ચેન્નાઈ: તમિલનાડુના રાજકારણમાં દલિતોના હિત માટે લડતી પાર્ટી વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK) અત્યારે કિંગમેકરની ભૂમિકામાં આવી ગઈ છે. રાજ્યમાં ચાલી રહેલા સત્તાના સસ્પેન્સનો અંત આજે સાંજ સુધીમાં આવી શકે છે. પીટીઆઈ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, અભિનેતા વિજયની પાર્ટી TVKને સરકાર બનાવવા માટે સમર્થન આપવું કે નહીં તે અંગે VCK આજે સાંજ સુધીમાં પોતાનું વલણ સ્પષ્ટ કરશે. તાજા સમાચાર મુજબ વીસીકેએ વિજયની પાર્ટીને સમર્થન આપી દીધું છે.
સત્તામાં ભાગીદારી અને પદની માંગ
VCK પાસે હાલમાં બે ધારાસભ્યો છે, જે વિજયને સત્તા સુધી પહોંચાડવા માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. આ જ કારણ છે કે VCK સરકારમાં મહત્વના હોદ્દાઓની માંગ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી સરકારમાં સન્માનજનક પદની ખાતરી નહીં મળે ત્યાં સુધી પાર્ટી સમર્થન અંગે જાહેરાત નહીં કરે તેવી ચર્ચા હતી. હવે સમર્થન જાહેર કરી દેવાયું છે ત્યારે ડીલ નક્કી ગણાઈ રહી છે. VCKની નજર ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી CM)ના પદ પર અથવા અન્ય કોઈ શક્તિશાળી મંત્રાલય પર છે. આ મુદ્દે VCK અને TVK વચ્ચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક પણ યોજાઈ ચૂકી છે.

આ પણ વાંચો: શું ધર્મ બદલવાથી જાતિ બદલાય? પાદરી બનેલી વ્યક્તિને સુપ્રીમ કોર્ટનો આંચકો
તિરુચિરાપલ્લી બેઠક પર દાવેદારી
રાજકીય ચર્ચાઓ મુજબ, VCK તિરુચિરાપલ્લી પૂર્વ વિધાનસભા બેઠક પર પોતાનો ઉમેદવાર ઉતારવા માંગે છે. હાલમાં આ બેઠક પરથી વિજય ચૂંટણી જીત્યા છે, પરંતુ તેઓ ચેન્નાઈની પેરમ્બૂર બેઠક પોતાની પાસે રાખે તેવી શક્યતા છે. જો વિજય તિરુચિરાપલ્લી બેઠક છોડે, તો VCK ત્યાંથી પોતાના પ્રમુખ થોલ થિરુમાવલવનને મેદાનમાં ઉતારવા ઈચ્છે છે. શુક્રવારે સાંજે મળેલી ડિજિટલ બેઠકમાં સત્તામાં હિસ્સેદારી અંગે વિગતવાર ચર્ચા થઈ હતી, જેમાં થોલ થિરુમાવલવન માટે ડેપ્યુટી CM પદ અને અન્ય ધારાસભ્યો માટે કેબિનેટ મંત્રી પદની માંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: માણાવદરમાં રૂ. 39 કરોડના ભ્રષ્ટાચાર મુદ્દે દલિતોએ કલેક્ટરને રજૂઆત કરી
VCKનો દલિત રાજનીતિનો ઈતિહાસ
વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK) ના પ્રમુખ થોલ થિરુમાવલવન છે. આ પાર્ટીની સ્થાપના 1982માં એમ. મલાલચમીના નેતૃત્વમાં કેટલાક દલિતો દ્વારા કરવામાં આવી હતી. પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય જાતિ આધારિત ભેદભાવને મિટાવવાનો અને સામાજિક આંદોલન દ્વારા પછાત વર્ગોને ન્યાય અપાવવાનો રહ્યો છે.

અત્યાર સુધી સામાજિક મોરચે લડતી આ દલિત પાર્ટી હવે તમિલનાડુના સત્તાકીય સમીકરણોમાં સૌથી મોટું પત્તું બનીને ઉભરી છે. જો તેમની માંગણીઓ સ્વીકારવામાં આવશે, તો તમિલનાડુમાં પહેલીવાર કોઈ દલિત પાર્ટી સરકારમાં આટલી મજબૂત ભાગીદારી નોંધાવશે.
આ પણ વાંચો: શિક્ષકે દલિત વિદ્યાર્થીને માર મારીને લોહીલુહાણ કરી નાખ્યો











