શું AI માનવજાત માટે સૌથી મોટું જળસંકટ સર્જશે?

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતા ઉપયોગ અને ડેટા સેન્ટરોને ઠંડા રાખવા વપરાતા પુષ્કળ પાણી-વીજળીથી પર્યાવરણ સામે મોટો પડકાર ઊભો થયો છે.
AI create the biggest water crisis

ચંદુ મહેરિયા

પુસ્તકનો ઉપયોગ કરનારને સાચી રીતે જ ટકોરવામાં આવે છે કે એક વૃક્ષની કતલથી બનેલા કાગળ પર છપાયેલું આ પુસ્તક છે. આજકાલ AIનો ઉપયોગ વધ્યો છે ત્યારે ચેટબોટને સવાલ પૂછનારને કહેવાય છે કે તેના આ કૃત્યથી ઝરણું સૂકાઈ જાય એટલું પાણી વપરાય છે! કૃત્રિમ બુદ્ધિમત્તા કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવ સભ્યતાની સૌથી મોટી અને સૌથી વધુ શક્તિશાળી તકનીકી ક્રાંતિઓમાંની એક છે.

AIનો વપરાશ ઘણાં માનવીના રોજબરોજના જીવનનો એક હિસ્સો બની ગયો છે. વિશ્વની સૌથી ઝડપથી વિકસતી આ ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણ, સંચાર, સંરક્ષણ, આરોગ્ય, ખેતી અને વ્યાપાર-ઉદ્યોગમાં થાય છે. ફોટા, વિડીયો, AI સર્ચ, ચેટબોટ જેવી બાબતોથી માણસ ટેવાયેલો થઈ રહ્યો છે. AI જનરેટેડ ફોટો કે સવાલ પૂછવાથી એક ઝરણું સૂકાઈ જાય તેટલું પાણી વપરાઈ જાય છે એમ કહેવામાં કદાચ અતિશયોક્તિ હોઈ શકે છે પરંતુ AIના ઉપયોગથી જળ, જમીન અને પર્યાવરણ પર માઠી અસરો પડી રહી છે તે બાબત બેબુનિયાદ નથી જ.

એઝ સચ AIને ખુદને કોઈ પાણીની જરૂરિયાત નથી. પરંતુ AIના ડેટા સેન્ટરોને છે. ડેટા સેન્ટર AIને શક્તિ પ્રદાન કરતું એક પાયાનું વૈશ્વિક માળખું છે. AI મોડેલને ટ્રેનિંગ આપવા અને ઉપયોગકર્તાઓના સવાલોના જવાબ આપવા કમ્પ્યૂટિંગની તાકાત જરૂરી છે. ડેટા સેન્ટરોના સર્વર તેના કારણે ગરમ થાય છે. તેને ઠંડા રાખવા વિવિધ કૂલિંગ પ્રણાલી અપનાવવામાં આવે છે. તે માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે.

આ પણ વાંચો: તમે જે પેકેઝ્ડ ફૂડ ખાઓ છો તે કેટલું સુરક્ષિત છે?

જેમ જેમ AIનો ઉપયોગ વધશે, તે વધુ વિકસિત થશે તેમ તેમ ડેટા સેન્ટરોનું પ્રમાણ પણ વધારવું પડશે અને તે માટે વધુ પાણી અને વીજળીની જરૂર પડશે. જ્યારે માનવજાત અનિયમિત વરસાદ, જળવાયુ પરિવર્તન, ઝડપી એટલું જ અંધાધૂંધ શહેરીકરણ અને વસ્તી વૃદ્ધિની સમસ્યાઓથી પીડિત છે અને પાણી તથા વીજળી જરૂરિયાત કરતાં ઓછાં ઉપલબ્ધ છે ત્યારે AIને કારણે પાણી અને વીજળીનો વપરાશ વધતાં તેની અછત અને સરવાળે સંકટ વધવાનું છે. એટલે AIના વિકાસ સાથે જ પર્યાવરણ પર પડનારી તેની અસરોથી સચિંત થવાની અને તેના ઉપાયો શોધવાની જરૂર છે.

જાપાનના ટોકિયો સ્થિત યુનાઈટેડ નેશન્સ યુનિવર્સિટીના અભ્યાસ પ્રમાણે કૃત્રિમ બુદ્ધિમત્તાથી સંબંધિત પાણીનો જે વપરાશ થવાનો છે તે આ દાયકાના (ઈ.સ.2030) અંત સુધીમાં 1.3 અબજ લોકોની ઘરેલુ જરૂરિયાત જેટલો હશે. AI 2030 સુધીમાં 9.3 લાખ કરોડ લીટર પાણી પી જશે તેવો અંદાજ છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યા પ્રમાણે 2030 સુધીમાં ડેટા સેન્ટરો લગભગ વાર્ષિક 945 ટેરાવોટ અવર વીજળીનો વપરાશ કરી શકે છે, જે જાપાનની વાર્ષિક વીજળી વપરાશ બરાબર હશે. ભારતના ડેટા સેન્ટરોમાં 2025માં 150 બિલિયન લીટર પાણી વપરાયું હતું.

આ પણ વાંચો: નાગરિક તરીકે આપણને મળેલા હકોની સીમા ક્યાં સુધી?

એકલા અમેરિકાના ડેટા સેન્ટરોમાં 2023માં 66 અબજ લીટર પાણી વપરાયું હતું. દુનિયાના ડેટા સેન્ટરોમાં 2025 સુધીમાં 44,800 કરોડ યુનિટ વીજળી વપરાઈ હતી. આ વીજળી વપરાશ વિશ્વના દેશોમાં અગિયારમા ક્રમે આવે તેટલી મોટી છે. એક AI જનરેટેડ ફોટો બનાવવામાં સાધારણ ફોટા કરતાં એક હજાર ગણી વધુ વીજળી વપરાય છે. એક વીડિયો બનાવવામાં AI 4.1 લીટર પાણી વાપરે છે અને ઘરનો LED બલ્બ 42 કલાક ચાલે તેટલી વીજળી વાપરે છે.

AIના મોટા ભાષા મોડેલોની તાલીમમાં કોઈ મોટી કાર તેના સમગ્ર જીવનકાળ દરમિયાન ઉત્સર્જિત કરે છે તેટલો કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જિત કરે છે. દરરોજ ચેટજીપીટી 250 કરોડ સવાલોના જવાબો આપે છે એટલે તે કેટલું પાણી અને વીજળી વાપરતું હશે તેની કલ્પના કરી શકાય છે.

જોકે કેટલાક નિષ્ણાતો AIને કારણે પર્યાવરણને હાનિને બદલે લાભ થશે તેવા મતના પણ છે. દુનિયાના એક અબજ લોકો જેનો ઉપયોગ કરે છે તે એક આઈફોન બનાવવા માટે AI કરતાં વધુ વીજળી વપરાય છે. જ્યારે AI તેના કરતાં વધુ લોકોના વપરાશમાં છે. એટલે AI વધુ લોકો સુધી પહોંચે છે અને વધુ પ્રાસંગિક પણ છે. ઓપનAIના CEO સૅમ ઓલ્ટમૅન કહે છે કે ચેટજીપીટી પાસેથી પ્રશ્નનો ઉત્તર મેળવવામાં એક ચમચી પાણીના પંદરમા ભાગ જેટલું જ પાણી વપરાય છે.

આ પણ વાંચો: ધોળું એટલું દૂધ નહીં: કેવો છે ઉજળા દૂધનો કાળો કારોબાર?

જોકે ‘મેકિંગ AI લેસ થસ્ટી’ અભ્યાસમાં કહેવાયું છે કે જીપીટી-3 મોડેલમાં એક જવાબ મેળવવા 2 થી 10 ચમચી પાણી વપરાય છે. વળી સવાલ અને જવાબ કેટલા લાંબા-ટૂંકા છે તેના પર પાણીના વપરાશનો આધાર છે. અન્ય ઉદ્યોગો જેટલું જ પાણી કૃત્રિમ બુદ્ધિમત્તા પણ વાપરે છે તેવી પણ દલીલ છે.

AIને કારણે સર્જાતી અસમાનતા પણ વિચારણીય મુદ્દો છે. AIનો વિસ્તાર, તેની અસર અને પહોંચે નવી અસમાનતા સર્જી છે. એક અંદાજ પ્રમાણે AI નિષ્ણાત કમ્પ્યૂટિંગ ક્ષમતાનો 90 ટકાથી વધુ હિસ્સો અમેરિકા અને ચીન એ બે દેશોમાં જ કેન્દ્રિત છે. વિશ્વના દોઢસો કરતાં વધુ દેશોમાં પર્યાપ્ત ઘરેલુ AIનો અભાવ છે. જે દેશોને AIનો સીધો કશો લાભ નથી તેના પર પર્યાવરણીય અસરો થાય છે. ડેટા સેન્ટરો ઘણા દુર્લભ જળ સંસાધનોનો ઉપભોગ કરે છે. ઠંડા પ્રદેશો કરતાં ગરમ પ્રદેશોના ડેટા સેન્ટરોમાં પાણીનો ઉપયોગ વધુ થાય છે.

વિશ્વના 45 ટકા ડેટા સેન્ટરો જ્યાં પાણીની ઉપલબ્ધતાનું જોખમ વધુ છે તેવા નદીના ખીણ પ્રદેશોમાં આવેલા છે જ્યારે દુકાળની શક્યતા ધરાવતા વિસ્તારોમાં 47 ટકા ડેટા સેન્ટરો આવેલા છે. AIનો લાભ વૈશ્વિક છે પરંતુ તેની પર્યાવરણીય અસરો વિશિષ્ટ ક્ષેત્રોમાં જ થતી જોવા મળે છે. AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો કચરો પણ અસમાનતા જન્માવે છે. 2030 સુધીમાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર 25 લાખ ટન કચરો ઉત્પન્ન કરશે તેનો મોટો બોજ આર્થિક રીતે નબળા દેશો પર પડશે.

આ પણ વાંચો: સરકારી શિક્ષણની દશા: ક્યાંક એક જ શિક્ષક, તો ક્યાંક શૂન્ય વિદ્યાર્થી!

જળ, જમીન અને પર્યાવરણ પર થનારી AIની પ્રતિકૂળ અસરો માટે અત્યારથી જ સાવચેત થવાની જરૂર છે. AIના વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણનું સંતુલન જરૂરી છે. ઓછી વીજળી અને ઓછા પાણીની જરૂર પડે તેવા ડેટા સેન્ટરો વિકસાવવા જોઈએ. વરસાદી પાણીનો સંગ્રહ, એક વાર વપરાયેલા પાણીનું શુદ્ધિકરણ કરી તેને ફરી ઉપયોગમાં લેવું અને અધિક કુશળ કૂલિંગ ટેકનિક બાબતે વિચાર કરવો રહ્યો. ડેટા સેન્ટરોમાં વપરાતા પાણી અને ઊર્જા અંગે પારદર્શી સરકારી નીતિ ઘડાવાની જોઈએ અને કંપનીઓને તેની વિગતો આપવાની ફરજ પાડવી જોઈએ.

AIનો વિવેકપૂર્વક અને સમજદારીભર્યો ઉપયોગ થાય અને બિનજરૂરી ઉપયોગ ન કરવા માટે લોકોએ પણ જાગ્રત થવાની જરૂર છે. કામની ગુણવત્તા અને દક્ષતામાં વૃદ્ધિની ખાતરી હોય તો જ AIનો ઉપયોગ કરવો જોઈએ. પૃથ્વી પરના મર્યાદિત સંસાધનોનો વિવેકસભર ઉપયોગ અને તેનું સંરક્ષણ થાય તથા માનવજીવન પણ વધુ ઉન્નત બને તો જ ડિજિટલ વિકાસ સાર્થક બન્યો કહેવાય.

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આ પણ વાંચો: દેશની જિલ્લા અદાલતોમાં SC-ST-OBCની સેંકડો અનામત બેઠકો ખાલી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x