દારૂબંધી ક્યાં છે? ચોટીલામાં છેક પંજાબથી કરોડોનો દારૂ પહોંચી ગયો

Special Story: ગુજરાતની દારૂબંધી માત્ર નામની. છેક પંજાબથી 2.13 કરોડનો દારૂ ચોટીલા પહોંચી ગયો. મુંદ્રામાંથી 1.7 કરોડનો દારૂ પકડાયો.
Chotila news

Special Story: ગુજરાતમાં દારૂને લઈને હાલ વિપક્ષ કોંગ્રેસ અને સત્તાધારી ભાજપ વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે. બુટલેગરો અને પોલીસની મિલીભગત અને ગાંધીનગર સુધી ચાલતા હપ્તારાજને કારણે ગુજરાતમાં માંગો તે બ્રાન્ડના દારૂની હોમડિલિવરી પણ થઈ રહી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે તે શેખીઓ મારી રહ્યાં છે, પરંતુ જમીની હકીકત તેનાથી તદ્દન જુદી છે.

વાસ્તવમાં બુટલેગરો બેફામ બની ગયા છે અને તેમને ખુદ કાયદાના રક્ષકોનું પીઠબળ છે. આવું એટલા માટે લાગે કેમ કે, સુરેન્દ્રનગરના ચોટીલામાં છેક પંજાબથી આયાત કરાયેલો કરોડોનો દારૂ પકડાયો છે. એ પહેલા કચ્છના મુંદ્રામાં એક ગોડાઉનમાંથી પણ કરોડોની કિંમતનો દારૂ પકડાયો હતો.

7 શખ્સોની ધરપકડ, મુખ્ય આરોપીઓ હજુ પણ ફરાર

31 ડીસેમ્બર પૂર્વે ગુજરાતમાં બુટલેગરોએ સ્ટોક કરવાનું શરૂ કરતા કમને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. કચ્છના મુંદ્રામાંથી બે દિવસ પૂર્વે રૂ. 1.72 કરોડાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયા બાદ રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર ચોટીલા પાસે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી પોણા બે કરોડનો 28804 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 2.13 કરોડનો મુદ્દામાલ કબજે કરી 7 શખ્સોની ધરપકડ કરી દારૂ મંગાવનાર અને સપ્લાયર સહીત પાંચના નામ ખોલી તમામ સામે ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો: મેવાણીએ કહ્યું, ‘દારૂ-જુગારમાંથી કમાતા હોય તેના પટ્ટા ઉતરશે જ!’

પંજાબથી ચોટીલા સુધી દારૂ કોની કૃપાથી પહોંચ્યો?

મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડવાળા દર્શન હોટલ પાસેના ખુલ્લા ખેતરમાં દરોડો પાડી આરજે 19 જીજે 3838 નંબરના ટ્રકમાં કોટન વેસ્ટની આડમાં છુપાવેલ રૂ.1.77 કરોડનો કુલ 28,804 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા બે વાહનો સહીત રૂ. 2.13 કરોડનો મુદ્દમાલ જપ્ત કરાયા હતા. આ દારૂ પંજાબ અને ચંડીગઢની વિવિધ ડિસ્ટિલરીઓમાં બનાવવામાં આવ્યો હતો. તેમાં બ્રુઅરીઝ પ્રા. લિ. (બટાલા, પંજાબ), યુનાઇટેડ સ્પિરિટ્સ લિ. (ચંડીગઢ), ઓમ સન્સ માર્કેટિંગ પ્રા. લિ. (ભટિંડા, પંજાબ), એડી બ્રોસ્વન (બટાલા, પંજાબ) અને પર્નોડ રિકાર્ડ ઇન્ડિયા પ્રા. લિ. (મોહાલી, પંજાબ) નો સમાવેશ થાય છે.

નાની મોલડીનો કાઠી દરબાર બુટલેગર ફરાર

આ દરોડામાં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભાણેજડા ગામના 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં મુકેશ વાલસિંગ માવી, બડીયા મંગુસિંહ દેવકા, પાટલીયા બેસી મસાણીયા, કુવરસિંહ થાનસિંહ મિનાવા, રાકેશ વરસીંગ મસાણીયા, નાગરસિંહ કાલુસિંહ દેવકા અને કાલુ ભારૂભાઈ મસાણીયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓને વધુ કાર્યવાહી માટે ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષમાં 91,453 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ કેસમાં નાની મોલડીનો બુટલેગર સંજયભાઈ અનકભાઈ ખાચર મુખ્ય રીસીવર તરીકે વોન્ટેડ છે. આ ઉપરાંત, આરજે 19 જીજે 3838 નંબરના વાહનનો ડ્રાઇવર, માલિક, ક્લીનર અને દારૂ મોકલનાર પણ વોન્ટેડ આરોપીઓની યાદીમાં છે. આ દરોડો પ્રતિબંધ અધિનિયમની કલમ 65(અ)(ઊ), 81, 83, 98(2), 116(ઇ) હેઠળ જખઈના વી.એન. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.

ફરી એકવાર ગુજરાતની દારુબંધીની પોલ ખુલી ગઈ

અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, 31 ડીસેમ્બર પૂવે પ્યાસીઓ માટે સપ્લાયરો દ્વારા મોટા પ્રમાણમાં અન્ય રાજ્યોમાંથી દારૂનો જથ્થો ગુજરાતમાં મોકલવામાં આવી રહ્યો છે. બે દિવસ પૂર્વે મુન્દ્રા પોલીસે સાયબર સેલ સાથે મળીને જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી રૂ. 1.71 કરોડની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 2.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ અન્ય વોન્ટેડ જાહેર કરાયા હતા. આ ઘટનાએ ફરી એકવાર ગુજરાતની દારૂબંધીની પોલ ખોલી નાખી છે.

આ પણ વાંચો: પાવી જેતપુરમાં ‘ગુજરાત સરકાર 108’ લખેલી એમ્બ્યુલન્સમાંથી દારૂ મળ્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x