સુરતમાં સિવિલ હોસ્પિટલમાં બળાત્કારી આસારામના ફોટાની પૂજા-આરતી કરાઈ!

સુરતમાં સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર સહિતનો સ્ટાફ બળાત્કારાની આસારામની અંધભક્તિમાં લીન થયો. સુપરિન્ટેન્ડેન્ટ અજાણ.
surat news

સુરત સિવિલ હોસ્પિટલમાં બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામના ફોટાની પૂજા-આરતી કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. હોસ્પિટલમાં સ્ટેમસેલ બિલ્ડિંગના ગેટ પર આસારામનો ફોટો મૂકી આસારામના એક અંધભક્તોના ગ્રુપે પૂજા-આરતી કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે, તેમાં પીડિયાટ્રિક વિભાગનાં ડો.જિગીષા પાટડિયા સહિત નર્સ અને સિક્યોરિટી સ્ટાફ પણ સામેલ હતો. આસારામની આરતી થતાં સુરત સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટને આ અંગે પૂછતાં તેમણે સમગ્ર ઘટનાક્રમ અંગે કોઈ જાણ ન હોવાનું અને તેમની પાસેથી કોઈપણ પ્રકારની પરમિશન લેવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું.

હોસ્પિટલના ડોક્ટર અને સિક્યોરિટી સ્ટાફ પણ પૂજામાં જોડાયો

મળતી માહિતી પ્રમાણે, નવી સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે આસારામના અંધભક્તોના એક જૂથે બિલ્ડિંગના ગેટ પર તેનો ફોટો મૂકી પૂજા-આરતીનું આયોજન કર્યું હતું. આરતી દરમિયાન મંત્ર અને ભજન કરવામાં આવ્યાં હતાં, જેમાં હોસ્પિટલના કેટલાક ફરજ પરના અધિકારી એવાં પીડિયાટ્રિક વિભાગનાં સિનિયર ડો.જિગીષા પાટડિયા પણ સામેલ હતાં. આ સાથે જ ત્યાં હાજર સિક્યોરિટીના જવાનો પણ આરતીમાં જોડાયા હતા. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકર્તાઓએ આ ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો. આસારામને 2018માં કોર્ટે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા આપી હતી. ત્યાર બાદ 2023માં ગાંધીનગર કોર્ટે સુરતની એક મહિલા સાથેના બળાત્કાર કેસમાં પણ આજીવન કેદની સજા ફટકારી હતી.

આ પણ વાંચો:  અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં SC સમાજના દર્દીઓ સાથે ભેદભાવ

હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ સમગ્ર મામલે અજાણ

સુરત સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગમાં આ પ્રકારની ઘટના બની હોવા છતાં પણ સિવિલ હોસ્પિટલમાં શું થઈ રહ્યું છે એની જાણ સુપરિન્ટેન્ડેન્ટ ડો. ધારિત્રી પરમારને નહોતી. જ્યારે મીડિયા દ્વારા તેમને આ બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે તેઓ રજા પર છે. ઉલ્લેખનીય છે કે આ વિવાદ થઈ ગયા બાદ તેમને જાણ થતાં સમગ્ર મામલાને દબાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં કોઈપણ પ્રકારનો વિવાદ થાય છે ત્યાર બાદ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા દોષનો ટોપલો બીજા પર ઢોળી દેવામાં આવે છે.

સિવિલના આરએમઓએ શું કહ્યું?

સુરત સિવિલના RMO ડો. કેતન નાયકે જણાવ્યું હતું કે આ બાબતે એક કર્મચારીએ મને ફ્રૂટ્સ વિતરણ માટેની પરમિશન બાબતે રવિવારે ફોન કર્યો હતો, એટલે મેં તેમને વર્બલી એવું જણાવ્યું હતું કે આવતીકાલે જ્યારે તમે ફ્રૂટ્સ લાવો ત્યારે એની ક્વોલિટી બતાવીને ત્યાં ઓન ડ્યૂટી સીએમઓ હોય તેની મંજૂરીથી તમે વિતરણ કરી શકો છો. ત્યાર બાદ ગઈકાલે મારા પર ત્યાં સિક્યોરિટી ઓફિસરનો ફોન આવ્યો કે આ લોકો આસારામ બાપુનો ફોટો મૂકીને આરતી કરી રહ્યા છે, એટલે મેં તાત્કાલિક બંધ કરાવીને બધું હટાવી લેવાની સૂચના આપી અને મારા સાથી ડો. ભરત પટેલને ત્યાં રૂબરૂ મોકલી તમામ પ્રવૃત્તિઓ બંધ કરાવી હતી, સાથે જ ત્યાં જે સિક્યોરિટી ગાર્ડ હતો તેને પણ તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવ્યો છે.

આવી બાબતનું ફરીથી પુનરાવર્તન ન થાય એ માટેની કડક સૂચનાઓ બધાને આપી છે અને કોઈ સિક્યોરિટી ગાર્ડ ફ્રૂટ્સ વિતરણ માટે જાય તો એની લેખિત મંજૂરી વગર ના થાય એ પ્રકારની સૂચનાઓ આપી દીધી છે, જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ બને નહીં.

આ પણ વાંચો: દુષ્કર્મ પીડિતા દલિત સગીરાએ સમાધાનની ના પાડતા પોલીસે માર માર્યો?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x