બોટાદમાં બુદ્ધ જયંતિ નિમિત્તે ભવ્ય ધમ્મ પદયાત્રા યોજાઈ

બોટાદમાં સમતા બુદ્ધ વિહાર દ્વારા ભગવાન બુદ્ધની 2570મી જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. ચોથી ધમ્મ પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા.
Botad Buddha Jayanti

બોટાદ શહેરના ઇતિહાસમાં ધાર્મિક અને સામાજિક એકતાના પ્રતીક સમાન ભગવાન તથાગત બુદ્ધની 2570મી જયંતિ એટલે કે ‘સંબોધી વૈશાખ મહોત્સવ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સમતા બુદ્ધ વિહાર દ્વારા આયોજિત આ કાર્યક્રમ ત્રિવિધ બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર અવસરને સમર્પિત હતો. ઉલ્લેખનીય છે કે વૈશાખી પૂર્ણિમાના દિવસે જ ભગવાન બુદ્ધનો જન્મ, બુદ્ધત્વ જ્ઞાનપ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ પ્રાપ્ત થયેલ હોવાથી તેને વિશ્વભરમાં વિશેષ આસ્થા સાથે ઉજવવામાં આવે છે. બોટાદમાં છેલ્લા ત્રણ વર્ષથી આ પરંપરા જાળવી રાખવામાં આવી છે, જેના ભાગરૂપે આ વર્ષે ચોથી ધમ્મ પદયાત્રાનું સફળ આયોજન કરાયું હતું.

ધમ્મ પદયાત્રામાં લોકો ઉમટી પડ્યાં

આ ભવ્ય ધમ્મ પદયાત્રાનું પ્રસ્થાન સાંજે 6:00 કલાકે અશોક સ્તંભ મુક્તિધામ ખાતેથી થયું હતું. યાત્રામાં અમદાવાદથી ખાસ પધારેલા ભિક્ખુણી ઉત્પલવર્ણાજી અને શ્રામણેર બૌદ્ધ સાધુઓ જોડાયા હતા, જેમના દર્શન માટે બૌદ્ધ ઉપાસકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પદયાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા કે જ્યોતિગ્રામ સર્કલ, દીનદયાળ ચોક, ટાવર રોડ અને રેલ્વે અંડરબ્રિજ પરથી પસાર થઈ હતી.

આ પણ વાંચો: સરકારી શાળામાં ‘ભટકતી આત્મા’ની શાંતિ માટે શિક્ષકોએ ‘ભૂત મંદિર’ બનાવ્યું

માર્ગમાં વિવિધ સ્થાનો પર યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોન્ટુભાઈ શ્રીમાળી અને તેમના મિત્ર મંડળ દ્વારા પદયાત્રાનું અભિવાદન કરાયું હતું, જ્યારે એલ. કે. ચૌહાણ દ્વારા ઉનાળાની ગરમીમાં શ્રદ્ધાળુઓ માટે ઠંડા આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બાળકોએ આકર્ષણ જમાવ્યું

Botad Buddha Jayanti

પદયાત્રા ગોકુળીયાનાથની જગ્યાએ સંપન્ન થયા બાદ તમામ ઉપાસકો વાહનો દ્વારા સમતા બુદ્ધ વિહાર ખાતે એકત્રિત થયા હતા. અહીં બુદ્ધ વિહારમાં સર્વપ્રથમ બુદ્ધ પૂજા, ત્રિશરણ, પંચશીલ અને બુદ્ધ વંદનાની શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ધાર્મિક કાર્યક્રમ બાદ નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન કરવાના હેતુથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાની બાળાઓ માટે વકતૃત્વ સ્પર્ધા અને ડાન્સ કોમ્પિટિશન રાખવામાં આવી હતી. પ્રતિભાશાળી બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતિમ ચરણમાં મહિલાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી, જે આ મહોત્સવનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

આ પણ વાંચો: મમતા બેનરજી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાશે!

સમતા બુદ્ધ વિહાર દ્વારા આયોજન કરાયું

સમગ્ર કાર્યક્રમનું કુશળ સંચાલન ગિરીશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત બૌદ્ધ સાધુએ ધમ્મ દેશના આપી ભગવાન બુદ્ધના શાંતિ અને અહિંસાના વિચારોને જીવનમાં ઉતારવા આહવાન કર્યું હતું. કાર્યક્રમના અંતે જયંતિભાઈ ચાવડાએ આભારવિધિ કરી હતી. આ મહોત્સવને સફળ બનાવવા માટે સમતા બુદ્ધ વિહારના પ્રમુખ બોધિરાજ બૌદ્ધ, મહામંત્રી રાહુલકુમાર વાજા, ખજાનચી એચ. કે. પરમાર સહિત વિનોદભાઈ ભાદરકા અને હરેશભાઇ ચૌહાણે દિવસ-રાત જહેમત ઉઠાવી હતી. અંતમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત બૌદ્ધ ઉપાસકો અને ઉપાસિકાઓએ પરંપરાગત ‘સુજાતા ભોજન’ ગ્રહણ કરી આ ભવ્ય મહોત્સવની પૂર્ણાહુતિ કરી હતી.

આ પણ વાંચો: યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવે દલિત વિદ્યાર્થીને HOD ન બનવા દીધો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x