AAP ધારાસભ્યના સાળાએ દલિત પરિવારોના ઘર સળગાવી દીધાં!

AAP ધારાસભ્યના સાળાએ બે દલિત પરિવારોના ઘરમાં ઘૂસી પેટ્રોલ છાંટીને ઘરને આગ લગાવી દીધી. 6 નામજોગ અને 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટનો ગુનો નોંધાયો.
dalit news

સત્તા કોઈપણ પક્ષની હોય પરંતુ જો તે જાતિવાદી તત્વોના હાથમાં હોય તો દલિતોને કાયમ સહન કરવાનું આવતું હોય છે. આવી જ એક ઘટના દલિતોની સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય પંજાબમાંથી સામે આવી છે. અહીંના તરન તારન જિલ્લાના વેનપુરી ગામમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યના સાળાએ બે દલિત પરિવારોના ઘરમાં ઘૂસી પેટ્રોલ છાંટીને સળગાવી દીધા હતા. આ મામલે સરપંચ અને તેના સાગરિતો સહિત 9 જેટલા લોકો સામે એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

આ ઘટનાની મળતી માહિતી મુજબ, ખદૂર સાહિબના આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય મનજિંદર સિંહ લાલપુરાના સાળા અને વેનપુરી ગામના સરપંચ બલદેવ સિંહ ગોરા પર બે દલિત પરિવારોના ઘરોમાં ઘૂસીને આગ લગાડવાનો ગંભીર આરોપ લાગ્યો છે. પોલીસે આ મામલે સરપંચ સહિત 6 જાણીતા અને 3 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ SC-ST એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: ગટરની સફાઈ કરતા માતાપિતાની દીકરીએ જજ બનીને ઈતિહાસ રચ્યો

મામલો શું હતો?

આ ઘટનાની પાછળનું મુખ્ય કારણ જૂની અદાવત હોવાનું કહેવાય છે. ફરિયાદ મુજબ, પીડિત મહિલા દલબીર કૌરના પુત્ર લવપ્રીત સિંહ અને સરપંચ બલદેવ સિંહ ગોરા વચ્ચે થોડા દિવસો પહેલા કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. જેની દાઝ રાખીને બલદેવસિંહ ગોરા બુધવારે મોડી સાંજે પોતાના સાગરિતો-સુખવિંદર સિંહ ઉર્ફે સુખા, ગુરબંસ સિંહ, જોબનજીત સિંહ, આલુ અને અન્ય અજાણ્યા શખ્સો સાથે દલબીર કૌરના ઘરે પહોંચ્યો હતો. આ ટોળું ઘાતક હથિયારો અને બોટલોમાં ભરેલા પેટ્રોલ સાથે સજ્જ હતું. ઘરમાં ઘૂસતાની સાથે જ તેમણે લવપ્રીત સિંહની શોધખોળ કરી, પરંતુ તે ઘરે હાજર નહોતો.

ઘરમાં આગ લગાવી આતંક મચાવ્યો

લવપ્રીત ઘરમાં ન મળતા ગુસ્સે ભરાયેલા સરપંચે બલદેવસિંહે તેના સાથીદારોને આદેશ આપ્યો કે ઘરનો સામાન સળગાવી દો. એ પછી હુમલાખોરોએ ઘરમાં પેટ્રોલ છાંટીને કપડાં, પથારી અને અન્ય કિંમતી સામાનને આગ ચાંપી દીધી હતી. આટલું જ નહીં, આ ટોળું ત્યાંથી નીકળીને અન્ય એક દલિત યુવક સુખદેવ સિંહ ઉર્ફે સોનુના ઘરે પહોંચ્યું હતું અને ત્યાં પણ એ જ રીતે પેટ્રોલ છાંટીને આગ લગાડી હતી.

ઘટનાની જાણ થતાં જ ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. પડોશીઓએ ભેગા મળીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો અને પોલીસને જાણ કરી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તરન તારનના એસપી સુખમનિન્દ્ર સિંહ, ડીએસપી અતુલ સોની અને એસએચઓ પ્રભજીત સિંહ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે પીડિતોના નિવેદનોના આધારે ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (SC-ST Act) અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ખદૂર સાહિબના એસડીએમ સંજીવ કુમાર શર્માએ પીડિત પરિવારોની મુલાકાત લીધી અને ખાતરી આપી કે સરકાર અને વહીવટી તંત્ર તેમની સાથે છે. ડેપ્યુટી કમિશનર રાહુલના નિર્દેશાનુસાર, પીડિતોના થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો: ગેસ પર બનેલી રોટલી ખાવાથી પુરુષોમાં દમ નથી રહ્યો’- દેવકીનંદનનો બફાટ

ઘર સળગાવ્યા પછી પણ આરોપીઓ ફરાર

આ ઘટનાએ રાજકીય વળાંક પણ લીધો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રામનજીત સિંહ સિક્કીએ પીડિત પરિવારોની મુલાકાત લીધી અને ‘આપ’ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સત્તાધારી પક્ષના નેતાઓ અને તેમના સંબંધીઓ બેફામ બન્યા છે. બીજી તરફ, સ્થાનિક દલિત સમાજમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે સત્તાના પ્રભાવ હેઠળ તપાસ નબળી ન પડવી જોઈએ અને તમામ આરોપીઓની વહેલી તકે ધરપકડ થવી જોઈએ. આ ઘટના સાબિત કરે છે કે, સત્તામાં આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પક્ષ, દલિતો પરના અત્યાચારોમાં કોઈ ફરક નથી પડતો.

આ પણ વાંચો: ‘તારા બાપનો રસ્તો છે?’ કહી દેવીપૂજકોએ દલિત યુવકો પર હુમલો કર્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x