સ્વિટ્ઝર્લૅન્ડના જીનીવા સ્થિત સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મુખ્યાલય ખાતે આદિવાસી સમાજના અધિકારો અને તેમની વર્તમાન સ્થિતિ અંગે એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન થવા જઈ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના આદિવાસી લોકોના અધિકારો પરના વિશેષજ્ઞ મંચ (EMRIP)નું આ 19મું સત્ર આગામી 13 થી 17 જુલાઈ દરમિયાન યોજાશે. ‘Expert Mechanism on the Rights of Indigenous Peoples’ (EMRIP) તરીકે ઓળખાતા આ વૈશ્વિક કાર્યક્રમમાં દુનિયાભરમાંથી આદિવાસી સમાજ સાથે જોડાયેલી નામાંકિત હસ્તીઓ ભાગ લેવાની છે. ભારત માટે ગૌરવની વાત એ છે કે આ વખતે દેશના કરોડો આદિવાસીઓ વતી રાજસ્થાનના એક યુવા સાંસદ આ મંચ પરથી સંબોધન કરશે.
સાંસદ રાજકુમાર રોતે સોશિયલ મીડિયા પર સૂચનો માંગ્યા
રાજસ્થાનની બાંસવાડા-ડુંગરપુર લોકસભા બેઠક પરથી ભારત આદિવાસી પાર્ટી (BAP)ના સાંસદ તરીકે ચૂંટાયેલા રાજકુમાર રોત આ સંમેલનમાં સત્તાવાર રીતે ભાગ લેશે અને વક્તવ્ય આપશે. યુએન તરફથી મળેલા આ વૈશ્વિક આમંત્રણ અંગે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (ટ્વિટર) પર માહિતી શેર કરીને ખુશી વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી ભગીરથ ચૌધરીને પોતાના જ મંત્રાલયે 99 લાખની સબસીડી આપી!
તેમણે દેશની જનતા અને ખાસ કરીને આદિવાસી સમાજના લોકો પાસે આ મંચ માટે મહત્વના સૂચનો પણ માંગ્યા છે. સાંસદ રોતે પોતાની પોસ્ટમાં લખ્યું કે, “આ માત્ર મારી અંગત સિદ્ધિ નથી, પરંતુ દેશના કરોડો આદિવાસીઓનો અવાજ વૈશ્વિક સ્તર સુધી પહોંચાડવાની એક ઐતિહાસિક તક છે.” તેમણે લોકોને અપીલ કરી છે કે જળ, જંગલ, જમીન, બંધારણ, વનાધિકાર, શિક્ષણ, આરોગ્ય, સંસ્કૃતિ, ભાષા તેમજ વિસ્થાપન જેવા ગંભીર અને મહત્વના મુદ્દાઓ પર પોતાના વિચારો અને સૂચનો તેમના સુધી મોકલે, જેથી તેઓ આ તમામ વિષયોને સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય મંચ પર મજબૂતાઈથી ઉઠાવી શકે.
EMRIP મંચનું ઐતિહાસિક મહત્વ
ભારત આદિવાસી પાર્ટી (BAP) દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સંયુક્ત રાષ્ટ્રનો એ જ પ્રભાવશાળી મંચ છે, જેણે દર વર્ષની 9 ઓગસ્ટના દિવસને ‘વિશ્વ આદિવાસી દિવસ’ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવામાં અને વિશ્વભરમાં ફેલાયેલા મૂળનિવાસીઓના હક્કોને મજબૂત કરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી છે. હવે આ જ પ્રતિષ્ઠિત મંચ પર ભારતથી જઈને સાંસદ રાજકુમાર રોત દેશના આદિવાસી સમાજની સમસ્યાઓ અને આકાંક્ષાઓને વાચા આપશે, જે દેશ અને સમાજ માટે ગૌરવની ક્ષણ છે.
આ પણ વાંચો: અમરેલીના જશવંતગઢમાં ડૉ. આંબેડકર કોલોનીનું ભવન જર્જરિત

રાજકુમાર રોતની રાજકીય સફર
રાજકુમાર રોત આદિવાસી વિસ્તારના ખૂબ જ લોકપ્રિય અને જમીની નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમની રાજકીય સફર પર નજર કરીએ તો: વર્ષ 2018માં તેઓ ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) ની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા અને ચૌરાસી વિધાનસભા બેઠક પરથી વિજેતા બનીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 2023માં તેમણે ભારત આદિવાસી પાર્ટી (BAP) ના ગઠનમાં મહત્વની ભૂમિકા ભજવી અને 2023 ની વિધાનસભા ચૂંટણીમાં ફરીથી આ જ પક્ષમાંથી ધારાસભ્ય તરીકે વિજય મેળવ્યો.
आप सभी के विश्वास और सहयोग से मुझे संयुक्त राष्ट्र (UN) के आदिवासी अधिकारों पर 13 जुलाई से 17 जुलाई तक आयोजित होने वाले विशेष मंच EMRIP के 19वें सत्र, जिनेवा (स्विट्ज़रलैंड) में भारत के आदिवासी समाज का प्रतिनिधित्व करने का अवसर प्राप्त हुआ है।
यह केवल मेरा नहीं, बल्कि देश के… pic.twitter.com/ClP97cTqDk
— Rajkumar Roat (@roat_mla) July 11, 2026
વર્ષ 2024માં લોકસભા ચૂંટણીમાં તેમણે બાંસવાડા-ડુંગરપુર બેઠક પરથી નસીબ અજમાવ્યું અને આ વિસ્તારના કદાવર નેતા મહેન્દ્રજીત માલવીયાને હરાવીને સંસદ સુધીની સફર નક્કી કરી. આમ, 2 વાર ધારાસભ્ય અને 1 વાર સાંસદ રહી ચૂકેલા રોત હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા તૈયાર છે.
આ પણ વાંચો:જ્યાં હાઈવે નીકળશે, ત્યાં CM મોહન યાદવના પરિવારે 168 એકર જમીન ખરીદી











