શિક્ષણનો વ્યાપ વધ્યો, પણ શું અસમાનતા ઘટી?

ખાનગીકરણથી શિક્ષણનો વ્યાપ વધ્યો પણ સામાજિક-આર્થિક ખાઈ યથાવત છે. દલિત, આદિવાસી અને મહિલાઓ માટે ઉચ્ચ શિક્ષણની મંઝિલ હજુ પણ કેમ દૂર લાગે છે?
Education inequality

ચંદુ મહેરિયા

બિનનહેરુ-ગાંધી પરિવારના પ્રથમ કોંગ્રેસી વડાપ્રધાન પી.વી. નરસિંહરાવ (કાર્યકાળ- ૧૯૯૧-૧૯૯૬)ના નાણામંત્રી ડો.મનમોહન સિંઘે જુલાઈ ૧૯૯૧માં રજૂ કરેલા કેન્દ્રિય અંદાજપત્રમાં મિશ્ર અથતંત્રને બદલે બજાર કેન્દ્રી અર્થતંત્રનો માર્ગ અપનાવ્યો હતો. આર્થિક ઉદારીકરણની આ નીતિમાં ખાનગીકરણને વેગ મળ્યો હતો. દેશના સર્વ ક્ષેત્રોની જેમ શિક્ષણ ક્ષેત્ર પર પણ તેની મોટી અસર પડી હતી.

ઉદારીકરણ પછી ઉચ્ચ શિક્ષણનો વિસ્તાર થયો હતો. ઉદારીકરણ પૂર્વે દેશમાં ૧૬૪૪ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો હતાં જે આજે વધીને ૬૯,૫૩૪ છે. ઓલ ઈન્ડિયા સર્વે ઓફ હાયર એજ્યુકેશનમાં જણાવ્યા પ્રમાણે ૨૦૧૮-૧૯માં દેશમાં ૩૯,૯૩૧ કોલેજો હતી. ખાનગીકરણથી શિક્ષણનો વ્યાપ વધ્યો, સાક્ષરતા દર વધ્યો પણ તેથી કશો ફેર પડ્યો ખરો? દેશમાં પ્રવર્તતા ભેદભાવ અને અસમાનતામાં ઘટાડો થયો છે ખરા?

ડો. આંબેડકરના ત્રિમંત્રમાં શિક્ષણને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. શિક્ષણને સિંહણનું દૂધ ગણાવીને જે તે પીશે તે ત્રાડ નાંખશે તેમ પણ કહેવાય છે. ઉચ્ચ શિક્ષણને તો આર્થિક સશક્તિકરણ અને સામાજિક પ્રગતિનો માર્ગ કહેવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા શી છે? તાજેતરનો અજીમ પ્રેમજી યુનિવર્સિટીનો વાર્ષિક અહેવાલ સ્ટેટ ઓફ વર્કિંગ ઈન્ડિયા ૨૦૨૬માં તેનો કેટલોક ખુલાસો જોવા મળે છે. રિપોર્ટ જણાવે છે તે પ્રમાણે ૧૫ થી ૨૯ વર્ષની ૩૬.૭ કરોડની વસ્તીમાંથી ૨૬.૩ કરોડની આબાદી ઉચ્ચ શિક્ષણથી વંચિત છે.

આ પણ વાંચો: ફૂટપાથ પર પહેલો અધિકાર કોનો? પેટનો કે પગનો?

ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશનો દર વધ્યો છે પરંતુ તે તમામ સુધી પહોંચ્યો નથી. હજુ યુવાનો કરતાં યુવતીઓનો પ્રવેશ દર ૫ ટકા ઓછો છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં કોલેજો શરૂ થઈ હોવાનું આશ્વાસન જરૂર લઈ શકાય છે પરંતુ મહિલાઓ માટે અલાયદી કોલેજો હજુ માત્ર ૧૧.૦૪ ટકા જ છે. ગ્રામીણ ભારતના સામંતી અને જડ જ્ઞાતિવાદી સમાજમાં યુવાન છોકરીઓ માટે ગામની બહાર અને તે પણ મિશ્ર કોલેજમાં અભ્યાસ કરવો કપરો છે. ગ્રામીણ વિસ્તારોની કન્યાઓ સામાજિક-સાંસ્કૃતિક માન્યતાઓ, આર્થિક તંગી અને ઘરની જવાબદારીઓને લીધે દસમા-બારમા ધોરણ પછી જ ભણવાનું છોડી દેવા મજબૂર હોય છે એટલે બહુ ઓછી કન્યાઓ કોલેજનું પગથિયું ચઢે છે.

સ્ત્રી-પુરુષ વચ્ચેનો ઉચ્ચ શિક્ષણમાં ભેદભાવ આખી દુનિયામાં છે. વૈશ્વિક સ્તરે ઉચ્ચ શિક્ષણમાં ૧૦૦ મહિલાના નામાંકન સામે પુરુષનું નામાંકન ૮૮ જ છે પરંતુ મેનેજમેન્ટ,આઈટી, સાયન્સ, એન્જિનીયરીંગ, મેડિકલ જેવા ક્ષેત્રોમાં ડીગ્રી મેળવવામાં ૩૦ ટકા જ મહિલાઓ છે. આર્ટસ-કોમર્સમાં તેમનો પ્રવેશ ૫૪ ટકા છે. શિક્ષણ, આરોગ્ય, સામાજિક વિજ્ઞાનના વિષયોમાં મહિલાઓ વધુ અભ્યાસ કરે છે અને પુરુષો ઓછા છે. યુ.કેમાં ગ્રેજ્યુએશન બાદના પહેલા વરસમાં પુરુષ કરતાં મહિલા સ્નાતક ૯ ટકા ઓછી કમાણી કરે છે. જે દસ વરસ પછી ૩૧ ટકા થાય છે.

આ પણ વાંચો: સમરસ ગ્રામ પંચાયત ખરેખર સમરસ હોય છે?

જેમ લૈગિંક ભેદ છે તેમ જ્ઞાતિગત ઉચ્ચ-નીચના ભેદ અને અસમાનતા પણ છે. ઉચ્ચ શિક્ષણમાં નામાંકનની રાષ્ટ્રીય સરેરાશ ૨૮.૪ છે પરંતુ દલિતો અને આદિવાસીઓ હજુ ત્યાં સુધી પહોંચી શક્યા નથી. ૨૦૧૧માં અનુસૂચિત જાતિનો ઉચ્ચ શિક્ષણમાં નામાંકન દર ૧૧ ટકા હતો જે ૨૦૨૩માં વધીને ૨૬ ટકા થયો હતો. અનુસૂચિત જનજાતિનો નામાંકન દર ૨૦૧૧માં ૮ ટકાથી વધીને ૨૦૨૩માં ૨૧ ટકે પહોંચ્યો છે. પરંતુ હજુ તે રાષ્ટ્રીય સરેરાશથી ઓછો છે. એમ કહી શકાય કે કોલેજ-યુનિવર્સિટી શિક્ષણમાં દલિતો-આદિવાસીઓની ભાગીદારી વધી છે ખરી પણ હજુ સમાન કક્ષાએ પહોંચી નથી.

સામાજિક અસમાનતા જેવી જ આર્થિક અસમાનતા ઉચ્ચ શિક્ષણમાં છે. સરકારી કોલેજોમાં ઈજનેરી શિક્ષણનો વાર્ષિક ખર્ચ રૂ. ૧,૨૩,૦૦૦ અને તબીબી શિક્ષણનો વાર્ષિક ખર્ચ રૂ. ૯૭,૪૦૦ છે. ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગના આખા કુટુંબની વાર્ષિક આવક પણ આટલી હોતી નથી એટલે તેમના સંતાનો મેડિક્લ, એન્જિનીયરીંગ, મેનેજમેન્ટ અને એવું શિક્ષણ ભાગ્યે જ મેળવી શકે છે.તેમણે તો આર્ટ્સ –કોમર્સમાં ભણીને હાયર એજ્યુકેશન મેળવ્યાનો સંતોષ માનવાનો હોય છે.

આ પણ વાંચો: જ્યારે કચ્છના સવર્ણોએ ગાંધીજીને ‘આભડછેટ નાબૂદી’નું વચન આપીને છેતર્યા!

શિક્ષણનું માધ્યમ પણ ઉચ્ચ શિક્ષણમાં ભેદભાવનું કારણ છે. દલિત, આદિવાસી અને પછાતવર્ગના વિધ્યાર્થીઓ મોટેભાગે સ્થાનિક ભાષામાં બારમા ધોરણ સુધીનો અભ્યાસ કરે છે તે પછી જ્યારે તેમને તબીબી અને ઈજનેરી કોલેજોમાં અંગ્રેજી માધ્યમમાં ભણવાનું થાય છે ત્યારે તે આકરું તો પડે જ છે સાથે સાથે તે લઘુતાગ્રંથિ અનુભવે છે. કોલેજના વર્ગખંડો, સેમિનાર, કોલેજ કેમ્પસ , મિત્રો અને સમાજમાં ફાંકડુ અંગ્રેજી બોલનારાની બોલબાલા હોય છે એટલે સ્થાનિક ભાષાના વિધ્યાર્થીઓ ઉપેક્ષાનો ભોગ બને છે.

આ કારણે તેઓ સતત માનસિક તણાવ અનુભવે છે. દલિત-આદિવાસી વિધ્યાર્થીઓ જ્ઞાતિને કારણે તો ઉવેખાય છે તેમાં ભાષાનો ભેદ ભળે છે તેથી ઘણી વખત તેઓ આત્મહત્યા સુધી પહોંચે છે. ૨૦૨૨નો એક અભ્યાસ આ બાબતે જણાવે છે કે ૩૫ ટકા વિધ્યાર્થીઓ બોલવાની રીત પર ચિંતામાં હોય છે, ૩૩ ટકાને એવો ડર છે કે તેમની બોલવાની ઢબછબ કેરિયરમાં અંતરાય બનશે અને ૩૦ ટકા અંગ્રેજીમાં નબળા હોઈ કોલેજમાં મજાકનો વિષય બન્યા હતા.પ્રત્યાયનનું સાધન ભાષા કેવી અસમાનતા અને ભેદભાવ જન્માવે છે તે જણાય છે.

અસમાનતા અને ભેદભાવની આ વિશ્વવ્યાપી સ્મસ્યા શું દૂર થઈ શકે તેમ નથી? અમેરિકાએ એફરમેટિવ એકશનનો માર્ગ પસંદ કર્યો છે .તેના કારણે બ્લેક્ને શિક્ષણ અને રોજગારમાં પ્રવેશ મળ્યો છે. બ્રાઝિલનો કોટા કાયદો પણ કાળાઓને લાભદાયી થયો છે. બ્રાઝિલની કેન્દ્રીય વિશ્વવિધ્યાલયોમાં અડધી બેઠકો સરકારી હાઈસ્કૂલોના વિધ્યાર્થીઓ માટે અનામત રાખી છે તેથી આફ્રિકી મૂળના વિધ્યાર્થીઓની સંખ્યામાં એક જ દાયકામાં ચાર ગણો વધારો થયો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં ‘દલિત પેન્થર’ના નહીં લખાયેલા ઈતિહાસ પર વાર્તાલાપ યોજાયો

ભારતમાં ૧૯૪૭માં સાક્ષ્રરતા દર ૧૮.૩ ટકા હતો. જે આજે ૭૭ ટકા છે. ગુજરાત અને બીજા કેટલાક રાજ્યોમાં રાજ્યના સામાન્ય સાક્ષરતા દર કરતાં દલિતોનો સાક્ષરતા દર વધારે જોવા મળ્યો છે.પરંતુ તેનાથી સમાનતા આવી શકી નથી અને ભેદભાવો પૂર્ણ ભૂતકાળ બન્યા નથી.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનો ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં સમાનતાને પ્રોત્સાહન વિનિયમ ૨૦૨૬ને ભારતની સર્વોચ્ચ અદાલતે અસ્પષ્ટ અને દુરપયોગની સંભાવના ધરાવતો ગણાવી તેના અમલ પર રોક લગાવી છે. એટલે ભારતના ઉચ્ચ શિક્ષણમાં સમાનતાની મંઝિલ ઘણી દૂર લાગે છે.બંધારણના અનુચ્છેદ ૪૬, શિક્ષણનો અધિકાર કાયદો ૨૦૦૯ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ભારતની શિક્ષણ પ્રત્યેની બંધારણીય અને નીતિગત પ્રતિબધ્ધતા દર્શાવે છે. શિક્ષણનો અધિકાર માત્ર પ્રાથમિક, માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સુધી સીમિત ન રહેતાં તે ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચવો જોઈએ. તે પણ સમાવેશી, ભેદભાવવિહોણું, સારી ગુણવતા ધરાવતું ઉચ્ચ શિક્ષણ હોય તો લિટરસી રેટનો વધારો સાર્થક ગણાય.

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)

આ પણ વાંચો: દલિત યુવકે સવર્ણ યુવતી સાથે કોર્ટ મેરેજ કરતા ટ્રેન સામે ફેંકી હત્યા

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x