દિલ્હીના રાજકારણમાં આમ આમી પાર્ટી (AAP) સામે એક અત્યંત ગંભીર અને વિવાદાસ્પદ મામલો સામે આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પરિષદના સભ્ય અને જેતપુરના કાઉન્સિલર હેમાના પતિ શ્રીચંદ વોહરા પર પોતાની જ પાર્ટીના એક સક્રિય દલિત કાર્યકર રાકેશ કુમારનું મકાન અને પ્લોટ ગેરકાયદેસર રીતે પચાવી પાડવાનો આરોપ લગાવ્યો છે.
દિલ્હી ભાજપના મીડિયા વડા પ્રવીણ શંકર કપૂર અને મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ ગુપ્તાએ પત્રકાર પરિષદ યોજીને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તેમણે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હી પ્રદેશ પ્રમુખ સૌરભ ભારદ્વાજ પાસે માંગ કરી છે કે તેઓ વિલંબ કર્યા વિના દલિત કાર્યકરને તેનો પ્લોટ પાછો અપાવે અને દોષિત નેતા તેમજ તેમની કાઉન્સિલર પત્નીને પક્ષમાંથી તાત્કાલિક બરતરફ કરે.

ઓફિસ બનાવવાના બહાને પ્લોટ પર કબજો
ભાજપના નેતાઓએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, 2019 માં શ્રીચંદ વોહરાએ પોતાની પાર્ટીના દલિત કાર્યકર રાકેશ કુમાર પાસેથી જેતપુર એક્સટેન્શન સ્થિત એક ખાલી પ્લોટ લીધો હતો. વોહરાએ આ પ્લોટ એક પ્રાઇવેટ રાજકીય ઓફિસ બનાવવાના બહાને માંગ્યો હતો.
આ પણ વાંચો: કાજલ મહેરિયાએ લગ્ન અંગે કહ્યું, ‘હું દોઢ વર્ષથી રિલેશનમાં હતી’
પરંતુ, રાકેશ કુમારે જ્યારે લગભગ 1 વર્ષ પછી પોતાનો પ્લોટ પાછો માંગવાનું શરૂ કર્યું, ત્યારે વોહરાએ ગોળ-ગોળ જવાબો આપીને સમય વિતાવવાનું શરૂ કર્યું હતું. આ મામલો 2022 સુધી ખેંચાતો રહ્યો હતો. આપ નેતાની દાનત બગડી હતી અને તેમણે પ્લોટ ખાલી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
સત્તા મળતા જ દલિત કાર્યકરનું શારીરિક અને માનસિક શોષણ
દલિત કાર્યકર રાકેશ કુમારની મુશ્કેલીઓ ત્યારે વધુ વધી ગઈ જ્યારે 2022 ના અંતમાં શ્રીચંદ વોહરાની પત્ની હેમા જેતપુર વોર્ડમાંથી કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. સત્તા હાથમાં આવતા જ આપ નેતાએ દલિત કાર્યકરને હેરાન-પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું.
આ શોષણ પરાકાષ્ઠાએ ત્યારે પહોંચ્યું જ્યારે જુલાઈ 2026 માં રાકેશ કુમારે પોતાના ઘરના પહેલા માળે વીજળીનું મીટર લગાવવાનો પ્રયાસ કર્યો. આપ નેતા વોહરાએ સત્તાનો દુરુપયોગ કરીને વીજ વિભાગ પર દબાણ લાવ્યું અને તે પ્રક્રિયા અટકાવી દીધી હતી. આટલું જ નહીં, લગભગ 3 અઠવાડિયા પહેલાં વોહરાએ રાકેશ કુમારનો ઘરવખરીનો સામાન પહેલા માળેથી રસ્તા પર ફેંકી દીધો હતો અને તેમને ઘરવિહોણા કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: સ્વરોજગાર વધ્યા પણ લોકોની કમાણી કેમ વધતી નથી?
દલિત કાર્યકરે પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી
આપ નેતાના સતત ત્રાસથી કંટાળીને દલિત કાર્યકર રાકેશ કુમારે આખરે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ બાદ આ મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે પોતાની તપાસમાં ષડયંત્ર રચવા અને પ્લોટ પર ગેરકાયદેસર કબજો કરવા સંબંધિત ગંભીર કલમો પણ ઉમેરી દીધી છે. કાયદાકીય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ એવા ગંભીર ગુના છે જેના માટે શ્રીચંદ વોહરાને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ મામલે FIR નોંધાયા બાદથી જ આપ નેતા પર ધરપકડની તલવાર લટકી રહી છે.
આ પણ વાંચો: માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક ગણવાનો મોદી સરકારે ઈનકાર કર્યો
ભાજપની કેજરીવાલ અને સૌરભ ભારદ્વાજ પાસે માંગ
દિલ્હી ભાજપના નેતાઓએ આ મુદ્દે આમ આદમી પાર્ટીના શાસન મોડેલ અને નૈતિકતા પર સવાલો ઉઠાવ્યા છે. ભાજપે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અને સૌરભ ભારદ્વાજ, જેઓ અવારનવાર નૈતિકતા અને દલિતોના હિતો વિશે મોટી-મોટી વાતો કરે છે, તેમણે હવે મૌન તોડવું જોઈએ.
પોતાની જ પાર્ટીના ગરીબ દલિત કાર્યકર સાથે થયેલા આ અન્યાય સામે કેજરીવાલે તરત જ એક્શન લેવા જોઈએ. ભાજપે માંગ કરી છે કે દલિત કાર્યકરને તેનો પ્લોટ સન્માનપૂર્વક પાછો સોંપવામાં આવે અને સત્તાના નશામાં ચૂર આપ નેતા અને તેમની કાઉન્સિલર પત્નીને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવે. હાલ આ મુદ્દે દિલ્હીનું રાજકારણ ગરમાયું છે.
આ પણ વાંચો: મહેસાણામાં ફેમસ થવા મહિલાએ સફાઈકર્મીને લાફા માર્યા











