આખા ગુજરાતમાં પોલીસ પરિવારની મહિલાઓ કોંગ્રેસના જિગ્નેશ મેવાણી સામે ઝંડા ઊઠાવી રહી છે. ચેનલો અને પત્રકારો હર્ષ સંઘવી તરફી અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે ઊહાપોહ કરી રહ્યા છે. લોકો મૂંઝવણમાં છે કે કોણ સાચું છે? કોણ જૂઠ્ઠું છે? દારુ-જુગારની પ્રવૃત્તિઓ કઈ રીતે નિયંત્રિત થઈ શકે? પોલીસ સત્તાલક્ષી નહીં પરંતુ લોકલક્ષી કઈ રીતે બને? આ બાબતે ચિંતન કરવું જરૂરી છે. ચાલો, કેટલાંક પ્રશ્નો જોઈએ-
સવાલઃ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે પોલીસ પરિવારની મહિલાઓ કેમ રોડ પર ઊતરી?
જવાબઃ 24 નવેમ્બર 2025ના રોજ થરાદમાં ઐતિહાસિક ઘટના બની. પોલીસ પરિવારની મહિલાઓને સરકાર દ્વારા આંદોલનજીવી બનાવી છે. સરકાર એટલે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું રાજીનામું ઈચ્છે છે, તેથી IPS અધિકારીઓ મારફતે પોલીસ પરિવારની મહિલાઓના હાથમાં બેનર પકડાવી દીધા છે. સરકાર અને પોલીસે વેપારીઓ પાલસે જિગ્નેશ મેવાણીના વિરોધમાં દુકાનો પણ બંધ કરાવી હતી. આ આંદોલન ઐતિહાસિક એટલે છે કે દારુ અને ડ્રગ્સના દૂષણ કરતાં સરકારને વિપક્ષના ધારાસભ્યનો વિરોધ વધુ ખતરનાક લાગે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણનો શિકાર
સવાલઃ શું ગુજરાતમાં જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે દારુ વેચાતો ન હતો? ત્યારે લઠ્ઠાકાંડ થતાં ન હતા?
જવાબઃ દારૂનુ દૂષણ તો કબીરના સમયથી ચાલ્યું આવે છે, કદાચ પ્રાચીન સમયે પણ સોમરસ-પાન થતું. ગલી ગલી ગૌરસ ફિરે, મંદિરા બૈઠી બિકાય! પરંતુ આ દૂષણ કોંગ્રેસના શાસન વખતે હતું, કબીર વખતે હતું, પ્રાચીન સમયે હતું એટલે આજે ચાલું રાખવાનું છે? દારુ કરતા ડ્રગ્સનું દૂષણ વધ્યું છે તે નિયંત્રિત કરવાની જરૂર છે. કોંગ્રેસના સમયે દારૂ વેચાતો હતો પરંતુ કોંગ્રેસે પોતાનો પ્રદેશ પ્રમુખ એવો ક્યારેય બનાવ્યો ન હતો, જેની ઉપર દારૂની હેરાફેરીના કેસ થયેલા હોય, દારુની હેરાફેરી માટે સસ્પેન્ડ થયેલ હોય! બીજું કોંગ્રેસ શાસન વખતે વિપક્ષના નેતાનું રાજીનામું લેવા પોલીસ પરિવારની મહિલાઓને રોડ પર ક્યારેય ઊતારી ન હતી! આટલો ફરક છે.
સવાલઃ જિગ્નેશ મેવાણી નાયબ મુખ્યમંત્રી માટે જાહેરમાં તું-તારી વાળી ભાષા બોલે તે યોગ્ય છે?
જવાબઃ તું-તારી વાળી ભાષા યોગ્ય નથી. તે અંગે તેમની આલોચના થઈ શકે. પરંતુ સંસદમાં ભાજપના સંસદસભ્ય જ ગાળો બોલે તેની સામે જો કડક કાર્યવાહી થઈ હોત તો જાહેર જીવનમાં ઉચિત ભાષાનો પ્રયોગ કરવા એક વાતાવરણ બની શક્યું હોત. ભાજપના IT Cellના ટ્રોલ્સ રોજે ભયંકર ગાળો સોશિયલ મીડિયામાં લખી રહ્યા છે, તેમની સામે ગુજરાત સરકારે એકાદ કેસ કેમ કર્યો નથી? બીજું, હર્ષ સંઘવીએ પણ જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર કહેલ કે ‘ભણે એટલે સંસ્કાર ન આવે’ મતલબ કે જિગ્નેશ મેવાણી અસંસ્કારી છે. આવું નાયબ મુખ્યમંત્રી બોલે?
આ પણ વાંચો: ડૉ.આંબેડકરનું અપમાન કરનાર Anil Mishra ની મુસ્લિમ CSPએ બોલતી બંધ કરી

સવાલઃ પણ જિગ્નેશ મેવાણીએ પોલીસને ‘પટ્ટા ઉતરાવી લઈશ’ એવી ધમકી આપવાની શી જરૂર હતી?
જવાબઃ જુઓ, રજૂઆતની આ એક રીત છે. ‘હું મીઠાઈ ખવડાવીશ’ એવું તો બોલી શકાય નહીં. વળી પટ્ટા કોણ ઊતારે? સરકાર જ ને? જિગ્નેશ મેવાણી તો કાર્યવાહી કરાવી શકે. સરકારને યોગ્ય લાગે તો પટ્ટા-યુનિફોર્મ છીનવી શકે. અગાઉ પણ સરકારે અનેક પોલીસ અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. એટલે ‘પટ્ટા ઉતરાવી દઈશ’ એ કોઈ અસભ્ય ભાષા નથી. તે રજૂઆતની એક રીત છે. પરંતુ ‘પટ્ટા ઉતરાવી લઈશ’ એવા શબ્દોથી કોને ખરાબ લાગે? જે બુટલેગર-ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા છે તેમને. પ્રામાણિક પોલીસે શા માટે માથે ઓઢી લેવાનું? શું આ બાબત પોલીસ પરિવારની મહિલાઓને અને વેપારીઓને સમજાતી નહીં હોય? 3 વર્ષ પહેલા અમરેલી-રાજુલાના ભાજપના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પોલીસ સ્ટેશનની અંદર પોલીસ અધિકારીને ‘પટ્ટો ઉતારી’ લેવાની ધમકી આપી હતી, ત્યારે પોલીસ પરિવારની મહિલાઓ ઘસઘસાટ સૂઈ રહી હતી! વિપક્ષી ધારાસભ્ય પટ્ટા ઉતારી લેવાની વાત કરે ત્યારે હર્ષ સંઘવી પોલીસ પરિવારની મહિલાઓના હાથમાં બેનર પકડાવી દે છે!
સવાલઃ શું જિગ્નેશ મેવાણી સામેનો ઊહાપોહ ઉચિત નથી?
જવાબઃ જિગ્નેશ મેવાણી સામેનો ઊહાપોહ સરકાર પ્રાયોજિત છે. સરકારી મીડિયા-ચાપલૂસ મીડિયા તેને ‘જિગ્નેશ મેવાણીનો બકવાસ’ કહે છે. લોકશાહીમાં વિપક્ષી ધારાસભ્યને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવે તે શરમજનક છે. સરકાર લોકોને સાંભળતી નથી, વિપક્ષી ધારાસભ્ય બોલે તો તેમને સરકાર પ્રાયોજિત આંદોલન વડે અને ચાપલૂસ મીડિયા વડે ચૂપ કરવાની કોશિશ થાય છે. મુદ્દો એ છે કે જો દારૂ અને ડ્રગ્સનું દૂષણ હદ બહારનું વધેલું ન હોત તો લોકોએ જિગ્નેશ મેવાણી સમક્ષ રજૂઆત જ કરી ન હોત! અને આ ઘટના બની ન હોત.
સવાલઃ શું દારુ-જુગારના પૈસા મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી સુધી પહોંચતા હોય છે?
જવાબઃ આવી બાબતમાં કોઈ સમજદાર મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી ન પડે. તેમની પાસે પુષ્કળ સત્તા છે. કોર્પોરેટ કંપનીઓની તરફદારી કરે એટલે કરોડો રૂપિયા મળે. તેઓ શા માટે કોલસાની દલાલીમાં કાળા હાથ કરે? હા, પોલીસ અધિકારીઓમાં દારૂ-જુગારના પૈસા વહેંચાય છે. પ્રામાણિક અધિકારીઓ તેનાથી દૂર રહે છે. પરંતુ આ મુદ્દો જટિલ છે. અપ્રામાણિક પોલીસ અધિકારીઓ મલાઈદાર પોસ્ટ પર રહેવા સરકારની ચાપલૂસી કરે છે. ગૃહમંત્રીના ગેરકાયદેસરના હુકમો માને છે. ગૃહમંત્રી કંઈ રીતે રાજીરાજી રહે તેની ચિંતા કરતા હોય છે.
આ પણ વાંચો: ‘RSS ના માણસોને બહુ ચરબી કૂદી રહી છે’, બોટાદ કેસમાં મેવાણી આક્રમક
રાજ્યના કેટલાંક પોલીસ વડાની કચેરીમાં વહિવટ કરી પોલીસ ઈન્સ્પેકટર જિલ્લા-શહેરમાં નિમણૂંક મેળવે. પછી જિલ્લાના SP-શહેરના પોલીસ કમિશનર સાથે વહીવટ કરી પોલીસ સ્ટેશન મેળવે. એટલે એ પોલીસ ઈન્સ્પેકટરે ‘પ્રસાદ’ પાછળ 50 લાખથી વધુ રકમનું ‘રોકાણ’ કર્યું હોય એટલે એ પોલીસ ઈન્સ્પેકટર પ્રથમ તો રોકેલી રકમ કવર કરવા દારૂ-જુગારની પ્રવૃત્તિને વેગ આપે! આમ આખું અલગ અર્થતંત્ર ચાલે છે. સરકારે પોલીસ ઈન્સ્પેકટરની બદલી પોતાના હસ્તક રાખી છે. ગૃહ વિભાગમાંથી જે લિસ્ટ આવે તે મુજ રાજ્યના પોલીસ વડા બદલીના હુકમો કરે છે. ગૃહ વિભાગ આ લિસ્ટ સત્તા પક્ષના ધારસભ્યોની માંગણી મુજબ તૈયાર કરે છે. એટલે નાગરિકોની કોઈ ફરિયાદ સ્થાનિક સતાપક્ષના ધારાસભ્યોના માણસો સામે હોય તો પોલીસ ઈન્સ્પેકટર નોંધતો નથી.
આ પણ વાંચો: કચ્છ ભાજપના એક નેતાને ‘મીઠી ખારેક’ 90 લાખમાં પડી!
મતલબ કે પોલીસ સ્ટેશનમાં FIR નોંધવી કે નહીં તેનો ખરો કંટ્રોલ સ્થાનિક સત્તાપક્ષના ધારાસભ્ય પાસે હોય છે. આનો મતલબ એ પણ કરી શકાય કે જે તે પોલીસ સ્ટેશનમાં દારૂ-જુગારના અડ્ડા ચાલે છે તેમાં સ્થાનિક સત્તાપક્ષના ધારાસભ્યના છૂપા કે જાહેર આશીર્વાદ હોય છે. ઊનાના ભાજપના ધારાસભ્ય કે. સી. રાઠોડ તો બુટલેગરના ભાગીદાર છે, તેવો બુટલેગરે પત્ર લખેલ છે. વળી દક્ષિણ ગુજરાતમાં પોલીસને વધુ આવક થાય છે. એટલે દક્ષિણમાં ચોક્કસ જ્ઞાતિના અધિકારીઓની ઇજારાશાહી છે. અન્ય જ્ઞાતિનો પોલીસ ઈન્સ્પેકટર ત્યાં માથું મારવા જાય તો તેની પર ACBની ટ્રેપ કરાવી કાંટો કાઢી નાખવામાં આવે છે.
પોલીસમાં જ્ઞાતિવાદ, ચાપલૂસીનું એટલું પ્રભુત્વ છે કે સામાન્ય નાગરિકોને પોલીસ તરફથી ઉદ્ધત વર્તન સહન કરવું પડે છે. શું દારૂ, ડ્રગ્સ, જુગારની પ્રવૃત્તિ નિયંત્રિત થઈ શકે? શું પોલીસે રાજકીય નેતાની ચાપલૂસી કરવી પડે છે તે સ્થિતિ નિવારી શકાય? શું પોલીસ સત્તાલક્ષી નહીં પણ લોકલક્ષી બને? આ બધું ત્યારે શક્ય બને જ્યારે [1] સી. ડી. પટેલ અને હરેન પંડ્યા જેવા વિઝનરી ગૃહમંત્રી આપણને મળે! [2] પોલીસ અધિકારીઓ કાયદા મુજબ ફરજ બજાવે તે માટે, પોલીસને સત્તાલક્ષીના બદલે લોકલક્ષી બનાવવા માટે NPC-નેશનલ પોલીસ કમિશનની રચના 1977માં થઈ હતી.
તેણે 1979થી 1981 વચ્ચે કુલ-8 રિપોર્ટ સબમિટ કર્યા હતા. તેમાં પોલીસ વ્યવસ્થામાં વ્યાપક સુધારાઓ માટે, પોલીસની સ્વાયત્તતા, જવાબદારી અને કાર્યક્ષમતા માટે, પોલીસ અધિકારીઓની ભરતી, તાલીમ, જવાબદારી, અને રાજકીય હસ્તક્ષેપને અટકાવવા માટે કુલ- 206 ભલામણો કરેલ છે. તે ભલામણોનો અમલ કરવામાં આવે.
રમેશ સવાણી
(લેખક પૂર્વ આઈપીએસ અને રેશનલ વિચારધારાના પક્ષધર છે. લેખમાં રજૂ થયેલા વિચારો તેમના અંગત અનુભવો પર આધારિત છે.)
આ પણ વાંચો: ‘NDA હોય કે મહાગઠબંધન, તમારો મત લઈ લેશે, પણ વિકાસ નહીં કરે…’












કહેવાય છે પોલીસ પરિવાર ના દેખાવ…પણ ફોટાઓ માં ક્યાંય IPS ઑફિસર નો પરિવાર હોય તેવી મહિલાઓ દેખાતી નથી.. ફોટા માં જે મહિલાઓ દેખાય છે…તેમના પહેરવેશ ઉપર થી તો દુઃખ થાય કે પોલીસ પરિવાર ગરીબ પરિવાર છે