ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ મેરઠની ચકચારી ઘટનામાં મૃતક દલિત મહિલા અને અપહ્ય યુવતીના પરિવારજનોને મળવા નીકળ્યા હતા. પરંતુ યોગી આદિત્યનાથની પોલીસે તેમને પીડિત પરિવારને મળતા રોકવા માટે આખી પોલીસફોર્સ ખડકી દીધી હતી. તેમ છતાં ચંદ્રશેખર બાઈક પર લિફ્ટ લઈને, તો ક્યારેક ખેતર વચ્ચે દોડીને પીડિત પરિવાર સુધી પહોંચ્યાં હતા અને તેમના ખબરઅંતર પૂછ્યા હતા.
ઉત્તર પ્રદેશના મેરઠથી લગભગ 30 કિમી દૂર કપસાધ ગામ તરફ જતા રસ્તાઓ પર દર 10 કિમીએ પોલીસ બેરિકેડ અથવા RAF કર્મચારીઓ તૈનાત હતા.
સમય બપોરના 12 વાગ્યાનો હતો, અને દિવસ શનિવારનો હતો. દિલ્હીથી લગભગ 100 કિમી દૂર કપસાધ ગામમાં પણ, RAF અને પોલીસ બધે તૈનાત હતી. ગુરુવારે સુનિતા નામની દલિત મહિલાની હત્યા કરી રાજપૂત જાતિનો યુવક તેની પુત્રીનું અપહરણ કરીને લઈ ગયો હતો, એ પછી પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.
આ પણ વાંચોઃ ભીમ આર્મી ઉપાધ્યક્ષે ડ્રગ્સ વિરુદ્ધ અવાજ ઉઠાવતા મનુવાદીઓનો હુમલો
કપસાધ ગામની સાંકડી ગલીની બંને બાજુના નાળામાંથી છલકાતું ગંદુ પાણી, કીચડથી થોડે દૂર એક નાનું, એક રૂમનું ઘર. આ ઘરની દિવાલ પર ડો.આંબેડકરનો ફોટો લટકાવેલો છે. બહાર ખાલી જગ્યામાં લાકડામાં છાણાં સળગી રહ્યાં છે. ત્યાં બેસીને સરધણાના ભૂતપૂર્વ ધારાસભ્ય સંગીત સોમ અને ઉત્તર પ્રદેશના મંત્રી સુનીલ બરાલા મૃતક સુનિતાના મોટા પુત્ર નરસીને સતત સમજાવી રહ્યા હતા કે પોલીસ તપાસ કરી રહી છે અને આરોપીઓને પકડી લેવામાં આવશે. પરંતુ ગામની બહાર, નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદના પક્ષના સભ્યો આવવા લાગ્યા હતા. પોલીસે તેમને વારંવાર સુનિતાના ઘરમાં પ્રવેશતા અટકાવ્યા. તે કાર્યકરોમાંના એક, મુઝફ્ફરનગર આઝાદ સમાજ પાર્ટીના શહેર પ્રમુખે કહ્યું, “તમે અમને રોકી શકો છો, પણ ભૈય્યાને નહીં રોકી શકો… આ અમારા સમાજનો મામલો છે.”
આ પણ વાંચો: PM MODIના મતવિસ્તારમાં દલિતોએ જાતે રસ્તો બનાવવો પડ્યો
પોલીસે ચંદ્રશેખર આઝાદને રોકવા તમામ તાકાત લગાવી દીધી
આ દરમિયાન, સાંસદ ચંદ્રશેખર આઝાદનું વિમાન બપોરે 1 વાગ્યે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યું. તેઓ બહાર નીકળ્યા એ સાથે જ ત્રણ માણસો તેમનો પીછો કરવા લાગ્યા હતા. ચંદ્રશેખર જેવા કારમાં ચઢ્યા કે તરત તેમને ખ્યાલ આવ્યો કે પોલીસ તેમની પાછળ છે. ચંદ્રશેખરે કહ્યું, “હું હવે મારા નિવાસસ્થાને જાઉં છું, ચિંતા કરવાની કોઈ જરૂર નથી.” પોલીસ વાહનોમાં સાદા વસ્ત્રોમાં અધિકારીઓ તેમની સાથે સાંસદ નિવાસસ્થાને પહોંચ્યા. ચંદ્રશેખર આઝાદ બપોરે લગભગ 2:30 વાગ્યે તેમના દિલ્હીના બંગલામાંથી નીકળ્યા, પોલીસની ગાડી પણ તેમની પાછળ દોડવા લાગી. શરૂઆતમાં, ઉત્તર પ્રદેશ પોલીસે કાશી ટોલનાકા પર તેમના વાહનને રોકવાની યોજના બનાવી હતી, પરંતુ પછી ગાઝિયાબાદ પોલીસને ગાઝિયાબાદ-દિલ્હી સરહદ પર ચંદ્રશેખરને રોકવાની સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ મનુવાદી અનિલ મિશ્રા સામે ફરિયાદ નોંધાવનાર દલિત નેતાની ધરપકડ

પોલીસે રોકતા ચંદ્રશેખર પગપાળા ચાલવા લાગ્યા
ગાઝીપુર સરહદ પર જ્યાં ખેડૂતો શરૂઆતમાં વિરોધ કરી રહ્યા હતા, ત્યાં ચંદ્રશેખરનું વાહન રોકવામાં આવ્યું, પરંતુ તેઓ ઉતરીને પગપાળા દોડવા લાગ્યા. તેમનું વાહન રોકવામાં આવ્યું, પરંતુ ચંદ્રશેખર રોકાયા નહીં. લગભગ બે કિલોમીટર સુધી ઝપાઝપી ચાલુ રહી. એ દરમિયાન એક બાઈકસવાર મળતા ચંદ્રશેખર તેની પાછળ બેસીને નીકળી ગયા હતા. તેઓ હાઈવેને બદલે કાચા રસ્તાઓ પરથી ગામડાના રસ્તે બાઈક પર ચાલતા રહ્યા. દરમિયાન, પોલીસ ગાઝીપુર સરહદથી લગભગ 60 કિલોમીટર દૂર કાશી ટોલ પ્લાઝામાંથી પસાર થતા વાહનોમાં ચંદ્રશેખરને શોધી રહી હતી. આ તરફ ચંદ્રશેખર આઝાદની આગેવાની પહેલા બધા કાર્યકરો સિવાએ ટોલ પ્લાઝા પર હતા. પછી તેમને કાશી ટોલ પ્લાઝા પહોંચવાનો મેસેજ મળ્યો. એ પછી સેંકડો કાર્યકરોએ કાશી ટોલ પ્લાઝા પર ધરણા કર્યા.
આ પણ વાંચો: મુસ્લિમ યુવકને “બાંગ્લાદેશી” ગણાવી ટોળાએ માર મારી હત્યા કરી
કાશી ટોલ પ્લાઝાએ મોં પર રૂમાલ બાંધીને પહોંચ્યા
શું ચંદ્રશેખર આઝાદ ત્યાં પહોંચી શકશે કે રસ્તામાં તેમની ધરપકડ કરવામાં આવશે? કાશી ટોલ પ્લાઝા પર હાજર કાર્યકરો અને મીડિયા સહિત બધા લોકો વિચારી રહ્યા હતા કે શું ચંદ્રશેખર આઝાદને પીડિત પરિવારને મળવા દેવામાં આવશે. અધિકારીઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમને ગામમાં જવા દેવામાં આવશે નહીં. મીડિયા એક કલાક સુધી કાશી ટોલ પ્લાઝા પર ઊભું રહ્યું. તેઓ આઝાદ સમાજ પાર્ટીના મેરઠ જિલ્લા પ્રમુખ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક, ચંદ્રશેખર આઝાદ, રૂમાલથી ચહેરો ઢાંકીને, તેમના બે સહયોગીઓ સાથે કાશી ટોલ પ્લાઝા પર દેખાયા. જિલ્લા પ્રમુખે ખુશીથી બૂમ પાડી, “શુક્લાજી, અમે તમને કહેતા હતા ને, કે અમારા ભૈય્યા, કોઈ સામાન્ય નેતા નથી. હવે તો માનો.”
થોડી જ વારમાં, ટોલ પ્લાઝા પર સેંકડો કાર્યકરોએ ચંદ્રશેખરને ઘેરી લીધા. પોલીસે પણ તેમને ઘેરી લીધા. ચંદ્રશેખર આઝાદે કહ્યું, “હું પોલીસનો આદર કરું છું, પરંતુ અમારી સાથે બળજબરી ન કરો. હું કાચા રસ્તેથી પણ કપસાધ જઈ શકતો હતો, પરંતુ હું કાયદાનું સન્માન કરું છું. મને પરિવારને મળવા દો. ગમે ત્યાં મળવા દો, હું મૃત્યુ પામેલી માતાના પરિવારને મળવા માંગું છું બસ..
આખરે પોલીસે ચંદ્રશેખરને પીડિત પરિવારને મળવા દીધા
ચંદ્રશેખર આઝાદ મેરઠ પહોંચ્યા હતા અને પોલીસ પર દબાણ વધી રહ્યું હતું. પરંતુ તે દરમિયાન, પોલીસે ઉકેલ શોધી કાઢ્યો હતો. દરમિયાન, શનિવારે મોડી રાત્રે, સમાચાર આવ્યા કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને છોકરીને સુરક્ષિત રીતે મળી ગઈ છે. આ કેસની તપાસમાં શું જાહેર થશે તે તો સમય જ કહેશે. પરંતુ એ દરમિયાન ચંદ્રશેખર આઝાદે જે શબ્દો કહ્યા તે આપણે સૌએ યાદ રાખવા જેવા છે. તેમણે કહ્યું, “હાલ એક ચૂંટાયેલા સાંસદને પીડિતના ગામની મુલાકાત લેતા અટકાવવામાં આવી રહ્યા છે, વિચારો આ હત્યા અને અપહરણનો આરોપ અત્યારે એક રાજપૂત છોકરા પર છે. પણ જો એ જ ગામમાં આ પ્રકારનો આરોપ કોઈ દલિત છોકરા પર લાગ્યો હોત, તો પણ શું આ પરિસ્થિતિ હોત?”
આ પણ વાંચો: મહાબોધિ મુક્તિ આંદોલનમાં Chandrashekhar Azad પણ જોડાશે












