Bageshwar Dham Accident: મધ્યપ્રદેશના છતરપુરમાં બાગેશ્વર ધામમાં દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓ સાથે એક મોટો અકસ્માત થયો છે. ધામ પાસે જ્યાં શ્રદ્ધાળુઓ રોકાયા હતા તે ઢાબાની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલા ભક્તનું મોત થયું છે, જ્યારે લગભગ 11 લોકો ઘાયલ થયા છે. એક અઠવાડિયામાં બાગેશ્વર ધામમાં આ બીજો મોટો અકસ્માત છે.
આ અકસ્માત આજે સવારે થયો હતો. કહેવાય છે કે, સવારે લગભગ 3.30 વાગ્યે ભારે વરસાદ સાથે વીજળી પડી હતી. જેના કારણે ઢાબાની દિવાલ ધરાશાયી થઈ હતી. તેની નીચે દટાઈ જવાથી યુપીના મિર્ઝાપુરી રહેવાસી 40 વર્ષીય અનિતા દેવી ખારવારનું મોત થયું હતું. જ્યારે અન્ય 11 લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
મહિલા ભક્તના મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે ધામમાં આવતા મોટાભાગના ભક્તો આ ધાબામાં રહેતા હતા. કેટલાક ભક્તો 7 જુલાઈના રોજ પણ અહીં આવીને રોકાયા હતા. પરંતુ આ અકસ્માત આજે 8 જુલાઈના રોજ સવારે થયો હતો.
આ પણ વાંચો: નસવાડીમાં રસ્તો ન હોવાથી સગર્ભાને ઝોળીમાં નાખી હોસ્પિટલ લઈ જવાઈ
એક જ અઠવાડિયામાં બીજો મોટો અકસ્માત
ઉલ્લેખનીય છે કે, ચિઠ્ઠી વાંચીને લોકોના ભવિષ્ય ભાખતા ધીરેન્દ્ર શાસ્ત્રીના બાગેશ્વર ધામમાં એક જ અઠવાડિયામાં આ બીજો મોટો અકસ્માત છે. આ પહેલા 3 જુલાઈના રોજ પણ અહીં શેડ તૂટી પડવાથી એક ભક્તનું મોત થયું હતું અને 8 લોકો ઘાયલ થયા હતા. ભક્તો ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મદિવસ ઉજવવા આવ્યા હતા. અહેવાલ મુજબ, વરસાદને કારણે ભક્તો ટીન શેડ નીચે ઉભા હતા એ દરમિયાન શેડ પડી ગયો હતો. જેમાં ઉત્તર પ્રદેશના રહેવાસી શ્યામલાલ કૌશલ (૫૦ વર્ષ)નું મોત નીપજ્યું હતું.
3 જુલાઈએ એક ભક્તનું મોત થયું હતું
એક ભક્તે જણાવ્યું કે શુક્રવાર એટલે કે ૪ જુલાઈએ ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મદિવસ હતો. જેના કારણે તેમનો પરિવાર ઉત્તર પ્રદેશથી બાગેશ્વર ધામ આવ્યો હતો. ૩ જુલાઈની સવારે બધા ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા આવ્યા હતા. આ દરમિયાન અકસ્માત થયો હતો. તેમણે જણાવ્યું કે ટીન શેડમાંથી નીકળતો લોખંડનો એંગલ મૃતકના માથામાં વાગ્યો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
અકસ્માતે ધીરેન્દ્ર શાસ્ત્રીની પોલ ખોલી નાખી
અહીં પાયાનો સવાલએ છે કે ચિઠ્ઠી વાંચીને લોકોનું ભવિષ્ય ભાખવાનો દાવો કરતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને તેમના જ ધામમાં એક અઠવાડિયામાં બે મોટા અકસ્માતમાં બે લોકોના મોત થશે અને 20થી વધુ લોકો ઘાયલ થશે તેની ભવિષ્યવાણી કેમ ન કરી? અને અકસ્માત અટકાવવા માટે ભક્તોને બાગેશ્વર ધામમાં ન આવવાની અપીલ કેમ ન કરી?
હકીકત તો એ છે કે આવી કોઈ જ સચોટ ભવિષ્યવાણી કોઈ કરી શકતું નથી. ભવિષ્યવાણી માત્ર કાગનું બેસવું અને ડાળનું ભાંગવું પ્રકારની હોય છે. તે લાગ્યું તો તીર નહીંતર તુક્કો જેવી હોય છે અને ભોળાં લોકો તેમાં ભોળવાઈને તેને ઈશ્વરી સંકેત માની બેસે છે. પણ વાસ્તવમાં તેવું કશું હોતું નથી. માટે આવા ધીરેન્દ્ર શાસ્ત્રી જેવા બાબાઓની ચુંગાલમાં લોકોએ ફસાવું ન જોઈએ અને ધાર્મિક મેળાવડાઓ, જ્યાં મોટી સંખ્યામાં ભીડ ભેગી થતી હોય તેનાથી દૂર રહેવું જોઈએ. તેમાં જ તમારી અને તમારા સલામતી રહેલી છે.
આ પણ વાંચો: બાગેશ્વર ધામમાં મોટો અકસ્માતઃ તંબુ તૂટી પડતા એક ભક્તનું મોત, 10 ઘાયલ












Users Today : 1333