દેશની જિલ્લા અદાલતોમાં SC-ST-OBCની સેંકડો અનામત બેઠકો ખાલી

દેશમાં મનુવાદી તત્વોએ ફરી એકવાર અનામત નાબૂદીના આંદોલન ચાલુ કર્યું છે ત્યારે SC-ST-OBCની અનામતને લઈને એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે.
SC-ST-OBC reserved seats vacant in district courts of the country
SC-ST-OBC reserved seats vacant in district courts of the country

દેશમાં ફરી એકવાર અમુક મનુવાદી તત્વો દ્વારા ‘અનામત હટાવો’ આંદોલનના નામે વંચિત સમાજના બંધારણીય અધિકારો પર પ્રહાર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે અત્યંત ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે. દેશના અલગ અલગ રાજ્યોમાં ‘જિલ્લા ન્યાયતંત્ર’ (District Judiciary) માં જ SC, ST અને OBC વર્ગ માટે અનામત રાખવામાં આવેલી જગ્યાઓ પૂરતા પ્રમાણમાં ભરાતી જ નથી. દેશમાં વંચિતોને તેમનો વાસ્તવિક હક મળી રહ્યો છે કે નહીં તે સમજવા માટે તાજેતરમાં સામે આવેલો આ રિપોર્ટ આંખ ઉઘાડનારો છે.

અનામત કોઈ ભીખ નહીં પરંતુ પ્રતિનિધિત્વનો બંધારણીય અધિકાર

ભારતના સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ બી.આર. ગવઈ સહિતના અગ્રણી કાનૂની નિષ્ણાતોએ પણ સ્વીકાર્યું છે કે ભારતીય ન્યાયતંત્રની વર્તમાન રચના દેશની સામાજિક-આર્થિક વાસ્તવિકતાનું સાચું પ્રતિનિધિત્વ કરતી નથી. દેશના કરોડો દલિત, આદિવાસી અને પછાત વર્ગના લોકો માટે ન્યાય મેળવવાનું પ્રથમ દ્વાર ‘ડિસ્ટ્રિક્ટ કોર્ટ’ છે. કલમ 233 હેઠળ રાજ્યો દ્વારા અનામત નીતિઓ લાગુ કરવાની સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતાં, ઉચ્ચ સ્તરે અનેક નીચલા સ્તરો પર વંચિતોની ભાગીદારીને અટકાવવામાં આવી રહી છે. બંધારણે આપેલી સામાજિક સમાનતાની ગેરંટી ત્યારે જ સાર્થક થાય જ્યારે દેશના સૌથી નીચલા સ્તર સુધી અનામતનો લાભ પહોંચે.

રાજ્યોમાં મોટો તફાવત: 12.47% થી લઈને 97.65% સુધીની વિષમતા

ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલા જવાબ મુજબ, દેશની જિલ્લા ન્યાયતંત્રમાં કાર્યરત કુલ જજોમાંથી SC, ST અને OBC વર્ગના જજોની સંખ્યા 45.76% છે. જોકે, અલગ-અલગ રાજ્યોના આંકડા તપાસીએ તો ચિત્ર અત્યંત ચિંતાજનક છે. મંત્રાલયના જવાબ મુજબ, ઝારખંડ જેવા રાજ્યમાં આ વર્ગોના જજોનું પ્રમાણ માત્ર 12.47% છે, જ્યારે તામિલનાડુમાં તે 97.65% જેટલું ઊંચું છે. અનામતના નિયમોમાં વિસંગતતા અને દાનતનો અભાવ જ આ વિષમતા માટે જવાબદાર છે. દિલ્હી જેવા રાજ્યોમાં જિલ્લા જજોની સીધી ભરતીમાં OBC અનામત આપવામાં આવતી નથી, તો અસમમાં જ્ઞાતિ આધારિત અનામત જ ગાયબ છે, જે બંધારણીય મૂલ્યો પર મોટો પ્રહાર છે.

આ પણ વાંચોઃ દેશની હાઈકોર્ટોમાં સામાજિક અસંતુલન: 80% જજો ‘ઉચ્ચ’ જ્ઞાતિના

RTI માં પર્દાફાશ: અનામત બેઠકો ભરવામાં તંત્રની ગોલમાલ

વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસીના ‘JALDI’ ઇનિશિયેટિવ દ્વારા પ્રકાશિત “ભારતની ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરીમાં અફરમેટીવ એક્શન એન્ડ રિપ્રેઝન્ટેશન” રિપોર્ટમાં RTI દ્વારા એકત્રિત આંકડાઓ સામે આવ્યા છે. વર્ષ 2018 થી 2024 વચ્ચે સિવિલ જજ (જ્યુનિયર ડિવિઝન) અને ડિસ્ટ્રિક્ટ જજોની ભરતીમાં મોટાભાગના રાજ્યોમાં SC, ST અને OBC વર્ગના ઉમેદવારો માટે અનામત જગ્યાઓ ખાલી હોવા છતાં ભરવામાં આવી નથી.

હિમાચલ પ્રદેશમાં 2018 થી 2024 દરમિયાન નિયુક્ત ઉમેદવારોમાં માત્ર 9% SC, 2% ST અને 11% OBC હતા, જ્યારે ફેબ્રુઆરી 2025 સુધીમાં ત્યાં આ વર્ગોના જજોનું પ્રમાણ ક્ષમતા કરતાં ઘણું ઓછું હતું. ઓડિશામાં પણ 2018 થી 2024 વચ્ચે થયેલી ભરતીઓમાં માત્ર 9% SC, 1% ST અને 18% OBC/SEBC ઉમેદવારોની જ નિયુક્તિ કરાઈ હતી. પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં પણ આ જ ભેદભાવપૂર્ણ સ્થિતિ જોવા મળી છે.

અનામતનું કડક અમલીકરણ જ ન્યાયતંત્રની નિષ્પક્ષતાની ચાવી

જે તત્વો આજે અનામત હટાવવાની વાતો કરે છે, તેમણે સમજવાની જરૂર છે કે અનામત એ ગરીબી હટાવો કાર્યક્રમ નથી પરંતુ હજારો વર્ષોથી શોષિત સમાજને શાસન અને ન્યાયતંત્રમાં ભાગીદારી આપવાનું સાધન છે. જો ન્યાયાધીશની ખુરશી પર તમામ સમાજના લોકો નહીં હોય, તો સામાજિક ન્યાયની આશા કઈ રીતે રાખી શકાય? રાજ્ય સરકારો અને હાઈકોર્ટે ત્વરિત ધોરણે તમામ આરક્ષિત ખાલી જગ્યાઓ (Backlog vacancies) ભરવા માટે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવી જોઈએ. ન્યાયતંત્રમાં સામાજિક વિવિધતા અને વંચિત સમાજનો મજબૂત અવાજ જ દેશની લોકશાહી અને ન્યાય વ્યવસ્થાની સ્વતંત્રતાને વધુ મજબૂત બનાવશે. અનામત નબળી કરવાનો કે તેને નાબૂદ કરવાનો કોઈપણ પ્રયાસ દેશના બંધારણના આત્મા પર હુમલો સમાન ગણાશે.

આ પણ વાંચોઃ 8 વર્ષમાં દેશની હાઈકોર્ટોમાં 847 જજો નિમાયા, તેમાં SC માત્ર 4 ટકા!

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
  • Add your answer
0
Would love your thoughts, please comment.x
()
x