‘આજે પણ ગામના મંદિરમાં પ્રવેશ નથી મળતો’, ‘પંચાયત’ ના અભિનેતાનું દર્દ છલકાયું

Vinod Suryavanshi Interview: લોકપ્રિય વેબ સીરીઝ ‘પંચાયત’ના અભિનેતા વિનોદ સૂર્યવંશીએ જાતિગત ભેદભાવના કડવા અનુભવો શેર કર્યા. કહ્યું, ‘આજે પણ ગામના મંદિરમાં પ્રવેશ નથી મળતો, હાથે પ્લેટ ધોવી પડતી હતી’
Vinod Suryavanshi Interview

Vinod Suryavanshi Interview: ઓટીટી પ્લેટફોર્મની સુપરહિટ સીરીઝ ‘Panchayat’ માં ‘નવા સચિવજી’ની ભૂમિકા ભજવીને રાતોરાત ચર્ચામાં આવેલા અભિનેતા વિનોદ સૂર્યવંશી (Vinod Suryavanshi) આજે ઘરે-ઘરે જાણીતા બન્યા છે. જોકે, પડદા પર પંચાયત અને ગ્રામીણ રાજકારણના દ્રશ્યો જીવતા આ કલાકારના વાસ્તવિક જીવનમાંથી ‘જાતિવાદ’નું ઝેર હજુ પણ ખતમ થયું નથી. દલિત સમાજમાંથી આવતા વિનોદ સૂર્યવંશીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં પોતાના જીવનના એવા પાસાઓ પરથી પડદો ઉઠાવ્યો છે, જે સાંભળીને કોઈપણ સંવેદનશીલ વ્યક્તિ હચમચી જાય. તેમણે કર્ણાટકના પોતાના ગામમાં અસ્પૃશ્યતા, જાતિવાદ અને બાળપણમાં સહેલા અપમાનોની વિગતે વાત કરી હતી.

‘ગામના મંદિરમાં આજે પણ પ્રવેશ મળતો નથી’

વિનોદ સૂર્યવંશીએ સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં અત્યંત દુઃખ સાથે જણાવ્યું કે, તેમના ગામમાં આજે પણ સમાજ બે ભાગમાં વહેંચાયેલો છે. એક તરફ ઉચ્ચ જાતિના લોકો વસે છે અને બીજી તરફ દલિતો. વિનોદે ખુલાસો કર્યો કે, “મારા ગામમાં એક એવું મંદિર છે જ્યાં આજે પણ અમારા (દલિત) સમાજને અંદર જવાની પરવાનગી નથી. અમે ગમે તેટલા સફળ થઈએ, પણ મંદિરના ઉંબરે ઉભા રહીને જ નાળિયેર અને તેલ આપવું પડે છે. પૂજારી તે સામગ્રી અંદર લઈ જાય છે અને ભગવાનને ચઢાવે છે.”

આ પણ વાંચો: રાજામૌલીના પિતા અને ભાજપ સાંસદ વિજયેન્દ્ર પ્રસાદે ડો.આંબેડકરનું અપમાન કર્યું

તેમણે વધુમાં એક હૃદયદ્રાવક પ્રસંગ શેર કરતા કહ્યું કે, “થોડા સમય પહેલા હું મારા બાળકના મુંડન સંસ્કાર માટે એ મંદિરે ગયો હતો. મને આશા હતી કે સમય બદલાયો હશે અને કદાચ હવે સ્થિતિ સુધરી હશે, પણ પરિસ્થિતિ જેમની તેમ હતી. મારે મારા બાળકના ધાર્મિક સંસ્કાર માટે પણ મંદિરની બહાર જ ઉભા રહેવું પડ્યું હતું.”

બાળપણના જખમ: હોટલમાં જાતે થાળી ધોવી પડી

વિનોદે પોતાના બાળપણના એ કડવા અનુભવને યાદ કર્યો જ્યારે તેઓ માત્ર 7-8 વર્ષના હતા. પોતાના પિતા સાથે ગામની એક હોટલમાં જમવા ગયા હતા. જમ્યા બાદ હોટલના માલિકે તેમને પોતાની એંઠી પ્લેટો જાતે ધોવા માટે મજબૂર કર્યા હતા. વિનોદે કહ્યું, “અમે જમવાના પૂરેપૂરા પૈસા ચૂકવ્યા હતા, છતાં અમારે અમારી પ્લેટો જાતે ધોવી પડી કારણ કે અમે દલિત હતા. તે સમયે એક બાળકના મન પર જે વીતી હતી, તે આજે પણ હું ભૂલી શક્યો નથી.”

‘મેં મારા પિતાને તહેવારોના દિવસે રડતાં જોયા છે’

વિનોદ સૂર્યવંશીએ આર્થિક તંગીના એ દિવસો પણ યાદ કર્યા જ્યારે તહેવારો તેમના માટે ખુશીઓને બદલે દુઃખ લઈને આવતા હતા. તેમણે જણાવ્યું કે, “ગરીબી એટલી હતી કે નવા કપડાં કે મીઠાઈ લાવવાની ક્ષમતા નહોતી. મેં મારા માતા-પિતાને તહેવારોના દિવસે રડતા જોયા છે. અમારા માટે તહેવાર એટલે ગરીબીનો વધુ એક અહેસાસ હતો.” આ સંઘર્ષો વચ્ચે ઉછરેલા વિનોદે નક્કી કર્યું હતું કે તેઓ મુંબઈ જઈને પોતાની ઓળખ બનાવશે.

આ પણ વાંચો: જ્યોતિબા ફૂલેને જ્યારે ગાંધીજીએ ‘સાચા મહાત્મા’ ગણાવ્યા..

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ રંગભેદનો સામનો કર્યો

વિનોદ સૂર્યવંશીનો સંઘર્ષ માત્ર ગામ પૂરતો મર્યાદિત નહોતો. તેમણે દાવો કર્યો કે મુંબઈના ગ્લેમર વર્લ્ડમાં પણ તેમને ભેદભાવનો સામનો કરવો પડ્યો છે. તેમના કહેવા મુજબ, ‘ડાર્ક કોમ્પ્લેક્સન’ (ઘેરો વાન) હોવાને કારણે તેમને અનેકવાર રિજેક્ટ કરવામાં આવ્યા. ઘણીવાર એવું પણ બન્યું કે કોઈ ભૂમિકા માટે તેમની પસંદગી થઈ ગઈ હોય, પણ અંતિમ સમયે માત્ર દેખાવના કારણે તેમને હટાવી દેવામાં આવ્યા હોય. આ રંગભેદ અને જાતિવાદના દંશ છતાં વિનોદે હાર માની નહીં. આજે પંચાયત વેબ સિરીઝના કારણે તેઓ ઘરે ઘરે જાણીતા થઈ ચૂક્યા છે. તેમની પાસે બીજા પણ અનેક પ્રોજેક્ટ છે.

કોણ છે વિનોદ સૂર્યવંશી?

વિનોદ સૂર્યવંશી મૂળ કર્ણાટકના વતની છે અને વર્ષોથી મુંબઈમાં રહીને એક્ટિંગ ક્ષેત્રે સંઘર્ષ કરી રહ્યા છે. તેમણે નાની-મોટી ભૂમિકાઓથી શરૂઆત કરી હતી, પરંતુ તેમને સાચી ઓળખ એમેઝોન પ્રાઇમની વેબ સીરીઝ ‘પંચાયત’ (સીઝન ૩) થી મળી. આ સીરીઝમાં તેમણે નવા સચિવજી તરીકે જબરદસ્ત અભિનય કર્યો છે, જે સિરીઝના મુખ્ય પાત્ર જિતેન્દ્ર કુમારના પાત્રને ટક્કર આપે છે. તેમની બેલેન્સ એક્ટિંગ અને ડાયલોગ ડિલિવરીએ દર્શકોના દિલ જીતી લીધા હતા.

વિનોદ સૂર્યવંશીના આ સંઘર્ષની કહાની એ વાતનો પુરાવો છે કે પ્રતિભા કોઈ જાતિ કે રંગની મોહતાજ નથી હોતી, પરંતુ સમાજમાં હજુ પણ મૂળિયાં જમાવીને બેઠેલો જાતિવાદ પ્રતિભાશાળી વ્યક્તિઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મસન્માન પર ઊંડા ઘા કરી રહ્યો છે. વિનોદ સૂર્યવંશી લાખો લોકોના મન જીતી રહ્યા છે, ત્યારે તેમના આ ખુલાસાએ સામાજિક સમાનતાના દાવાઓ સામે મોટા સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો: ‘જાતિની ખબર ન પડે એટલે તમારી વર્દી પર અટક ન લખો..’

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x