રાજકોટ સેશન્સ કોર્ટે દુષ્કર્મના એક કેસમાં આરોપીને એમ કહીને જામીન આપી દીધાં હતા કે, લીવ ઈન રિલેશનશીપ દરમિયાન બંધાયેલા શારીરિક સંબંધ દુષ્કર્મ નથી. આ કેસમાં આરોપીના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, લીવ ઈન રિલેશનશીપ દરમિયાનનો શરીર સબંધ દુષ્કર્મ નથી અને લગ્નનું વચન ન પાળતા ભોગ બનનાર મહિલાએ કાયદાનો દુરુપયોગ કર્યો છે, જેથી આરોપીને જામીનમુક્ત કરવા જોઈએ. જે દલીલ ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી તૃષાંગ ડોબરીયાને જામીનમુક્ત કરવા હુકમ કર્યો હતો.
ફરિયાદીને ગોળી ખવડાવી 3-4 વાર ગર્ભપાત કરાવ્યો
રાજકોટ યુનિવર્સિટી પોલીસમાં નોંધાયેલા એક ગંભીર કેસમાં આરોપી તૃષાંગ ડોબરીયાની ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ તૃષાંગે ફરિયાદી મહિલાને લગ્ન કરવાનો વિશ્વાસ આપી બાદમાં તેની સાથે લીવ-ઈન રિલેશનશીપનો કરાર કરીને રાજકોટ તથા મોરબીમાં વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન ફરિયાદીને ત્રણથી ચાર વખત ગર્ભવતી બનાવી તેની મરજી વિરુદ્ધ ગર્ભપાતની ગોળીઓ ખવડાવી ગર્ભપાત કરાવ્યો હતો. ત્રણ વર્ષ સુધી સાથે રહી બાદમાં લગ્ન ન કરીને તેણે ફરિયાદી મહિલાને તરછોડી દેતા તેની વિરુદ્ધ પોરબંદરમાં ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ આ કેસ રાજકોટ યુનિવર્સિટી પોલીસને ટ્રાન્સફર થયો હતો.
આ પણ વાંચો: ‘ભગવાન નિષ્પક્ષ છે, જાતિ..’, કહી હાઈકોર્ટે દલિતોની તરફેણમાં ચૂકાદો આપ્યો
આરોપીના વકીલોએ શું દલીલ કરી?
ધરપકડ બાદ આરોપી તૃષાંગ ડોબરીયાએ પોતાના એડવોકેટ સુરેશ ફળદુ મારફતે જામીન માટે રાજકોટ સેશન કોર્ટમાં અરજી કરી હતી. દલીલોમાં જણાવાયું કે, ફરિયાદી અને આરોપી બંનેએ લીવ-ઈન રિલેશનશીપનો કરાર કર્યો હતો અને ત્રણ વર્ષ સુધી સાથે રહ્યા હતા. આવા સંબંધોમાં બનેલા શારીરિક સંબંધો સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટોના ચુકાદાઓ મુજબ દુષ્કર્મની વ્યાખ્યામાં આવતાં નથી. આ ઉપરાંત ગર્ભપાત અંગે કરાયેલા આક્ષેપોની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ફરિયાદીએ જે હોસ્પિટલનો ઉલ્લેખ કર્યો હતો ત્યાં ગર્ભપાત નહીં પરંતુ, ગર્ભ રાખવા માટેની સારવાર આપવામાં આવતી હતી. તેથી ફરિયાદીએ કાયદાનો ઉપયોગ રક્ષણ તરીકે નહીં પરંતુ, હથિયાર તરીકે કર્યો છે, એવી દલીલ કરવામાં આવી હતી.
કોર્ટે દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને જામીન આપ્યા
કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી તૃષાંગ ડોબરીયાને જામીન પર મુક્ત કરવાનો હુકમ આપ્યો હતો. આ કેસમાં આરોપી તરફથી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા તથા સહાયક તરીકે નીરવ દોંગા, પ્રિન્સ રામાણી, ભાવીન ખુંટ, આર્યન કોરાટ, જયમલ મકવાણા અને રાહીલ ફળદુ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: સહમતીથી સેક્સની ઉંમર 16 વર્ષ કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ