દેશભરમાં હાલ ગણેશોત્સવની ધૂમ મચેલી છે. કથિત સવર્ણ હિંદુઓ ગણેશજીની મૂર્તિ ઘરે લાવીને 10 દિવસ સુધી તેની પૂજા અર્ચના કરે છે. પરંતુ તેમની સાથે દલિત-બહુજન સમાજનો મોટો વર્ગ પણ જાણ્યાં-સમજ્યાં વિના ગણેશોત્સવ ઉજવવા માંડ્યો છે. તેમાં ઘણાં આંબેડકરવાદીઓ પણ સામેલ છે, જેઓ તેમના ઘરે ગણપતિની પ્રતિમા સ્થાપિત કરે છે. ભારતના ઘણા રાજ્યોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. પરંતુ મહારાષ્ટ્રમાં તેના માટે જે ઉત્સાહ જોવા મળે છે તેની તુલના અન્ય કોઈ રાજ્ય સાથે કરી શકાતી નથી. જોકે, મરાઠા શાસન પહેલાં, ગણેશ ઉત્સવ મહારાષ્ટ્રની પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ નહોતો. શરૂઆતમાં તે ફક્ત એક ઘરેલું પ્રસંગ હતો. પરંતુ જ્યોતિરાવ ફૂલેના સત્યશોધક સમાજની વધતી જતી લોકપ્રિયતા બ્રાહ્મણોના વર્ચસ્વ ધરાવતા વર્ણવ્યવસ્થા આધારિત હિંદુ ધર્મ માટે ખતરો બની જતા પૂણેના ચિત્તપાવની બ્રાહ્મણ બાળગંગાધર ટિળકે ગણેશ ઉત્સવની મોટાપાયે ઉજવણી શરૂ કરી હતી.
બાળ ઠાકરેના પિતા અને ડો.આંબેડકરેએ વિરોધ કરેલો
પત્રકાર ધવલ કુલકર્ણી લખે છે કે શરૂઆતમાં ગણેશ ઉત્સવમાં માત્ર બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું. શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના પિતા પ્રબોધનકર ઠાકરે અને ડૉ. આંબેડકરે આ વર્ચસ્વનો વિરોધ કર્યો હતો. ધવલ કુલકર્ણી તેમના પુસ્તક ‘ઠાકરે ભાઉ’ માં લખે છે કે, “દાદરમાં ગણેશ ઉત્સવનું આયોજન બધી જાતિના લોકોના દાનથી કરવામાં આવ્યું હતું, પરંતુ તેની આયોજન સમિતિમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું.”
આ પણ વાંચો: ‘ભગવાન નિષ્પક્ષ છે, જાતિ..’, કહી હાઈકોર્ટે દલિતોની તરફેણમાં ચૂકાદો આપ્યો
ડો.આંબેડકરને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી
ધવલ કુલકર્ણીએ ગણેશ ઉત્સવ અને ડૉ.આંબેડકર સાથે સંબંધિત એક રસપ્રદ કિસ્સો કહ્યો છે, જેમાં ચાંગદેવ ભવાનરાવ ખૈરમોડે દ્વારા લખાયેલ આંબેડકરના જીવનચરિત્ર ‘ડૉ. ભીમરાવ રામજી આંબેડકર વોલ્યુમ-2’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ખૈરમોડેના પુસ્તક મુજબ, એકવાર ગણેશ ઉત્સવની આયોજન સમિતિએ ડૉ. આંબેડકરને ઉત્સવ દરમિયાન ભાષણ આપવા માટે આમંત્રણ આપ્યું હતું. જોકે, આમંત્રણ આપ્યા પછી કથિત ઉચ્ચ જાતિના હિન્દુઓને એ વાતની ચિંતા થવા લાગી કે, દલિત સમાજમાંથી આવતા ડૉ. આંબેડકરની ઉપસ્થિતિને કારણે ગણેશની મૂર્તિ ‘અપવિત્ર’ ન થઈ જાય. તેઓ વિચારવા લાગ્યા કે જો આવું થશે, તો તેમની આવનારી અને પાછલી પેઢીઓને નરકની આગમાં સળગવું પડશે.
ડો.આંબેડકરે કહ્યું, મરવાનું જ છે, તો લડીને મરીશું
ખૈરમોડે લખે છે કે, દાદરના કથિત ઉચ્ચ જાતિના હિન્દુઓએ ડૉ.આંબેડકરને કાર્યક્રમ સ્થળે બોલતા અટકાવવા માટે ‘ષડયંત્ર’ રચવાનું શરૂ કર્યું. ડૉ.આંબેડકરને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી. આથી પરેશાન થઈને તેમના સાથીઓએ તેમને કાર્યક્રમમાં ન જવાની સલાહ આપી. પરંતુ ડૉ.આંબેડકર આવી ધમકીઓથી ડરે તેમ નહોતા અને તેઓ આ કાર્યક્રમમાં જવા માટે મક્કમ હતા. ખૈરમોડેના મતે, “આંબેડકરે કહ્યું હતું કે એક દિવસ તો મરવાનું જ છે, તો પછી લડતા લડતા કેમ ન મરવું?”
આ પણ વાંચો: આઝાદીના 78 વર્ષ બાદ પહેલીવાર દલિતોને ગામમાં પ્રવેશ મળ્યો
ડૉ. આંબેડકર રિવોલ્વર લઈને ગણેશ ઉત્સવમાં પહોંચ્યા
પુસ્તકમાં લખ્યા મુજબ, આંબેડકર કોટના ખિસ્સામાં લોડેડ રિવોલ્વર લઈને કાર્યક્રમ માટે રવાના થયા. તેમના બોડીગાર્ડ બલરામ માનેએ કેટલાક મહાર કુસ્તીબાજોને પણ બોલાવ્યા, જેઓ ડૉ.આંબેડકરનું રક્ષણ કરવા માટે સ્થળ પર ઉભા હતા. મહાર દલિત સમાજની એક જાતિ છે. ડૉ. આંબેડકર પોતે પણ મહાર જાતિના હતા.
સવર્ણોના વિરોધ વચ્ચે ભાષણ પૂરું કર્યું
ડૉ.આંબેડકર કાર્યક્રમમાં પહોંચ્યાં. જાતિવાદી હિંદુઓએ કાર્યક્રમ સ્થળે તેમના ભાષણમાં વિક્ષેપ પાડવાના કેટલાક નિષ્ફળ પ્રયાસો કર્યા. પરંતુ ડૉ.આંબેડકરે તેમનું ભાષણ ચાલુ રાખ્યું. કાર્યક્રમમાં બોલતા બાબાસાહેબ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “જ્યાં સુધી હિન્દુઓ તેમની રૂઢિચુસ્ત માન્યતાઓ નહીં છોડે, ત્યાં સુધી તે મજબૂત નહીં બની શકે. ડૉ.આંબેડકરે ત્યાં હાજર લોકોને ઉચ્ચ જાતિઓ અને અસ્પૃશ્યો સાથે સમાન વર્તન કરવા પણ હાકલ કરી હતી.
દલિતો ક્યારે સમજશે?
હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ડો.આંબેડકરના જીવનનો આ પ્રસંગ ઘણું બધું કહી જાય છે. ગણેશોત્સવ એ વખતે પણ દલિતો માટે અસ્પૃશ્યત હતો અને આજે પણ છે. દલિતોના વિરોધમાં જેને શરૂ કરાયો હતો, તે ઉત્સવ ઉજવનાર દલિતો વિશે માત્ર દયા ખાઈ શકાય. આ લેખ વાંચ્યા બાદ તેમની સાન ઠેકાણે આવશે એવી આશા રાખવી પણ નકામી છે.
આ પણ વાંચો: રાઈટ બ્રધર્સ પહેલા આપણી પાસે ‘પુષ્પક વિમાન’ હતું: શિવરાજસિંહ ચૌહાણ