જૂનાગઢની ડૉ.આંબેડકર હોસ્ટેલમાં દલિત યુવકે ગળેફાંસો ખાધો

જૂનાગઢની ડો. આંબેડકર કુમાર છાત્રાલયમાં ગેરકાયદે રહેતા 26 વર્ષીય યુવકે આત્મહત્યા કરતા તંત્રની પોલ ખુલી; 16 દિવસ પૂર્વેની ફરિયાદ છતાં અધિકારીઓ નિષ્ક્રિય રહ્યાં.
Dr Ambedkar Hostel in Junagadh
પ્રતિકાત્મક તસવીર

જૂનાગઢ: જૂનાગઢના રેલવે સ્ટેશન નજીક કેવડાવાડી વિસ્તારમાં આવેલી સરકારી ‘ડો. ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલય’માં 26 વર્ષીય જયેશ ભીખુભાઈ સોલંકીના ગળેફાંસો ખાઈ આત્મહત્યાના મામલે સરકારી તંત્ર અને સમાજ કલ્યાણ વિભાગ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ ઘટના માત્ર એક આત્મહત્યા નથી, પરંતુ સરકારી મિલકત પર ચાલતા ગેરકાયદે વહીવટ અને જવાબદાર અધિકારીઓની ભયાનક બેદરકારીનું પરિણામ છે.

અનેક વિદ્યાર્થીઓ ગેરકાયદે રહેતા હોવાનું કૌભાંડ

તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક જયેશ સોલંકી છેલ્લા 9 વર્ષથી આ હોસ્ટેલમાં કોઈ પણ સત્તાવાર એડમિશન વગર ‘ગેસ્ટ’ તરીકે રહેતો હતો. આશ્ચર્યની વાત એ છે કે 100 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી આ સરકારી હોસ્ટેલમાં 25 થી 30 યુવકો વર્ષોથી કોઈ પણ નોંધણી વગર ગેરકાયદે વસવાટ કરે છે. હોસ્ટેલના વોર્ડન ભીખુ સોલંકીએ પોતે કેમેરા સામે કબૂલાત કરી હતી કે હોસ્ટેલમાં બિનઅધિકૃત યુવકો રહે છે. તેમ છતાં, ઉચ્ચ અધિકારીઓએ આ મામલે આંખ આડા કાન કર્યા હતા. જે હોસ્ટેલ ગરીબ અને તેજસ્વી દલિત વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવી છે, ત્યાં નોકરી-ધંધા કરતા અને લાગવગ ધરાવતા તત્વોનું સામ્રાજ્ય હોવાનું સ્પષ્ટ થયું છે.

આ પણ વાંચો: આદિવાસી હોસ્ટેલમાં 160 જગ 51 લાખમાં ખરીદ્યાં, 32,000નો એક જગ?

16 દિવસ પહેલા પણ રજૂઆત કરાઈ હતી

આ આત્મહત્યા રોકી શકાઈ હોત જો તંત્રએ સમયસર કાર્યવાહી કરી હોત. ગત 4 એપ્રિલ, 2026ના રોજ હર્ષ જાદવ નામના વિદ્યાર્થીએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ચેતન પવારને લેખિતમાં પુરાવા સાથે રજૂઆત કરી હતી. ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે હોસ્ટેલમાં ગેરકાયદે લોકો રહી રહ્યા છે અને તેનાથી શૈક્ષણિક વાતાવરણ જોખમાય છે. કમનસીબી એ છે કે આ રજૂઆત બાદ તપાસ કરવાને બદલે ફરિયાદ કરનાર વિદ્યાર્થીઓને વોર્ડન અને સિક્યુરિટી દ્વારા ધમકાવીને હાંકી કાઢવામાં આવ્યા હતા. તંત્રની આ તાનાશાહી આજે એક યુવાનના મોતના કારણમાં પરિણમી છે.

9 વર્ષ સુધી હોસ્ટેલમાં કઈ રીતે રહ્યો?

મૃતક જયેશના પિતા ભીખાભાઈના જણાવ્યા મુજબ, જયેશ એમ.એસસી. (MSC) સુધીનો અભ્યાસ પૂર્ણ કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો હતો, પરંતુ તે લાંબા સમયથી માનસિક રીતે અસ્વસ્થ હતો અને તેની સારવાર ચાલતી હતી. અગાઉ પણ તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પ્રશ્ન એ ઉભો થાય છે કે સીસીટીવી કેમેરાથી સજ્જ સરકારી હોસ્ટેલમાં એક માનસિક બીમાર વ્યક્તિ 9 વર્ષ સુધી સત્તાવાર પ્રવેશ વગર કેવી રીતે રહી શકે? શું વોર્ડન અને વોચમેન આ અજાણ્યા ચહેરાઓથી અજાણ હતા? કે પછી આ ‘ગેસ્ટ’ સુવિધા પાછળ કોઈ મોટું આર્થિક કૌભાંડ ચાલી રહ્યું છે?

આ પણ વાંચો: આદિવાસી હોસ્ટેલમાં ત્રણ વિદ્યાર્થીનીઓ ગર્ભવતી બનતા ખળભળાટ

મને કંઈ ખબર નથીઃ સમાજ કલ્યાણ અધિકારી

જ્યારે આ મામલે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ચેતન પવારને પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે તેમણે અત્યંત બિનજવાબદાર રીતે “મને આ બાબતે કંઈ ખબર નથી, વોર્ડન જ કહી શકશે” તેવો રાબેતા મુજબનો જવાબ આપી પલ્લું ઝાટકી દીધું હતું. 16 દિવસ પહેલા લેખિત ફરિયાદ મળ્યા છતાં જે અધિકારી ‘અજાણ’ રહેવાનો ડોળ કરે છે, તેમની ભૂમિકા સૌથી વધુ શંકાસ્પદ છે. આવી બેદરકારી બદલ માત્ર વોર્ડન જ નહીં, પરંતુ સમાજ કલ્યાણ અધિકારી સામે પણ કડક શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ.

રાજકીય પીઠબળની આશંકા

સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે કે હોસ્ટેલમાં ચાલતા આ ગેરકાયદે વસવાટ પાછળ મોટું રાજકીય પીઠબળ કામ કરી રહ્યું છે. લાયક વિદ્યાર્થીઓ એડમિશન માટે વલખાં મારી રહ્યા છે અને જે વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂરો કરી દીધો છે અથવા જેઓ વિદ્યાર્થી જ નથી, તેઓ સરકારી ખર્ચે સુવિધાઓ ભોગવી રહ્યા છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, પરંતુ શું આ કૌભાંડના મૂળ સુધી પોલીસ પહોંચશે કે પછી ફાઈલ દબાવી દેવામાં આવશે તે જોવાનું રહ્યું.

આ ઘટનાએ સાબિત કર્યું છે કે જૂનાગઢનું વહીવટી તંત્ર માત્ર કાગળ પર ચાલે છે. જો જવાબદારો સામે હત્યા સમાન બેદરકારીનો ગુનો નોંધી કડક પગલાં લેવામાં નહીં આવે, તો સરકારી હોસ્ટેલો માત્ર આવી દુર્ઘટનાઓના કેન્દ્રો બનીને રહી જશે. ગરીબ દલિત વિદ્યાર્થીઓના હક પર તરાપ મારતા આ કૌભાંડીઓને જેલના સળિયા પાછળ ધકેલવા અનિવાર્ય છે.

આ પણ વાંચો: રાજકોટની M G હોસ્ટેલના પૂર્વ વિદ્યાર્થીઓએ છાત્રાલયને લાઈબ્રેરી ભેટ આપી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x