બનાસકાંઠાના ચડોતર ગામે યોજાયેલા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને બનાસકાંઠાના સમસ્ત ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ અને ઠાકોર સમાજના અગ્રણી ગેનીબેન ઠાકોરે ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તણમાં ઠાકોર સમાજને અન્યાય થયાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, સત્તાપક્ષના ધારાસભ્યો કશું બોલી શકતા નથી. આ સ્નેહમિલન કાર્યક્રમમાં ઠાકોર સમાજના ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા.
એ પહેલા દિયોદર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, વાવના ધારાસભ્ય-રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર એક જ મંચ પર જોવા મળ્યા હતા. આજે ફરીથી ચડોતરમાં યોજાયેલા કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર મંચ પર આજુબાજુ બેઠેલા જોવા મળ્યા. જોકે, સ્વરુપજી ઠાકોર ગેરહાજર હતા.
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, “વર્તમાન સરકાર ઠાકોર સમાજ સાથે અન્યાય કરે છે. દરેક યોજના હોય કે કોઇ પદ પર સ્થાન આપવાનું હોય એ તમામ બાબતોમાં સરકાર ઠાકોર સમાજ સાથે અન્યાય કરે છે. હમણાં મંત્રીમંડળના વિસ્તણમાં પણ ઠાકોર સમાજને જે સ્થાન મળવું જોઈતું હતું એ નથી મળ્યું. ઠાકોર સમાજના 38 જેટલા ધારાસભ્યો હોવા છતાં સમાજના ધારાસભ્યો સાથે અન્યાય થયો છે. શાસક પક્ષના ધારાસભ્યો ન બોલી શકે પણ વિપક્ષ તરીકે હું કહું છું કે ઠાકોર સમાજની મશ્કરી થઇ છે.”
આ પણ વાંચો: OBC ને આકર્ષવા BSP એ બનાવ્યો પ્લાન, જાણો શું છે DMP ફોર્મ્યુલા?
સમયની સાથે લગ્નોમાં થતા ખર્ચા ઘટાડવા પડશેઃ ગેનીબેન
ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું કે, 21મી સદી ટેકનોલોજીની સદી છે. બીજા સમાજો કરતાં આ સમાજ એવડો મોટો હોવા છતાં, સ્વનિર્ભર રીતે પોતાના શૈક્ષણિક સંકુલ બનાવવા પડે છે. સમાજના પ્રસંગો કરવાના હોય, એ સમાજ પોતે સ્વનિર્ભર બને, એના માટેના અમારા બધાના પ્રયત્નો છે. રાજકારણની વાત આવે ત્યારે, પોતપોતાની પક્ષની વિચારધારા પ્રમાણે જે પોતે લોકશાહીની અંદર સ્વતંત્ર છે, પણ બીજા સમાજો સમાજનું કામ સાથે મળીને એકજૂટ થઈને કરે એવું કામ ઠાકોર સમાજના આગેવાનો સાથે મળીને સમગ્ર સમાજના વિવિધ સંગઠનો સાથે રાખીને કરે, એ સંદેશો આપવા માટે આજે આ સમગ્ર જિલ્લાનું એક સ્નેહમિલન અને આવનાર સમયમાં કરવામાં આવશે. તેમાં સમાજ પોતે કઈ રીતે ખર્ચા ઘટાડી શકે, રીતિ-રિવાજોમાં કઈ રીતે સુધારા લાવી શકાય અને કઈ રીતે સમાજને ઉપયોગી થઈ શકે, એના માટે અલગ-અલગ મીટિંગો કરવામાં આવશે.
દરેક પરિવાર 500 રૂપિયા શિક્ષણ માટે આપેઃ ગેનીબેન
ગેનીબેને જણાવ્યું કે, સમાજના શિક્ષણ માટે, દરેક પરિવાર જે ચૂલે નોખો રહે છે, એ કમ સે કમ ઓછામાં ઓછા 500 રૂપિયા એ સમાજના શિક્ષણ માટે આપે, એવું આજે નક્કી પણ કરવામાં આવ્યું છે. વધારે એની પોતાની ક્ષમતા પ્રમાણે આપે, પણ ઓછામાં ઓછા 500 રૂપિયા આપે, આ પ્રમાણેનું ઉઘરાણું પણ આવનાર સમયમાં ગામોગામ જઈને કરવાનું છે, એનું કારણ કે આ સમાજ ધર્મના નામે લાખો કરોડો રૂપિયા આપે છે, પણ શિક્ષણમાં એક રૂપિયો ખર્ચતો નથી. માટે શિક્ષણમાં સમાજ કઈ રીતે ખર્ચ આપતો થાય, પોતાના દીકરા-દીકરીઓને ભણાવવા માટે સ્વતંત્ર કઈ રીતે બની શકે, એના માટેના અમારા પ્રયત્નો રહેશે.
આ પણ વાંચો: ‘OBC અનામત પર કોઈનો હુમલો સહન નહીં કરીએ’, છગન ભૂજબળ
લવ મેરેજ કરતા પણ મૈત્રી કરાર ખતરનાકઃ ગેનીબેન
સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, લવ મેરેજ કરતા પણ ખતરનાક અત્યારે મૈત્રી કરાર છે. બે છોકરાઓની મા હોય, સામે છોકરો લગ્ન કરેલો હોય, ઘરે છોકરા નાના-નાના હોય, બાપ કરગરતો હોય, છોકરા પોલીસ સ્ટેશનમાં જઈને કરગરતા હોય છતાં, છોકરા પાસે નથી રહેવું. મૈત્રી કરારનો આ સૌથી ખરાબ કાયદો છે. પહેલા સમાજને એ નક્કી કરવું પડશે કે આપણા સમાજમાં જે દીકરા લગ્ન કરેલા હોય અને મૈત્રી કરાર હેઠળ કોઈ દીકરીના લગ્ન કરેલા છે અને એને મૈત્રી કરાર હેઠળ લઈને આવે. ત્યારે 500 લોકોએ સાથે જઈ તેના ઘરે જઈને બેસી જવું જોઈએ, આની સામે તમે આકરા નહીં થાવ તો સમાજ આખો વેર વિખેર થઈ જવાનો છે.
અલ્પેશ ઠાકોરે શું કહ્યું?
ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, “તમામ આગેવાનોએ ભેગા થઇને સમાજ આગળ વધે અને બીજા સમાજો સાથે કદમથી કદમ મિલાવે એ માટે આજનું આયોજન હતું. જેમાં કુરિવાજો દુર થાય અને ખોટા ખર્ચાઓ દુર થાય એ માટેની ચર્ચાઓ કરવામાં આવી છે. અમે સમાજને કહીએ છીએ કે તમામ સમાજો આગળ વધી ગયા તમે ક્યાં સુધી ઊંઘી રહેશો. મંત્રી મંડળના વિસ્તણ અંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, અમારા જ સંગઠનના સ્વરૂપજી ઠાકોરની સરકારે પસંદગી કરી છે જે બાબતે અમે પક્ષનો આભાર માનીએ છીએ.”
આ પણ વાંચો: રાધનપુરમાં રિલ્સ બનાવવા માટે લુખ્ખાઓએ નિર્દોષ મજૂરને માર્યો














Users Today : 1746