કર્ણાટકના પાટનગર બેંગલુરુ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી સામાજિક વ્યવસ્થા પર સવાલો ઉઠાવતા સમાચાર સામે આવ્યા છે. અહીં દલિત પોલીસ કર્મચારીઓ અત્યારે જાતિવાદના શિકાર બની રહ્યા છે. અનેક નીચલી કેડરના દલિત પોલીસ અધિકારીઓએ પોતાની આપવીતી જણાવતા કહ્યું છે કે, જ્યારે તેઓ ભાડે મકાન શોધવા જાય છે ત્યારે મકાનમાલિકો તેમની જાતિ પૂછે છે અને દલિત હોવાનું જાણતા જ ઘર આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દે છે.
જાતિ પૂછીને ઈનકાર કરી દેવાય છે
આ ભેદભાવ પાછળ જાતિ ભેદભાવ મુખ્ય કારણ છે. આ સિવાય કેટલાક મકાનમાલિકોને એવો ડર સતાવી રહ્યો છે કે જો ભવિષ્યમાં ભાડા કે મકાન ખાલી કરાવવા બાબતે કોઈ વિવાદ થશે, તો પોલીસ કર્મચારી પોતાની સત્તા અને જાતિનો ઉપયોગ કરીને તેમના પર SC/ST એક્ટ હેઠળ કેસ દાખલ કરાવી શકે છે. આ ખોટી ધારણાને કારણે અનેક કર્મચારીઓને રહેવા માટે યોગ્ય મકાન મળી રહ્યા નથી. જો કે, હજુ સુધી કોઈ દલિત પોલીસકર્મીએ એટ્રોસિટી એક્ટનો આ રીતે દુરુપયોગ કર્યાનો એક પણ મામલો સામે આવ્યો નથી. જેથી આ ડર ઉભો કરાયો હોય તેવું લાગે છે, જેથી દલિતોને ઘર ભાડે ન આપવું પડે.

આ પણ વાંચો: કેમ તમિલનાડુમાં રાજકીય પક્ષો બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ નથી આપતા?
સમયસર ડ્યુટી પર પહોંચવામાં મુશ્કેલી
આ મામલો ત્યારે ગંભીર બન્યો જ્યારે જાણવા મળ્યું કે શહેરની અંદર ઘર ન મળવાને કારણે દલિત પોલીસ કર્મચારીઓને શહેરના છેવાડાના અને અતિ પછાત વિસ્તારોમાં રહેવા માટે મજબૂર થવું પડે છે. લાંબા અંતર અને પરિવહનની સુવિધાના અભાવે આ કર્મચારીઓ માટે સમયસર ડ્યુટી પર પહોંચવું પડકારજનક બની રહ્યું છે, જેની સીધી અસર તેમની કામગીરી અને કાયદો-વ્યવસ્થા પર પડી રહી છે.
આ પણ વાંચો: જૂનાગઢના બિલ્ડર ચેતન ફળદુ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ
ગૃહ વિભાગે તપાસના આદેશ આપ્યા
સોમવારે એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ફરિયાદ અને માનવાધિકાર) દેવજ્યોતિ રાય દ્વારા આ સંદર્ભે એક સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે. 28 એપ્રિલના રોજ વિધાન સૌધમાં આયોજિત ‘સરકારી આશ્વાસન સમિતિ’ની બેઠકમાં પણ આ મુદ્દો ગાજ્યો હતો. ગૃહમંત્રી જી. પરમેશ્વરે આ મામલે ગંભીરતા દાખવતા આશ્વાસન આપ્યું છે કે, વહીવટીતંત્ર આ ભેદભાવની તપાસ કરશે.

આ સાથે જ તેમણે જાહેરાત કરી છે કે ‘પોલીસ ગૃહ યોજના’ હેઠળ બાકી રહેલા કર્મચારીઓને પ્રાથમિકતાના ધોરણે આવાસ ફાળવવામાં આવશે જેથી તેમને ખાનગી મકાનમાલિકો પર નિર્ભર ન રહેવું પડે. સવાલ એ થાય કે, લોકશાહીમાં કાયદાના રક્ષકો સાથે જ તેમની જાતિના આધારે ભેદભાવો થતા હોય, તો અન્ય દલિતો સાથે જાતિવાદી તત્વો કેવો વ્યવહાર કરતા હશે?હવે વહીવટીતંત્ર આ મુદ્દે કેટલા કડક પગલાં ભરે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો: શંખેશ્વરના સીપુરમાં સરપંચે દલિત પરિવારને મારી નાખવાની ધમકી આપી











