ધર્મ, જાતિ કે સંપ્રદાયની દીવાલોથી ઉપર ઊઠીને જ્યારે માનવતાનું મિલન થાય છે, ત્યારે કુદરત પણ અદ્ભુત ચમત્કાર સર્જે છે. અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં એક એવી ઐતિહાસિક અને પ્રેરણાદાયી ઘટના ઘટી છે, જેણે આખા દેશ સામે પ્રેમ, શ્રદ્ધા અને ભાઈચારાનું એક અજોડ ઉદાહરણ રજૂ કર્યું છે. અહીં એક હિંદુ મહિલા અને એક મુસ્લિમ મહિલાએ એકબીજાના પતિનો જીવ બચાવવા માટે પોતાની કિડનીનું દાન કર્યું છે.
અમદાવાદના 45 વર્ષીય હિંદુ દર્દી અને રાજસ્થાનના ઉદયપુરના 42 વર્ષીય મુસ્લિમ દર્દી છેલ્લા ઘણા સમયથી ક્રોનિક કિડની ડિસીઝ અને એન્ડ-સ્ટેજ રીનલ ડિસીઝ એટલે કે કિડની ફેલિયરની ગંભીર બીમારી સામે ઝૂઝી રહ્યા હતા. બંને દર્દીઓની પત્નીઓ પોતાના પતિને કિડની દાન કરવા માટે પૂરેપૂરી તૈયાર હતી, પરંતુ મેડિકલ પરિબળો અને બ્લડ ગ્રૂપ મેચ ન થવાને કારણે તેઓ સીધું દાન આપી શકતી નહોતી.

આવી સ્થિતિમાં ડૉક્ટરોએ બંને પરિવારો સામે ‘ઓર્ગન સ્વૈપ’ એટલે કે અંગોની અદલાબદલીનો વિકલ્પ મૂક્યો હતો.
આ પણ વાંચો: ધ્રાંગધ્રામાં AAP પ્રમુખ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ
જટિલ સ્વૈપ ટ્રાન્સપ્લાન્ટની સફળ પ્રક્રિયા
ડૉક્ટરોએ બંને પરિવારોના રિપોર્ટ્સ અને સ્કેનિંગની ઝીણવટભરી તપાસ કરી ત્યારે માલૂમ પડ્યું કે હિંદુ મહિલાની કિડની મુસ્લિમ દર્દી માટે અને મુસ્લિમ મહિલાની કિડની હિંદુ દર્દી માટે સંપૂર્ણપણે મેચ થાય છે. આ સમાચાર બાદ બંને પરિવારોએ ધાર્મિક મતભેદોને બાજુ પર મૂકીને માનવ ધર્મને પ્રાધાન્ય આપ્યું હતું. હોસ્પિટલ પ્રશાસન દ્વારા જરૂરી કાઉન્સેલિંગ અને મેડિકલ-લીગલ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી.
9 જુલાઈના રોજ આ જટિલ સર્જરી એકસાથે હાથ ધરવામાં આવી હતી. સફળ સર્જરી બાદ બંને દર્દીઓ ઝડપથી સાજા થયા હતા. ડિસ્ચાર્જ વખતે તેમનું સીરમ ક્રિએટિનાઇન લેવલ અનુક્રમે 1.26 mg/dL અને 1.30 mg/dL નોંધાયું હતું, જે નવી કિડનીના ઉત્કૃષ્ટ કામકાજની સચોટ નિશાની છે. સર્જરીમાં સામેલ બંને દર્દીઓ અને બંને મહિલા ડાતા એમ કુલ 4 લોકોને 18 જુલાઈના રોજ હેમખેમ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચો: PM મોદીની હાજરીમાં IIT દિલ્હીમાં વૈદિક મંત્રો વાગતા વિવાદ!
આ સફળ સર્જરી ડૉ. સોનલ દલાલ, ડૉ. જાવેદ વકીલ, ડૉ. કેતન શુક્લા, ડૉ. હિમાંશુ પટેલ અને ડૉ. ભાવિન મહેતાલિયાની મલ્ટી-ડિસિપ્લિનરી ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર રાહુલ શાહના સહયોગથી પૂર્ણ કરવામાં આવી હતી. સ્ટર્લિંગ હોસ્પિટલ માટે પણ આ પ્રથમ કિડની સ્વૈપ ટ્રાન્સપ્લાન્ટ હતું.
માનવતા જ સૌથી મોટો ધર્મ
આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે જ્યારે બે લોકોનો જીવ બચાવવાનો પ્રશ્ન આવે ત્યારે ધાર્મિક સીમાઓ અને સામાજિક ભેદભાવો અર્થહીન બની જાય છે. સમાજમાં જ્યાં અવારનવાર ધર્મના નામે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ થાય છે, ત્યાં આ બંને મહિલાઓએ બતાવી આપ્યું કે લોહી અને અંગોનો કોઈ ધર્મ નથી હોતો.
આ પણ વાંચો: જીવતા આદિવાસી યુવકને તંત્રે કાગળ પર મૃત જાહેર કરી દીધો
સ્ટર્લિંગ હોસ્પિટલના ક્લિનિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુધીર મોરાડે આ ટ્રાન્સપ્લાન્ટને કરુણા, વિશ્વાસ અને સાંપ્રદાયિક સદ્ભાવનાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ માત્ર એક સફળ તબીબી સર્જરી નથી પરંતુ માનવજીવન પ્રત્યેની ઊંડી નિષ્ઠાનું પ્રતીક છે.
આ કિસ્સાએ સાબિત કરી બતાવ્યું છે કે પરસ્પર વિશ્વાસ અને એકબીજાની મદદ કરવાની ઈચ્છાશક્તિ હોય તો કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકાય છે. બંને મહિલાઓએ દર્શાવેલી હિંમત અને ત્યાગની ભાવના આજે આખા દેશ માટે પ્રેરણારૂપ બની છે.
આ પણ વાંચો: MNREGA નું નામ બદલી VB-G RAM G કરાતાં જ ગ્રામીણ રોજગાર અડધો થયો











