દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં નગરપાલિકાના સત્તાધીશ પરિવાર દ્વારા એક મહિલા સફાઈ કર્મચારી સાથે ગેરવર્તણૂક, મારામારી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવાની ગંભીર ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ચકચારી મામલે ભોગ બનનાર મહિલા કર્મચારી મંજુબેન કારાભાઈ પીંગળ, જેઓ હાલ શક્તિનગર વિસ્તારમાં રહે છે અને વર્ષ 1997થી ખંભાળિયા નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે રોજમદાર તરીકે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે, તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદના આધારે નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણીના પતિ મોહિતભાઈ મોટાણી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સત્તાના જોરે એક ગરીબ અને દલિત મહિલા કર્મચારી પર કરવામાં આવેલા આ હુમલાને પગલે સફાઈ કામદાર આલમમાં અને દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

આ પણ વાંચો: બાંટવાના PSI ને એટ્રોસિટી હેઠળ સમન્સ, દલિત આધેડને લોકઅપમાં માર માર્યો હતો
મામલો શું હતો?
ઘટનાની વિગતવાર વિગતો મુજબ, ગત તારીખ 9 માર્ચ 2026ના રોજ જામખંભાળિયાની કલ્યાણ હોટલ ખાતે નગરપાલિકા દ્વારા એક અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલભાઈ ગરચર, પ્રમુખ રચનાબેન મોટાણી, હેડ ક્લાર્ક જીવણભાઈ કણજારિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર હતા. મંજુબેન પીંગળ લાંબા સમયથી તેમના પીએફ (PF), પગાર વધારો અને નોકરી કાયમી કરવા જેવા વણઉકેલ્યા પ્રશ્નો બાબતે રજૂઆતો કરી રહ્યા હતા, પરંતુ કોઈ નિરાકરણ આવતું નહોતું. આથી, તેઓ આ મીટિંગમાં પોતાની ન્યાયિક રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
મીટિંગમાં રજૂઆત દરમિયાન મંજુબેન પોતાના મોબાઈલ ફોનમાં વિડિયો રેકોર્ડિંગ કરી રહ્યા હતા જેથી તેમની રજૂઆતનો પુરાવો રહે. આ બાબત ત્યાં હાજર રહેલા પ્રમુખના પતિ મોહિતભાઈ મોટાણીને પસંદ આવી નહોતી. મોહિતભાઈએ અચાનક ઉશ્કેરાઈ જઈને મંજુબેન પાસે જઈ તેમનો મોબાઈલ ફોન ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો.
સફાઈકર્મી મહિલા સાથે પાલિકા પ્રમુખના પતિએ દાદાગીરી કરી
આ ખેંચતાણ અને ઝપાઝપી દરમિયાન મંજુબેનના ડાબા હાથના કાંડાના ભાગે મચકોડ અને ઈજાઓ પહોંચી હતી. એટલું જ નહીં, આરોપી મોહિત મોટાણીએ મહિલા અનુસૂચિત જાતિના હોવાનું સારી રીતે જાણતા હોવા છતાં, તેમને જાહેરમાં જાતિસૂચક અપશબ્દો કહીને ગાળો ભાંડી હતી. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મોહિતભાઈએ અત્યંત દાદાગીરી ભર્યા સ્વરે ધમકી આપતા કહ્યું હતું કે, “તારી હિંમત કેવી રીતે થઈ કે તું મારી પત્ની રચનાનો વિડિયો ઉતારે? તું અહીંથી નીકળી જા, હવે તું નોકરી કેવી રીતે કરે છે તે હું જોઉં છું. તારે જેની પાસે જવું હોય ત્યાં જઈને ફરિયાદ કરી દે, મારું કોઈ કંઈ બગાડી લેવાનું નથી.” આ ઘટના બાદ ગભરાયેલા મંજુબેન ત્યાંથી નીકળી ગયા હતા અને બાદમાં સરકારી હોસ્પિટલમાં સારવાર લીધા પછી હિંમત ભેગી કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જામખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચના મોટાણીના પતિ મોહિત મોટાણીએ એક દલિત સફાઈકર્મી મહિલા સાથે ચાલુ કાર્યક્રમમાં ઝપાઝપી કરતા એટ્રોસિટીનો ગુનો નોંધાયો. #SC_ST_Act #jamkhambhaliya_municipality #rachanamotani #mohitmotani pic.twitter.com/BMx1mD0WYG
— khabar Antar (@Khabarantar01) March 12, 2026
આ પણ વાંચો: દારૂ કૌભાંડમાં કેજરીવાલ-સિસોદિયા નિર્દોષ જાહેર, કોર્ટે CBIને ફટકાર લગાવી
એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ
ખંભાળિયા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી મોહિત મોટાણી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 115(2) (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી), 308(3) (ગેરકાયદેસર અટકાયત અથવા બળપ્રયોગ), 351(1) (ગુનાહિત ધમકી) તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ (એટ્રોસિટી એક્ટ) ની કલમ 3(1)આર, 3(1)એસ, 3(2)વી-એ મુજબ ગુનો નોંધ્યો છે. આ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને તપાસનો દોર નાયબ પોલીસ અધીક્ષક વિસ્મય પરેશભાઈ માનસેતાને સોંપવામાં આવ્યો છે.
ભાજપના નેતાઓનો જાતિવાદ ફરી સામે આવ્યો
એક તરફ સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે, ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના હોદ્દેદારના પતિ દ્વારા જ એક મહિલા કર્મચારી પર થયેલા આ હુમલાએ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. સફાઈ કામદારોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ મામલે નિષ્પક્ષ તપાસ કરી આરોપી સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. હાલમાં પોલીસ દ્વારા હોટલના સીસીટીવી ફૂટેજ અને અન્ય સાક્ષીઓના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: દલિત યુવકને ઘરેથી ઉઠાવી જઈ થાંભલા સાથે બાંધી બેલ્ટ-દંડાથી ફટકાર્યો











