દલિતોના અલગ મતાધિકારના વિરોધમાં ગાંધીજીએ કેવા પેંતરા કરેલા?

બીજી ગોળમેજી પરિષદમાં તમામ જૂથોની અલગ મતદાર મંડળોની માગણી સ્વીકારનાર ગાંધીજીએ દલિતોના અલગ મતદાર મંડળો અને અનામત બેઠકોની માંગ પણ સ્વીકારી નહીં.
separate voting rights for Dalits
ચંદુ મહેરિયા

બાબાસાહેબ ડો.આંબેડકર જીવનના ઉત્તરાર્ધમાં ‘અલગ વસાહતો’ અને ‘ અલગ મતાધિકાર’ ને દલિતોની મૂળભૂત જરૂરિયાત ગણાવતા હતા, પરંતુ ઈતિહાસ  ગવાહ છે કે ૧૯૨૮માં સાયમન કમિશન સમક્ષ ડો.આંબેડકરે માત્ર રાજકીય અનામતની માગણી કરી હતી. એટલું જ નહીં, અલગ મતાધિકારનો વિરોધ પણ કર્યો હતો!

કોંગ્રેસે આઝાદ ભારતના રાજ્ય બંધારણનું માળખું ઘડી કાઢવા ઈ.સ. ૧૯૨૮માં  મોતીલાલ નહેરુના વડપણ હેઠળ ‘નહેરુ સમિતિ’ ની રચના કરી હતી. આ સમિતિએ સર્વપક્ષીય બેઠક બોલાવીને તેમાં મુસ્લિમ, શીખ, ઈસાઈ, એંગ્લો ઈન્ડિયન, બ્રાહ્મણેતર સંસ્થાઓ અને દ્રવિડ મહાજનોને ચર્ચા માટે નોતર્યા હતા, પરંતુ તેમાં દલિતોનો કે ડો.આંબેડકરનો પક્ષ જાણવો સમિતિને જરૂરી લાગ્યો નહોતો. નહેરુ સમિતિએ તેના અહેવાલમાં દલિતોના રાજકીય પ્રતિનિધિત્વની વાતને સાવ તડકે મૂકી દીધી હતી.

એ સંજોગોમાં સાયમન કમિશન સમક્ષ દલિતોની જે 18 સંસ્થાઓએ રજૂઆતો કરી, તેમાં 16 સંસ્થાઓએ દલિતો માટેના સ્વતંત્ર(એટલે કે અલગ) મતદાર સંઘ(મંડળ) ની માગણી કરી હતી. માત્ર બે જ સંસ્થાઓએ સંયુક્ત મતદાર મંડળ અને રાજકીય અનામતોની માંગણી કરી હરી. આ બે સંસ્થાઓમાંની એક હતી ડો.આંબેડકરની ‘બહિષ્કૃત હિતકારિણી સભા’ (સ્થાપના ૧૯૨૪). તેમણે દલિતો માટે સંયુક્ત મતદાર મંડળ અને રાજકીય અનામતોની તો માંગણી કરી પણ દલિતોના અલગ કે સ્વતંત્ર મતદારમંડળનો સખત વિરોધ કર્યો હતો!

આ પણ વાંચો: ફૂટપાથ પર પહેલો અધિકાર કોનો? પેટનો કે પગનો?

સાયમન કમિશન સમક્ષ થયેલી કોમી મતદારમંડળોની માગણીને વખોડતા ડો.આંબેડકરે પોતાના અલગ અહેવાલમાં જણાવ્યું હતું : કોમી મતદારમંડળો માટેનો કેસ,  વાજબી કહી શકાય તેવા કોઈ પણ કારણસર ટકી શકે તેવો નથી. તેની તરફેણમાં જે કંઈ કહેવાય છે તે માત્ર લાગણી અને ભાવનાઓ જ છે. હું અમુક વર્ગોને ખાસ પ્રતિનિધિત્વ મળે તેમ ઈચ્છું છું. છતાં એ પ્રતિનિધિત્વ તેમને અલગ મતદારમંડળો મારફતે મળે તેની વિરુધ્ધ છું. સૌથી યોગ્ય તો એ જ છે કે અનામત બેઠકોવાળી સંયુક્ત મતદાર મંડળોની પધ્ધતિ જ હોવી જોઈએ. તેનાથી ઓછું કશુંય અપૂરતું ગણાશે.

આમ, દલિતોના જ નહીં કોઈના પણ અલગ મતદારમંડળોના વિરોધી ડો.આંબેડકર, પાછળથી ‘દલિતોએ તેમની સઘળી માગણીઓ જતી કરવી જોઈએ, પણ અલગ મતદારમંડળો અને અલગ વસાહતોની માંગણીઓ ક્યારેય ન છોડવી જોઈએ’ એમ કેમ કહ્યું હશે, એ જાણવા આઝાદી પહેલાંનો ઈતિહાસ, કોંગ્રેસ અને ખાસ કરીને ગાંધીજીનું વલણ તપાસવું જોઈએ.

separate voting rights for Dalits

સાયમન કમિશન સમક્ષ રાજકીય અનામતની ડો.આંબેડકરની માગણી પૂરતા પ્રમાણમાં સંતોષાઈ નહોતી. ગોળમેજી પરિષદના આરંભે તેમણે અલગ મતાધિકારને નહીં પણ પુખ્ત વયના મતાધિકારને પ્રાથમિકતા આપી હતી, પરંતુ બીજી ગોળમેજી પરિષદમાં મુસ્લિમો, શીખો, ખ્રિસ્તીઓ,એંગ્લો ઈન્ડિયનો- એમ સઘળા જૂથોની અલગ મતદાર મંડળોની માગણી સ્વીકારનાર ગાંધીજીએ દલિતોના અલગ મતદાર મંડળોનો જ નહીં તેમની રાજકીય અનામત બેઠકોની માંગણી પણ સ્વીકારી નહીં. એ તબક્કે ડો.આંબેડકરને તેમની રણનીતિ બદલવાની કદાચ ફરજ પડી હશે અને તેમણે દલિતો માટે અલગ મતદારમંડળોને જ મુખ્ય મુદ્દો બનાવ્યો હશે એમ લાગે છે.

આ પણ વાંચો: ધર્માંધ અને ભીડપ્રેમી ભારતમાં ક્રાઉડ મેનેજમેન્ટ ક્યારે?

બીજી ગોળમેજી પરિષદમાં લઘુમતીઓના અધિકારોના મુદ્દે મડાગાંઠ ચાલુ રહી હતી. ડો.આંબેડકરે દલિતો માટે અલગ મતદાર મંડળોની માગણી સબળ રીતે રજૂ કરી અને બ્રિટિશ સરકારને તે સ્વીકારવાની ફરજ પાડી.

એ સમયે ગાંધીજીમાં રહેલો મુત્સદી કેવા કેવા પેંતરાઓ રચે છે તે જાણવા જેવું છે. ડો.આંબેડકર લખે છે, “૧૩મી નવેમ્બર ૧૯૩૧ના આગલા દિવસે લઘુમતી કરાર, ગોળમેજી પરિષદની લઘુમતી પેટા સમિતિને સોંપવામાં આવ્યો, ત્યારે શ્રી ગાંધીએ કુરાનની નકલ લીધી અને રીટ્ઝ હોટેલમાં નામદાર આગાખાનને મળવા ગયા, જ્યાં મુસ્લિમ પ્રતિનિધિઓ ભેગા થયા હતા. શ્રી. ગાંધીએ મુસ્લિમ પ્રતિનિધિઓને પૂછ્યું, અલગ પ્રતિનિધિત્વ માટેનો અસ્પૃશ્યોનો હકદાવો માન્ય રાખીને તમે શા માટે હિંદુ સમાજને વિભાજિત કરી રહ્યા છો? શું કુરાનમાં આવું કરવાની રજા આપેલી છે? મને બતાવો, કુરાનમાં એવું ક્યાં કહ્યું છે?  મુસ્લિમ પ્રતિનિધિઓને કદાચ શ્રી ગાંધીના  આ પ્રશ્નનો  જવાબ આપવાનું અઘરું લાગ્યું હશે. મુસ્લિમ પ્રતિનિધિઓએ શ્રી ગાંધીને શું જવાબ આપ્યો તે હું જાણતો નથી,  પરંતુ આ (ગાંધીજીના કુરાનવાળા સવાલ અંગેની) માહિતી મને અત્યંત અધિકૃત રીતે મળી છે.” (અનટચેબલ્સ એન્ડ અનટચેબિલિટી: સોશિયલ-પોલિટિકલ-રિલિજિયસ. ડો.આંબેડકર, ગ્રંથ-૫, પૃષ્ઠ-૩૨૩)

આટઆટલા પેંતરાઓ અને પ્રયત્નો છતાં ગાંધીજી ન ફાવ્યા અને અંતે લઘુમતીઓના અધિકારોનો મુદ્દો બ્રિટિશ વડાપ્રધાન પર છોડાયો હતો. બ્રિટિશ વડપ્રધાન રામ્સે મેકડોનાલ્ડે ૧૭મી ઓગસ્ટ, ૧૯૩૨ના રોજ કમ્યુનલ એવોર્ડ (કોમી ચુકાદો) જાહેર કર્યો હતો. તેમાં દલિતો માટે અલગ મતદારમંડળોની માગણી સ્વીકારવામાં આવી હતી. સાથે સાથે આ અલગ મતદારમંડળો અમર્યાદિત સમય માટે નહીં, પરંતુ વધુમાં વધુ વીસ વરસ માટે જ રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી.

ગાંધીજીએ ગોળમેજી પરિષદમાં જ દલિતો માટે અલગ મતદારમંડળોનો વિરોધ કર્યો હતો. તેઓ દલિતોને હિંદુ સમાજનો  જ એક ભાગ માનતા હતા અને દલિતોનું અલગ રાજકીય પ્રતિનિધિત્વ તેમને હિંદુ એકતા માટે ખતરનાક લાગતું હતું. તેથી, કમ્યુનલ એવોર્ડ અંતર્ગત દલિતો માટેના  અલગ મતદાર મંડળોની જોગવાઈના વિરોધમાં તેમણે પૂનાની યરવડા જેલમાં  આમરણ ઉપવાસ કરવાની જાહેરાત કરી. ગાંધીજીના ઉપવાસ અને તે અંગેના ડો.આંબેડકરના વલણનો ઈતિહાસ બહુ જાણીતો છે. ડો.આંબેડકરને ગાંધીજીના ઉપવાસના શસ્ત્ર સામે ઝૂકવું પડ્યું, દલિતોના અલગ મતાધિકારની માગણી જતી કરવી પડી અને રાજકીય અનામત બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.

આ પણ વાંચો: ભારતમાં સાક્ષરતા દરમાં થયેલી વૃદ્ધિના પ્રમાણમાં વાંચન કેમ ન વધ્યું?

કોમી ચુકાદામાં અલગ મતદારમંડળો અને સામાન્ય મતદારમંડળો એમ બેવડા મતનો લાભ હતો. વળી દલિત જ દલિતને ચૂંટે તેવી પણ જોગવાઈ હતી. પૂના કરારને કારણે કોમ્યુનલ એવોર્ડ કરતાં બમણી બેઠકો દલિતોને મળી, પણ યોગ્ય પ્રતિનિધિત્વ છીનવાઈ ગયું.

કોમી ધોરણે મતાધિકારની માંગણી કરનાર ડો.બાબાસાહેબ આંબેડકરને ૧૯૩૭ની પહેલી ચૂંટણીમાં  ‘ ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી’ ની રચના કરવાની જરૂર જણાઈ હતી. મુંબઈ વિધાનસભાની કુલ ૧૭૫ બેઠકોમાં અનામત બેઠકો માત્ર ૧૫ જ હતી. ત્યારે બાબાસાહેબને જ્ઞાતિના ધોરણે નહીં પણ વ્યાપક સમર્થનવાળા રાજકીય પક્ષની રચના યોગ્ય લાગી હતી.એટલે તેમણે ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી(સ્વતંત્ર મજૂર પક્ષ) ની રચના કરી હતી.

પૂના કરારના લગભગ સવા નવ દાયકે, અલગ મતાધિકારની માંગ બુલંદ કરનાર સૌએ  દલિતોના પેટા જ્ઞાતિવાદના મુદ્દે આ માંગણી(અલગ મતદારમંડળની)  વિચારવા જેવી છે. ખુદ બાબાસાહેબને પણ દલિતોના પેટા જ્ઞાતિવાદનો ઠીક ઠીક અનુભવ થયો હતો. આજે વકરેલા દલિત પેટા જ્ઞાતિવાદના સંદર્ભમાં અલગ મતાધિકારની માંગણી કેટલી યોગ્ય ઠરે તે વિચારવું રહ્યું.

આ પણ વાંચો: Golden Visa: અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ…

ગુજરાતની દલિત વસ્તીમાં સાવ જ નજીવું પ્રમાણ ધરાવતી દલિત પેટાજ્ઞાતિના ઉમેદવારો રાજકીય અનામત બેઠકો અને રાજકીય પક્ષોની પસંદગીના કારણે ધારાસભા કે લોકસભામાં ચૂંટાઈ શક્યા છે. ગંગાબહેન વાઘેલા, ભાનુભાઈ વાઘેલા, ચંદ્રકાંત વાઘેલા, દર્શનાબહેન વાઘેલા,ચંદ્રાબહેન શ્રીમાળી અને પૂનમભાઈ મકવાણા જેવા નામો તરત યાદ આવે. દલિતોમાં દલિત એવી દલિત પેટા જ્ઞાતિઓના આ ઉમેદવારો અલગ મતાધિકારમાં સત્તાના રાજકારણમાં સ્થાન બનાવી શક્યા હોત ખરા?

સુપ્રીમ કોર્ટના અનામતમાં પેટા વર્ગીકરણના મુદ્દે દલિતોની સંખ્યામાં વર્ચસ ધરાવતી પેટા જ્ઞાતિઓનું વલણ હાલમાં જણાઈ આવ્યું છે તે સંજોગોમાં અલગ મતાધિકારમાં દલિતોની સર્વ જ્ઞાતિઓનું સમાવેશન શક્ય બન્યું હોત ખરું?  તે બાબત પણ વિચારવા જેવી નથી શું?

પૂના કરારને કારણે ૧૯૩૭માં પ્રાંતિક ધારાસભાઓમાં ૧૫૧ અનામત બેઠકોમાંથી કોંગ્રેસને ૭૮ બેઠકો મળી હતી. એટલે કે લગભગ પચાસ ટકા જેટલી જ. મુંબઈ વિધાનસભાની મોટાભાગની અનામત બેઠકો ડો.આંબેડકરના પક્ષને મળી હતી. જો બાબાસાહેબ દલિતોના રાજકીય સંગઠન તરફ વધુ લક્ષ આપી શક્યા હોત,  તેમને દલિતોનો અખિલ ભારતીય પક્ષ રચવાની તક મળી હોત અને પૂના કરારની પ્રાથમિક ચૂંટણીની શરત તેના ખરા અર્થમાં અમલી બની હોત તો આજે દલિતોના રાજકીય પ્રતિનિધિત્વનો ઈતિહાસ જુદો હોત. રાજકીય અનામત અને અલગ મતાધિકારની ચર્ચા વેળાએ આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે.

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આ પણ વાંચો: જ્યારે કચ્છના સવર્ણોએ ગાંધીજીને ‘આભડછેટ નાબૂદી’નું વચન આપીને છેતર્યા!

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Ashvin Solanki
Ashvin Solanki
8 days ago

લેખક માટે…

ડૉ. બાબાસાહેબ આંબેડકરે ૧૯૨૮ માં અલગ મતદાર મંડળનો વિરોધ કર્યો હતો, તે બાબતે લેખક પાસે કોઈ આધારભૂત કે પ્રમાણિત પુરાવા છે?

હોય તો મને મેલ કે વ્હોટસએપ કરવા વિનંતી.

અશ્વિન સોલંકી
7984445240
ashvinsolanki@gmail.com

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x