Nvidia Jensen Huang: દિલ્હીમાં હાલમાં જ વિશ્વની સૌથી મોટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સમિટનો પ્રારંભ થયો છે. આ સમિટમાં દુનિયાભરના ટેક દિગ્ગજો, સીઈઓ અને સંશોધકો ઉમટી પડ્યા છે. પરંતુ એક વ્યક્તિની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે, અને તે છે એનવીડિયા (Nvidia) ના સ્થાપક અને સીઈઓ જેન્સન હુઆંગ(Jensen Huang).
આજે જેમના વિના દુનિયામાં AI ની કલ્પના કરવી અશક્ય છે અને જેમની કંપનીનું માર્કેટ કેપિટલ ટ્રિલિયન ડોલરમાં છે, તે જેન્સન હુઆંગનો ભૂતકાળ અત્યંત કઠિન અને સંઘર્ષથી ભરેલો રહ્યો છે. દલિત બહુજન સમાજના યુવાનો,જેઓ સંસાધનોના અભાવે અથવા સામાજિક પરિસ્થિતિઓને કારણે પોતાની જાતને નબળી માને છે, તેમના માટે જેન્સનની આ કહાની માત્ર એક જીવનચરિત્ર નથી, પણ સફળતાનો એક જીવંત દસ્તાવેજ છે.

બાળપણ તરછોડાયેલા બાળકોની સંસ્થામાં વિત્યું
જેન્સન હુઆંગનો જન્મ તાઈવાનમાં થયો હતો, પરંતુ તેમનું બાળપણ કોઈ રાજકુમાર જેવું નહોતું. જ્યારે તેઓ માત્ર 9 વર્ષના હતા, ત્યારે તેમના માતા-પિતાએ તેમને અને તેમના ભાઈને ઉજ્જવળ ભવિષ્યની આશાએ તેમના કાકા પાસે અમેરિકા મોકલી દીધા. સમસ્યા એ હતી કે તેમના કાકા ખુદ અહીં રેફ્યુજી જીવન જીવતા હતા. તેઓ તેમનું પણ માંડ માંડ પુરું કરતા હતા, એવામાં ભાઈના બે બાળકોને કેવી રીતે સાચવે? આથી તેમણે બંનેને તરછોડાયેલા બાળકોની સંસ્થામાં મોકલી દીધા. વિદેશી ધરતી પર ભાષાની અડચણો અને સાંસ્કૃતિક તફાવતો વચ્ચે જેન્સન અને તેમના ભાઈ પાસે કોઈ નહોતું. રડી રડીને તેમના હાલ બેહાલ થઈ ગયા. પરંતુ કોઈ વ્હારે નહોતું આવ્યું. તેમને અમેરિકામાં જે સંસ્થામાં રાખવામાં આવ્યા હતા, તે ખરેખર કોઈ હાઈ-ફાઈ સ્કૂલ નહોતી, પરંતુ એક એવી સંસ્થા હતી જ્યાં સમાજથી તરછોડાયેલા અને મુશ્કેલ પરિસ્થિતિમાંથી આવતા બાળકોને રાખવામાં આવતા હતા.
આ પણ વાંચો: ZOHO ના ફાઉન્ડર શ્રીધર વેમ્બુના રૂ.14,000 કરોડમાં છુટાછેડા!

નાનકડો જેન્સન ટોઈલેટ સાફ કરતો, સફાઈ કરતો
ત્યાં જેન્સન હુઆંગને જે કામ સોંપવામાં આવ્યું હતું તે સાંભળીને આજે કદાચ કોઈને આશ્ચર્ય થાય, પણ તે સત્ય છે. જેન્સનને તે સંસ્થાના ટોઈલેટ સાફ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આજે જે હાથોમાં દુનિયાના સૌથી શક્તિશાળી ગ્રાફિક્સ પ્રોસેસર અને AI ટેકનોલોજીની ચાવી છે, તે હાથોમાં બાળપણમાં સફાઈનું ઝાડુ, ફિનાઈલ અને એસિડ હતા. જેન્સને ક્યારેય આ કામને હલકું કે નાનું માન્યું નહોતું. તેઓ આજે પણ ગર્વથી કહે છે કે, “મેં મારા જીવનમાં એટલા ટોઈલેટ સાફ કર્યા છે કે તેનાથી મને કામ પ્રત્યેનો આદર, શિસ્ત અને એકાગ્રતા શીખવા મળી છે.”
દલિત-બહુજન સમાજના યુવાનોએ અહીં એ વાત સમજવાની જરૂર છે કે, શ્રમ ક્યારેય અપમાનજનક હોતો નથી. જે સમાજને સદીઓથી સફાઈ અને શારીરિક શ્રમના કામોમાં ધકેલી દેવામાં આવ્યો છે, તે સમાજના યુવાનોએ જેન્સન પાસેથી એ શીખવાનું છે કે તમારા હાથમાં રહેલું ઝાડુ તમારી લાચારી નથી, પણ તમારી સાધનાની શરૂઆત હોઈ શકે છે. શરત માત્ર એટલી છે કે તમારી આંખોમાં ભવિષ્યના સપનાઓ જીવતા હોવા જોઈએ.
આ પણ વાંચો: સાચા ‘બ્રાહ્મણ’ કોણ, નહેરુ કે આંબેડકર?
ભેદભાવ અને વંશીય અપમાનો સામે લડત
જેન્સન જ્યારે અમેરિકામાં ભણતા હતા, ત્યારે તેઓ એકમાત્ર એશિયન વિદ્યાર્થી હતા. તેમની ચામડીનો રંગ અને તેમની બોલી અલગ હતી, જેના કારણે તેમને ભારે ભેદભાવ અને વંશીય ટિપ્પણીઓનો સામનો કરવો પડતો હતો. ત્યાંના સ્થાનિક છોકરાઓ તેમને ડરાવતા, ધમકાવતા અને માનસિક રીતે તોડવાનો પ્રયત્ન કરતા. પરંતુ જેન્સને ક્યારેય પીછેહઠ ન કરી. તેમણે આ અપમાનને પોતાની શક્તિ બનાવી દીધી.
વેઈટર તરીકે એઠાં વાસણો સાફ કર્યા, ટેબલ લૂછ્યાં
જેન્સને દિવસ દરમિયાન સખત અભ્યાસ કર્યો અને રાત્રે પોતાનો ખર્ચ કાઢવા માટે ‘ડેનીસ’ નામની એક રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે કામ શરૂ કર્યું. ત્યાં તેમણે વાસણો સાફ કર્યા, ટેબલો લૂછ્યા અને ગ્રાહકોના ઓર્ડર લીધા. આ અનુભવે તેમને લોકો સાથે કેવી રીતે વાત કરવી અને વિપરીત પરિસ્થિતિમાં કેવી રીતે શાંત રહેવું તે શીખવ્યું. બહુજન સમાજના યુવાનો જેઓ ઘણીવાર સામાજિક ભેદભાવને કારણે નિરાશ થઈ જાય છે, તેમણે જેન્સન હુઆંગના આ અડગ મનોબળમાંથી પ્રેરણા લેવી જોઈએ. જગત તમને તમારી જ્ઞાતિ કે રંગથી ઓળખવાનો પ્રયત્ન કરશે, પણ તમારે તમારી ઓળખ તમારા કૌશલ્ય (Skill) થી ઊભી કરવાની છે.
Nvidia ની સ્થાપના અને ટેકનોલોજી ક્રાંતિ
1993 માં, જ્યારે દુનિયા હજુ પર્સનલ કમ્પ્યુટરના પ્રારંભિક તબક્કામાં હતી, ત્યારે જેન્સને તેમના બે મિત્રો સાથે મળીને ‘એનવીડિયા’ (Nvidia) નામની કંપનીનો પાયો નાખ્યો. તેમની પાસે કોઈ આલીશાન ઓફિસ નહોતી, તેઓ એક નાની કોફી શોપમાં બેસીને કલાકો સુધી કોડિંગ કરતા અને ભવિષ્યનું પ્લાનિંગ કરતા. શરૂઆતના વર્ષોમાં કંપની અનેકવાર નાદાર થવાના આરે પહોંચી ગઈ હતી. તેમની પાસે કર્મચારીઓને પગાર આપવાના પણ પૈસા નહોતા.
આ પણ વાંચો: ધર્મ પરિવર્તન પહેલા ડૉ.આંબેડકરે ક્યા ધર્મોનો અભ્યાસ કર્યો હતો?
ગૂગલ, માઈક્રોસોફ્ટ, મેટા, ટેસ્લા જેન્સનની કંપનીની ચિપ્સ વિના નકામા
પરંતુ જેન્સનની દ્રષ્ટિ સ્પષ્ટ હતી. તેમણે જોયું કે ભવિષ્યમાં કમ્પ્યુટર્સ માત્ર લખાણ કે આંકડાઓ સુધી મર્યાદિત નહીં રહે, પણ તેમાં ગ્રાફિક્સ અને વિઝ્યુઅલ્સનો મોટો ફાળો હશે. તેમણે GPU (Graphics Processing Unit) ની શોધ કરી. શરૂઆતમાં આ ટેકનોલોજી માત્ર વીડિયો ગેમ્સ માટે વપરાતી હતી, પરંતુ જેન્સને તેની પાછળ રહેલી અખૂટ સંભાવનાઓને ઓળખી લીધી હતી. આજે એ જ GPU ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પાયો છે. આજે ગૂગલ, માઈક્રોસોફ્ટ, મેટા અને ટેસ્લા જેવી દુનિયાની ટોચની કંપનીઓ જેન્સન હુઆંગની કંપનીની ચિપ્સ વગર અપંગ છે.
દલિત-બહુજન યુવાનોએ શું શીખવાનું છે?
આ લેખનો હેતુ માત્ર એક સફળ વ્યક્તિની વાહ-વાહ કરવાનો નથી, પણ તે સંઘર્ષના માર્ગને સમજાવવાનો છે જે માર્ગ પર આજે લાખો બહુજન યુવાનો ચાલી રહ્યા છે. જેન્સન હુઆંગની સફર આપણને ત્રણ મુખ્ય બાબતો શીખવે છે:
પરિસ્થિતિને હથિયાર બનાવો: જેન્સન વારંવાર કહે છે કે, “I hope you suffer” (હું ઈચ્છું છું કે તમે દુઃખ સહન કરો). આ કહેવા પાછળનો તેમનો મર્મ એ છે કે જેણે અભાવ જોયો છે, જેણે ભૂખ અને અપમાન વેઠ્યું છે, તેની પાસે લડવાની જે તાકાત હોય છે તે સુખ-સાહ્યબીમાં ઉછરેલા લોકો પાસે હોતી નથી. બહુજન યુવાનોએ પોતાની આર્થિક કે સામાજિક નબળાઈને અડચણ નહીં, પણ એક એવી તક માનવી જોઈએ જે તેમને વધુ મજબૂત બનાવે છે.
સ્કીલ જ સાચી સત્તા છે: જેન્સન હુઆંગ પાસે કોઈ મોટો રાજકીય કે પોતાની જાતિનો ટેકો નહોતો. તેમની પાસે માત્ર ગણિત, વિજ્ઞાન અને એન્જિનિયરિંગમાં અજોડ પકડ હતી. શિક્ષણ એ સિંહણનું દૂધ છે, અને જે પીશે તે ગર્જના કરશે – ડો. બાબાસાહેબ આંબેડકરના આ સૂત્રને જેન્સને સાર્થક કરી બતાવ્યું છે. આજના ડિજિટલ યુગમાં, જો તમારી પાસે ટેકનિકલ કૌશલ્ય છે, તો દુનિયાની કોઈ તાકાત તમને આગળ વધતા રોકી શકશે નહીં.
ગર્વ સાથે કામ કરો: જો એક સમયનો ‘ટોઈલેટ ક્લીનર’ આજે વિશ્વનો ‘સેમિકન્ડક્ટર કિંગ’ બની શકતો હોય, તો આપણે શા માટે આપણા ભૂતકાળ કે આપણા કામથી શરમાવું જોઈએ? જેન્સન હુઆંગે ક્યારેય પોતાનો ભૂતકાળ છુપાવ્યો નથી. ઉલટાનું, તેઓ તેને પોતાની સફળતાનો પાયો ગણે છે.
આ પણ વાંચો: આ ‘રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ’ છે કે ‘બ્રાહ્મણ પ્રેરણા સ્થળ’?
જેન્સન હુઆંગ આપણને શું શીખવે છે?
આજે જ્યારે પણ જેન્સન હુઆંગ સ્ટેજ પર ઊભા રહીને ભવિષ્યની ટેકનોલોજીની વાત કરે છે, ત્યારે તેમની પાછળ તે 9 વર્ષના છોકરાનો આત્મા છે, જેણે એક સમયે સફાઈના કામમાં પણ પોતાની સર્વોચ્ચ શિસ્ત બતાવી હતી. જેન્સન હુઆંગની આ કહાની સાબિત કરે છે કે સફળતા એ કોઈના બાપની જાગીર નથી, તે જે પરસેવો પાડે છે તેના ચરણોમાં ઝૂકે છે.
આપણા દેશના દલિત-બહુજન સમાજના તેજસ્વી યુવાનોએ હવે પરંપરાગત માનસિકતામાંથી બહાર આવવું પડશે. તમારે માત્ર નોકરી શોધનાર નહીં, પણ નોકરી આપનાર બનવાનું સપનું જોવું પડશે. જેન્સન હુઆંગ જેવી જીદ અને સંઘર્ષ કરવાની તૈયારી હશે, તો આવનારી ટેકનોલોજી ક્રાંતિમાં ભારતનો બહુજન યુવાન માત્ર ભાગીદાર નહીં, પણ નેતૃત્વકર્તા હશે. જેન્સનની સફર એ વાતનો પુરાવો છે કે શૂન્યમાંથી સર્જન શક્ય છે, બસ હૈયામાં હિંમત અને હાથમાં હુનર હોવું જોઈએ.
આ પણ વાંચો: એક વણકરનો દીકરો કેવી રીતે ‘ભારતીય પત્રકારત્વનો પિતા’ બન્યો?












