સુપ્રીમ કોર્ટે ગટર સફાઈ દરમિયાન અંદર ઉતરવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી હોવા છતાં કોન્ટ્રાક્ટરો મજૂરોની મજબૂરીનો લાભ ઉઠાવીને તેમને ગટરમાં ઉતરવા માટે મજબૂર કરી રહ્યાં છે. આવી જ એક ઘટનામાં એક મજૂરનું મોત થઈ ગયું છે, જ્યારે બેની હાલત ગંભીર છે.
મામલો મધ્યપ્રદેશના સતના જિલ્લાનો છે. જ્યાં ગટરની સફાઈ દરમિયાન થયેલા અકસ્માતે ફરી એકવાર કોન્ટ્રાક્ટરોની બેદરકારીનો પર્દાફાશ કરી સફાઈ કામદારોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ગઈકાલે બપોરે, કોલગવાન પોલીસ સ્ટેશન વિસ્તારના કૃપાલપુર વિસ્તારમાં ત્રિવેણી પેલેસ નજીક ત્રણ સફાઈ કામદારો ઝેરી ગેસના સંપર્કમાં આવતા ભૂગર્ભ ગટર લાઇનમાં ઉતરી ગયા હતા. તેમાંથી એકનું મોત થયું હતું, જ્યારે બેની હાલત ગંભીર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એન. વિરાટ કંપની દ્વારા ગટર સફાઈનું કામ ચાલી રહ્યું હતું. ત્રણેય કામદારો કોઈપણ સલામતી સાધનો (ઓક્સિજન માસ્ક, સેફ્ટી બેલ્ટ અને અન્ય ઉપકરણો) વિના ઊંડા ચેમ્બરમાં ઉતર્યા હતા. તળિયે પહોંચતા ત્રણેય ઝેરી ગેસના સંપર્કમાં આવ્યા હતા, જેની એટલી વિનાશક અસર થઈ હતી કે ત્રણેય બેભાન થઈ ગયા હતા.
લાંબા સમય સુધી અંદર કોઈ હિલચાલ ન થતાં, બહાર ઉભેલા લોકોને ડર લાગ્યો કે અંદર કંઈક અજુગતુ થયું છે. એ પછી તેમણે હિંમત દાખવીને ત્યાંથી પસાર થતી એમ્બ્યુલન્સને રોકીને તેના ઓક્સિજન સિલિન્ડર અને દોરડાનો ઉપયોગ કરીને ત્રણેયને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ભીમ આર્મી ઉપાધ્યક્ષે ડ્રગ્સ વિરુદ્ધ અવાજ ઉઠાવતા મનુવાદીઓનો હુમલો
હોસ્પિટલમાં એક મજૂરનું મોત થયું
હોસ્પિટલમાં હાજર ડોકટરોએ સંત કુમાર ઉર્ફે અમિત કુશવાહાને મૃત જાહેર કર્યો હતો. સંત કુમાર તેના ઘરમાં એકમાત્ર કમાનાર ભાઈ હતો, તેની ત્રણ બહેનો અને માતાપિતા છે. ગટરમાં પ્રવેશેલા અન્ય બે કામદારો પણ ગંભીર સ્થિતિમાં છે અને જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે.
ત્રણ દિવસમાં બીજી મોટી ઘટના
આ અકસ્માત વધુ આઘાતજનક એટલા માટે પણ છે કારણ કે ત્રણ દિવસ પહેલા 22 સપ્ટેમ્બરના રોજ જિલ્લામાં આવી જ ઘટના બની હતી. ક્રિસ્તુકુલા સ્કૂલ પાસે પીસી સ્નેહિલ કંપનીના બે કર્મચારીઓ ગટર સાફ કરતી વખતે ઝેરી ગેસને કારણે બેભાન થઈ ગયા હતા.
એ દરમિયાન ઘટના સ્થળે પહોંચેલા એસડીએમ રાહુલ સિલાડિયા તેમને પોતાના વાહનમાં હોસ્પિટલ લઈ ગયા હતા અને બંને બચી ગયા હતા. એ ઘટના બાદ એવી આશા હતી કે કોન્ટ્રાક્ટર કંપનીઓ અને જવાબદાર અધિકારીઓ આવી ઘટનાઓ પ્રત્યે વધુ સતર્ક રહેશે, પરંતુ એવું કશું થયું નથી. ગુરુવારની ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે અધિકારીઓ નિયમો અને સલામતીના ધોરણોને અવગણી રહ્યા છે.
પીડિતના પરિવારને વળતર આપવા માંગ
મૃતકના પરિવારે સરકાર પાસેથી 50 લાખની આર્થિક સહાય અને મૃતકની પત્નીને નોકરીની માંગ કરી છે. તેમણે સલામતીના નિયમોને અવગણવા બદલ કંપની અને સંડોવાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. કોંગ્રેસના નેતાઓએ વહીવટીતંત્રની બેદરકારીને પણ દોષી ઠેરવી છે અને પરિવાર માટે નાણાકીય સહાય અને ગુનેગારો સામે FIR નોંધાવવાની માંગ કરી છે.
આ પણ વાંચો: SC/ST એક્ટના કેસમાં હવે આરોપીને આગોતરા જામીન નહીં મળે!
તંત્રે તપાસના આદેશ આપ્યા
SDM રાહુલ સિલાડિયાએ જણાવ્યું હતું કે ગટર સાફ કરતી વખતે એક કર્મચારીનું મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ ખરેખર શું બન્યું હતું તે કહી શકાશે. પરિવારને જે પણ મદદ થઈ શકશે તે પુરી પાડવામાં આવશે. હાલ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
કોન્ટ્રાક્ટર કંપની સવાલોના ઘેરામાં
વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે ગટર સફાઈના નામે કામદારોના જીવનને જોખમમાં મૂકવામાં આવી રહ્યું છે. ન સલામતી સાધનો પૂરા પાડવામાં આવે છે, ન તો સલામતી પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે. તંત્રે ભલે તપાસનું આશ્વાસન આપ્યું પરંતુ હકીકત એ છે કે, કોન્ટ્રાક્ટરોને ગરીબ મજૂરોના જીવનની કોઈ કિંમત નથી
આ પણ વાંચો: દલિત સગીરાએ બળાત્કાર બાદ બાળકને જન્મ આપ્યો, આરોપી ઝબ્બે












Users Today : 1737