Dalit News: ભારતમાં દલિતો માટે શાંતિથી જીવન જીવવું દિન પ્રતિદિન કપરું બનતું જઈ રહ્યું છે. યોગી-મોદી અને RSS ના જાતિવાદી રાજમાં દલિતો પર હુમલાઓ, અત્યાચારની ઘટનાઓ વધી છે. ભાજપ-RSSને હિંદુ રાષ્ટ્ર બનાવવું છે અને હિંદુ રાષ્ટ્રનો સીધો અર્થ મનુસ્મૃતિ આધારિત વર્ણવ્યવસ્થા થાય છે. અને વર્ણવ્યવસ્થામાં દલિતોને કોઈ સ્થાન નથી. આ એજન્ડા અને પેટર્નના આધારે ખાસ કરીને ભાજપસાશિત રાજ્યોમાં દલિતો પર અત્યાચારો વધી રહ્યાં હોય તેમ જણાય છે.
સવર્ણ જાતિના લુખ્ખા તત્વો કાયદાની પરવા કર્યા વિના દલિતો પર અત્યાચાર કરે છે, તેમ છતાં આરોપીઓને કડક સજા કરવામાં આવતી નથી. જેના કારણે અન્ય સવર્ણ ગુંડાઓની હિંમત ખૂલી જાય છે અને તેઓ દલિતો પર અત્યાચાર કરવા પ્રેરાય છે.
દલિત અત્યાચારની આવી જ એક ચોંકાવનારી ઘટના જાતિવાદ-મનુવાદી વિચારસરણીનો ગઢ ગણાતા યુપીમાંથી સામે આવી છે. જ્યાં એક દલિત મજૂરને તેની મજૂરીના પૈસા માંગવા બદલ એક જાતિવાદી શખ્સે માર મારી મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે.
આ પણ વાંચો: ગાય ખરીદીને પરત આવી રહેલા દલિત યુવકને ગૌરક્ષકોએ પતાવી દીધો!
ઉત્તરપ્રદેશના અમેઠીના ગ્રામ્ય વિસ્તારની ઘટના
મામલો કોંગ્રેસનો ગઢ ગણાતા અમેઠીનો છે. અહીંના ફુરસતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કેસરિયા સલેમપુર ગામમાં એક દલિત મજૂરને તેની મજૂરીના પૈસા માંગવા બદલ મોત મળ્યું હતું. જાતિવાદી શખ્સ શુભમસિંહે દલિત મજૂરને એટલો માર માર્યો હતો કે, તેને અમેઠી, રાયબરેલી અને લખનઉની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, તેમ છતાં ડોક્ટરો તેને બચાવી શક્યા નહોતા. આખરે 1 નવેમ્બરના રોજ તેનું મોત થઈ ગયું. આ ઘટના બાદ મૃતકના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પોલીસે આરોપીઓ સામે SC/ST એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે અને કાર્યવાહી શરૂ કરી છે.
મામલો શું હતો?
અમેઠી જિલ્લાના ફુરસતગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ચક દેહરામાઉ માજરા કેસરિયા સલેમપુર ગામના રહેવાસી રામપાલનો પુત્ર હૌસીલા પ્રસાદ (45) મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 26 ઓક્ટોબરના રોજ, ગામનો માથાભારે ગુંડો શુભમ સિંહ, સવારે લગભગ 4 વાગ્યે તેને તેના ટ્રેક્ટરમાં માટી ભરવા માટે પોતાની સાથે લઈ ગયો હતો.
દલિત મજૂરે પૈસા માંગતા નિર્દયતાથી માર માર્યો
આખો દિવસ કામ કર્યા પછી, જ્યારે હૌસીલાએ સાંજે તેની મજૂરીના પૈસા માંગ્યા, ત્યારે શુભમ સિંહે પૈસા આપવાનો ઇનકાર કર્યો. આરોપ છે કે શુભમ સિંહે કહ્યું, “ચાલ, હું તને દારૂ પીવડાવું છું.” પરંતુ જ્યારે હૌસીલા પૈસા માંગવા પર અડગ રહ્યો, ત્યારે શુભમસિંહે તેને લાતો, મુક્કા અને લાકડીઓથી માર મારવાનું શરૂ કર્યું હતું. માર એટલો ક્રૂર હતો કે હૌસિલાની કરોડરજ્જુ તૂટી ગઈ. ઘટનાસ્થળે હાજર અન્ય બે લોકોએ શુભમસિંહને હૌસિલાને માર મારતો અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ શુભમ સિંહ માન્યો નહોતો. માર માર્યા પછી, શુભમસિંહે ગંભીર રીતે ઘાયલ મજૂર હૌસિલાને તેના ઘરની બહાર ફેંકી દીધો અને ભાગી ગયો.
આ પણ વાંચો: દલિત વિદ્યાર્થી બ્રાહ્મણના ટિફિનને અડી જતા માર માર્યો
ત્રણ હોસ્પિટલોમાં સારવાર કરાવી છતાં જીવ ન બચ્યો
પરિવારના સભ્યોએ જણાવ્યું કે હૌસિલાને તાત્કાલિક ફુરસતગંજના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો, જ્યાંથી તેને રાયબરેલી રિફર કરવામાં આવ્યો. ત્યારબાદ તેને સારવાર માટે મુન્શીગંજ (અમેઠી) અને લખનૌની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યો, પરંતુ બંને જગ્યાએ ડોક્ટરોએ સારવારનો ઇનકાર કર્યો. અંતે, પરિવાર તેને ઘરે લાવ્યો, જ્યાં શનિવારે સવારે તેનું મોત થયું.
હૌસિલા પર આખા પરિવારની જવાબદારી હતી
મૃતકના ભાઈ અનિલ કુમારે જણાવ્યું કે હૌસિલા પર આખા પરિવારની જવાબદારી હતી. તેમને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે. મોટો પુત્ર કરણ 21 વર્ષનો છે, જ્યારે બીજી પુત્રી માધુરી 18 વર્ષની છે. તેની ત્રીજી પુત્રી મધુ 16 વર્ષની છે અને સૌથી નાની દીપિકા 14 વર્ષની છે. આખા પરિવારની જવાબદારી સંપૂર્ણપણે હૌસિલા સંભાળતો હતો. અનિલે આરોપ લગાવ્યો કે શુભમ સિંહે તેના ભાઈને મારી-મારીને મોતને ઘાટ ઉતારી દેતા, તેમનો પરિવાર આર્થિક સંકટમાં મુકાઈ ગયો છે. ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ, પંચનામું કરીને પોસ્ટમોર્ટમ પ્રક્રિયાઓ શરૂ કરી હતી.
આ પણ વાંચો: પાટણના લોદરામાં ગામલોકોએ ચાર યુવકોને બાંધીને વાળ કાપી નાખ્યા
પોલીસ અધિકારીએ શું કહ્યું?
આ મામલે તિલોઈ પોલીસ રેન્જના ઓફિસર દિનેશ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, મૃતકના પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેના આધારે 30 ઓક્ટોબરે ફુરસતગંજ પોલીસ સ્ટેશનમાં SC/ST એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. હવે, હૌસિલા પ્રસાદના મૃત્યુ બાદ, આ કેસમાં બીજી કલમો ઉમેરવામાં આવી છે.
ગામમાં આક્રોશ અને શોકનો માહોલ
વધુમાં, પોલીસે આરોપી શુભમ સિંહને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ કરીને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. પોલીસે વધુમાં જણાવ્યું કે પરિવારને ખાતરી આપવામાં આવી છે કે ન્યાય મેળવવામાં કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવવામાં આવશે નહીં. પોલીસે શુભમસિંહ સાથેના આરોપીની શોધ શરૂ કરી છે. હાલમાં, આ ઘટનાથી ગામમાં આક્રોશ અને શોક બંનેનો માહોલ છે. ગામલોકોનું કહેવું છે કે દલિતો સાથે આવી ઘટના બનવી ચિંતાનો વિષય છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
આ પણ વાંચો: પિતાવિહોણી દલિત દીકરીને માતાએ ખેતમજૂરી કરીને DSP બનાવી











Users Today : 36