James Augustus Hicky: આ લખાઈ રહ્યું છે ત્યારે કમ્પ્યુટરના ખૂણામાં 29 જાન્યુઆરીની તારીખ દેખાઈ રહી છે. આજનો દિવસ કંઈક ખાસ હોવાનું લાગ્યું અને મન પર ભાર મૂકીને ઈન્ટરનેટ પર સર્ચ કરતા ખ્યાલ આવ્યો કે,આજના દિવસે ઈ.સ. 1740માં આયર્લેન્ડમાં એક ગરીબ વણકર પિતાના ઘેર જન્મેલા એક યુવકે ભારતનું પહેલું વીકલી ન્યૂઝપેપર શરૂ કર્યું હતું. એ યુવાન એટલે જેમ્સ ઓગસ્ટ્સ હિક્કી(James Augustus Hicky) અને તેમણે શરૂ કરેલું એ સમાચારપત્ર એટલે ‘Hicky’s Bengal gazette’ જે ‘કલકત્તા જનરલ એડ્વર્ટાઈઝર’ તરીકે છપાયું હતું.
આજે જ્યારે આપણે સવારની ચા સાથે છાપું વાંચીએ છીએ, ત્યારે કદી પણ આપણું ધ્યાન ભારતમાં પત્રકારત્વનો પાયો નાખનાર આયરિશ વણકરના પુત્ર અને તેણે કરેલા એ સંઘર્ષ પર નથી જતું, જેણે ભારતમાં નીડર પત્રકારત્વની સંસ્કૃતિનું બીજ રોપ્યું હતું. તે નામ હતું જેમ્સ ઓગસ્ટસ હિક્કી. એક એવી વ્યક્તિ જેની પાસે ન તો કોઈ ઊંચો હોદ્દો હતો, ન તો અઢળક સંપત્તિ. તેની પાસે હતી તો બસ એક જૂનું પ્રિન્ટિંગ પ્રેસ અને અતૂટ સાહસ. જેમ્સ ઓગસ્ટ્સ હિક્કીની કહાની માત્ર એક અખબાર શરૂ કરવાની કહાની નથી, પરંતુ તે એક આઇરિશ વણકરના પુત્રની એ જીદની ગાથા છે, જેણે વિશ્વના સૌથી શક્તિશાળી સામ્રાજ્યના ટોચના અધિકારીઓની ઊંઘ હરામ કરી દીધી હતી.

આ પણ વાંચો: એક દલિત નેતાને વિચાર આવ્યો અને દેશમાં રાજધાની એક્સપ્રેસ શરૂ થઈ
હિકીનો જન્મ 1740ની આસપાસ આયર્લેન્ડના ડબલિનમાં થયો હતો. તેમના પિતા એક સામાન્ય વણકર હતા. 18મી સદીમાં ભારતની જેમ આયર્લેન્ડમાં પણ વણકરોનું જીવન અત્યંત કપરું હતું, જ્યાં દિવસ-રાતની મહેનત પછી પણ બે ટંકના રોટલાનો જુગાડ કરવો મુશ્કેલ હતો. હિક્કી જ્યારે કિશોર અવસ્થામાં હતા, ત્યારે તેમના માથેથી પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ હતી. પિતાના વ્યવસાયે તેમને શ્રમનું મહત્વ શીખવ્યું, પરંતુ ગરીબીએ તેમને બળવો કરતા શીખવ્યું. હિકીએ શરૂઆતના દિવસોમાં એક વકીલને ત્યાં ક્લાર્ક તરીકે કામ કર્યું, જ્યાં તેમણે કાયદાકીય દાવપેંચ શીખ્યા. બાદમાં તેઓ લંડન ગયા અને એક પ્રિન્ટર પાસે મુદ્રણની કળા શીખી. આ કૌશલ્ય જ આગળ જતાં બ્રિટિશ ભારતમાં તેમનું સૌથી મોટું હથિયાર બનવાનું હતું.

1772માં હિકી એક સર્જનના મદદનીશ તરીકે કલકત્તા પહોંચ્યા. અહીં તેમણે વેપારમાં નસીબ અજમાવ્યું, પરંતુ કિસ્મતે સાથ ન આપ્યો અને દેવું ન ચૂકવી શકવાને કારણે તેમને 1776માં જેલમાં મોકલી દેવામાં આવ્યા. જેલની એ ગૂંગળામણ ભરી કોટડીમાં હિકીએ હાર ન માની. તેમણે ત્યાં એક જૂની પ્રિન્ટિંગ પ્રેસ અને કેટલાક ટાઈપ અક્ષરો ભેગા કર્યા અને જેલની અંદરથી જ છાપકામ શરૂ કરી દીધું. 29 જાન્યુઆરી 1780ના રોજ તેમણે ભારતનું પ્રથમ મુદ્રિત સમાચાર પત્ર ‘હિકીઝ બંગાળ ગેઝેટ’ પ્રકાશિત કર્યું. આ બે પાનાનું એક નાનું સાપ્તાહિક અખબાર હતું, પરંતુ તેની ગુંજ આખા કલકત્તામાં સંભળાઈ. અખબારનું સૂત્ર હતું: “બધા માટે ખુલ્લું, પરંતુ કોઈનાથી પ્રભાવિત નહીં”.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર સ્ટે મૂક્યો, કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ
હિકીની પત્રકારિતા માત્ર સમાચાર છાપવા પૂરતી મર્યાદિત નહોતી. તેમણે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારીઓમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર, ભાઈ-ભત્રીજાવાદ અને અનૈતિકતા પર સીધો હુમલો કર્યો. તેમના નિશાન પર તે સમયના ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સ હતા. હિકીએ પોતાના લેખોમાં હેસ્ટિંગ્સને એક સરમુખત્યાર અને ભ્રષ્ટ વહીવટકર્તા તરીકે ચિતર્યા. હિક્કીનું સાહસ એટલું વધી ગયું હતું કે તેમણે હેસ્ટિંગ્સની પત્ની અને મુખ્ય ન્યાયાધીશ એલિઝા ઈમ્પે વચ્ચેના ભ્રષ્ટાચારના જોડાણને પણ ખુલ્લું પાડી દીધું. વર્તમાન શાસકોની જેમ, તે વખતના તંત્રે પણ હિક્કીનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો. તેમનું છાપું લોકો સુધી ન પહોંચી શકે તે માટે ટપાલ સુવિધાઓ પર પ્રતિબંધ મૂકી દીધો, પરંતુ હિકીએ પોતાના અખબારને જાતે લોકોના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી લીધી.
વોરન હેસ્ટિંગ્સે હિકી પર બદનક્ષીના ડઝનબંધ કેસ ઠોકી દીધા. હિકીને ભારે દંડ અને જેલની સજા થઈ, પરંતુ તેમણે જેલની અંદરથી પણ લખવાનું બંધ ન કર્યું. અંતે 1782માં, બ્રિટિશ હકુમતે તેમના પ્રિન્ટિંગ પ્રેસને જ જપ્ત કરી લીધું. આ ભારતમાં પ્રેસની સ્વતંત્રતા પરનો પ્રથમ મોટો હુમલો હતો. બેંગાલ ગેઝેટ્સ બંધ થયા પછી હિકીનું જીવન ગરીબીમાં વીત્યું. 1802માં ચીન જતી વખતે એક જહાજ પર તેમનું અવસાન થયું. પરંતુ મરતા દમ સુધી તેમણે કદી પણ હાર નહોતી માની. સત્તાધારીઓ તેમને ઝુકાવવા માટે એડીચોટીનું જોર લગાવી ચૂક્યા, પરંતુ હિક્કીએ ન તો સત્યનો સાથ ન છોડ્યો.
એક વણકરનો પુત્ર, જેણે ગરીબી અને જેલ જોઈ, તેણે ભારતને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો પહેલો પાઠ ભણાવ્યો. હિકીએ શીખવ્યું કે પત્રકારિતાનો ધર્મ માત્ર માહિતી આપવાનો નથી, પરંતુ સત્તાને કઠિન પ્રશ્નો પૂછવાનો પણ છે. આજે જ્યારે પત્રકારિતાના મૂલ્યો પર ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે જેમ્સ ઓગસ્ટસ હિક્કીનું સાહસ તે દરેક વ્યક્તિ માટે મિસાલ સમાન છે જે સત્ય સાથે ઉભી રહેવા માંગે છે. ભારતની સ્વતંત્ર પ્રેસની જે ઇમારત આજે ઊભી છે, તેની પહેલી ઈંટ એક વણકરના પુત્રએ મૂકી હતી તે ભૂલશો નહીં
આ પણ વાંચો: 80 વર્ષ અગાઉ ડૉ.આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું?











