે છે. તમારા પૈસા ભેગા કરી કરીને બહાર મોકલી દે છે. બહુ મોટો ખેલ થઇ રહયો છે. તેની સામે પોતાની રક્ષા કરવી જોઇએ.”
સ્વામીનારાયણ સંપ્રદાય હનુમાનજીને પોતાના દાસ ગણાવે છેઃ શંકરાચાર્ય
શંકરાચાર્યે સ્વામીનારાયણ સંપ્રદાય પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, “ગુજરાતમાં 300-400 વર્ષથી આવેલો સંપ્રદાય જે પહેલા ઠીક ઠાક ચાલતો હતો તે હવે ગડબડ કરવા માંડયો છે. તેઓ કહે છે કે હનુમાનજી સ્વામિનારાયણ ભગવાનના દાસ છે. આ પ્રકારે આ સંપ્રદાયવાળા હિંદુ ધર્મનું નામ લઇને તેને જ તોડવાનું કામ કરે છે.”
બ્રહ્માકુમારીવાળા શિવજીને અલગ નામે બોલાવે છેઃ શંકરાચાર્ય
શંકરાચાર્યે અશાસ્ત્રીય સંપ્રદાયોમાં બ્રહ્માકુમારીને મુખ્ય ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, “વર્તમાન અશાસ્ત્રીય સંપ્રદાયોમાં બ્રહ્માકુમારીઓ મુખ્ય છે. આ લોકો શિવજીને જુદા જુદા નામોથી બોલાવે છે, તેઓ શિવ શબ્દનો અર્થ સમજી શકતા નથી અને મોટા એસી હોલમાં બેસીને વ્યાખ્યાનનું આયોજન કરે છે. જેને ખુદ અર્થની સમજ નથી તેઓ શું કહી રહયા છે તે સમજવાની જરૂર છે. તેઓ જે કહી રહયા છે તે કથનનું પ્રમાણ શું છે. એટલા માટે તેમનાથી બચવું જોઇએ.”
હરિદ્વારમાં ગાયત્રી શક્તિપીઠના વિધિહીન યજ્ઞોને કારણે દેશમાં સંકટો આવે છેઃ શંકરાચાર્ય
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ હરિદ્વારમાં શ્રીરામ શર્મા આચાર્યની ગાયત્રી શક્તિપીઠને પણ આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે, “હરિદ્વારમાં શ્રીરામ શર્મા ગાયત્રી શકિતપીઠ ચલાવે છે. તમામ ગાયત્રી યજ્ઞો કરે છે. જે તમામ વિધીહિન હોય છે. તેના લીધે દેશમાં સંકટો આવે છે. તેમણે શાસ્ત્રનું પ્રમાણ આપતા જણાવ્યું હતું કે વિધીહિન: યજ્ઞસ્ય સજ્ઞ સહકર્તા વિનસ્યતી. આવું ન કરવું જોઇએ.”
હિંદુ ધર્મમાં ચાલતી વર્ચસ્વની લડાઈ ખૂલીને સામી આવી
શંકરાચાર્યના આ નિવેદનો બાદ હિંદુ ધર્મમાં વિવિધ સંપ્રદાયો દ્વારા ચાલતી વર્ચસ્વ જમાવવાની લડાઈ ખૂલીને સામે આવી ગઈ છે. મનુસ્મૃતિની ધરી પર ઉભેલા હિંદુ ધર્મમાં પહેલેથી જ જાતિવાદી તત્વોએ ચાર વર્ણના આધારે લોકોના ભાગલા પાડી દીધા હતા. હવે તેમાં પણ અંધશ્રદ્ધાળુઓમાં ધર્મની વધતી જતી પકડના કારણે ધર્મનો ધંધો લઈને બેઠેલા વિવિધ સંપ્રદાયો પોતાનું વર્ચસ્વ જમાવવા અન્ય સંપ્રદાયોને હિન ચીતરવા પર ઉતરી આવ્યા છે. શંકરાચાર્યના આ નિવેદન પરથી સાબિત થાય છે કે, હિંદુ ધર્મમાં મોટાભાગના સંપ્રદાયો ધર્મનો ધંધો ખોલીને બેસી ગયા છે અને વધુને વધુ અનુયાયીઓ મેળવીને આવક રળવામાં પડ્યાં છે.
આ પણ વાંચો: ‘હું દલિત હોવાથી સ્વામિનારાયણની દીક્ષા ન આપી!’