મહારાષ્ટ્રમાં મરાઠાઓને ઓબીસીમાં સામેલ કરવાનો જે રીતે વિરોધ થઈ રહ્યો છે, તેવી જ રીતે ઝારખંડમાં હવે કુર્મી સમાજને અનુસૂચિત જનજાતિ(ST) માં સામેલ કરવાના નિર્ણય સામે આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સમગ્ર ઝારખંડ રાજ્યમાં આદિવાસી સમાજ ઠેર ઠેર રેલીઓ અને વિરોધ પ્રદર્શન યોજીને કુર્મી સમાજને એસટી યાદીમાં સામેલ કરવા સામે વિરોધ નોંધાવી રહ્યો છે.
સંપૂર્ણ આદિવાસી સમાજ, પંચ પરગણા વિસ્તાર એકમના નેજા હેઠળ શુક્રવારે બુંડુ જિલ્લામાં એક વિશાળ આદિવાસી જાહેર આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી અદેલહાતુ મુંડા ગ્રાઉન્ડથી શરૂ થઈ બુંડુ ટોલ ગેટમાંથી પસાર થઈ શહેરની ફરતે ફરીને રાંચી-ટાટા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 33 થઈને સબડિવિઝન ઓફિસ સંકુલ પહોંચીને સમાપ્ત થઈ હતી.
કુર્મી સમાજને અનુસૂચિત જાતિમાં સમાવવાના પ્રસ્તાવનો વિરોધ
આ રેલીમાં હજારો આદિવાસી મહિલાઓ, પુરુષો અને યુવાનોએ રેલીમાં ભાગ લીધો હતો અને પરંપરાગત આદિવાસી પોશાક પહેરીને સરના ધ્વજ સાથે તેમના અધિકારો અને અસ્તિત્વના રક્ષણની માંગણી કરતો સૂત્રોચ્ચાર કર્યો હતો. રેલીમાં હાજર નેતાઓએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજની ઓળખ, ભાષા અને સંસ્કૃતિ પર કોઈપણ દબાણ સહન કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો: દલિત વિદ્યાર્થી ભાજપ નેતાની સભામાં ગેરહાજર રહેતા ABVP કાર્યકરોએ માર્યો
આ રેલીનું નેતૃત્વ અગ્રણી આદિવાસી નેતાઓ પ્રેમ શાહી મુંડા, લક્ષ્મીકાંત મુંડા, જ્યોત્સના કેરકેટ્ટા અને કુમુદિની પ્રભાવતીએ કર્યું હતું. મંચ પરથી નેતાઓએ જણાવ્યું હતું કે કુર્મી મહતો સમાજને અનુસૂચિત જનજાતિ યાદીમાં સમાવવાની માંગ સંપૂર્ણપણે ખોટી છે અને આદિવાસી સમાજના અધિકારો માટે જોખમ ઊભું કરશે.
પ્રેમ શાહી મુંડાએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજ હવે તેની ઓળખ અને અધિકારોનું રક્ષણ કરવા માટે પહેલા કરતા વધુ એક છે. જ્યોત્સના કેરકેટ્ટાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મહતો સમાજ આદિવાસીઓના અધિકારો છીનવી લેવા માંગે છે, જે કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં.
કુર્મીઓ ટ્રેન રોકશે તો આદિવાસીઓ રસ્તા પર ઉતરશે
જ્યોત્સના કેરકેટ્ટાએ જણાવ્યું હતું કે, 30 ઓક્ટોબરના રોજ, આદિવાસી જન આક્રોશ રેલીમાં ભાગ લેવા માટે લોકોને અડકીથી બુંદુ લઈ જતું એક પેસેન્જર વાહન પલટી ગયું હતું, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા. તેમણે કહ્યું હતું કે તે ગરીબ પરિવારોને આર્થિક રીતે ટેકો આપવા માટે તેઓ પોતાની સોનાની ચેઈન વેચી દેશે. તેમણે મુખ્યમંત્રી હેમંત સોરેન પાસે પીડિત પરિવારના એક સભ્યને નોકરી આપવાની માંગ કરી હતી. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે જો કુર્મી સમાજને એસટી દરજ્જાની માંગણી માટે ટ્રેનો રોકશે, તો સમગ્ર આદિવાસી સમાજ વિરોધ કરવા માટે અખડામાં ભેગો થશે.
રેલી દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
રેલી માટે વહીવટી સ્તરે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. બુંડુ ડીએસપી ઓમ પ્રકાશના નેતૃત્વમાં તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને જિલ્લા પોલીસના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં રહી અને રેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ.
આ પણ વાંચો: પાટણના લોદરામાં ગામલોકોએ ચાર યુવકોને બાંધીને વાળ કાપી નાખ્યા











Users Today : 1736