અમદાવાદના બગોદરામાં દેવીપૂજક સમાજના એક પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતકોમાં પતિ-પત્ની અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. મૃતકોમાં વિપુલ વાઘેલા, તેમની પત્ની સોનલ વાઘેલા, 11 વર્ષની દીકરી સિમરન, 8 વર્ષના દીકરા મયૂર અને 5 વર્ષની દીકરી પ્રિન્સીનો સમાવેશ થાય છે. આ પરિવાર મૂળ ધોળકાના દેવીપૂજક વાસ, બોરકોઠાનો વતની હતો અને બગોદરામાં ભાડાના ઘરમાં રહેતો હતો. મૃતક વિપુલ વાઘેલા રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જોકે, પરિવારે આપઘાત કેમ કર્યો તે વિશે હજુ સુધી કોઈ નક્કર માહિતી સામે નથી આવી.
મધરાતે ઘટના બની
આ ઘટના તારીખ 20 જુલાઈના રોજ રાત્રે 1:30 વાગ્યા પહેલાના કોઈ સમયે બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પાંચેય સભ્યએ રાત્રિના સમયે ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને ત્યાર પછી ક્યારેય ઉઠ્યા જ નહીં. એક જ પરિવારના પાંચ સભ્યના આ સામૂહિક આપઘાતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આ પણ વાંચો: ‘લાંબા વાળ કેમ રાખ્યા છે?’ કહી 3 શખ્સોએ દલિત યુવકને માર્યો
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતા જ બગોદરા પોલીસ અને તેમજ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ સિવાય અમદાવાદ ગ્રામ્ય SOG, LCB, FSL અને ધંધુકા ASP પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ, તમામ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આપઘાત પાછળનું કારણ અકબંધ
પોલીસે સમગ્ર ઘટના વિશે તપાસ કરવા માટે ઘરમાં શોધખોળ હાથ ધરી છે. જોકે, હજુ સુધી કોઈ સ્યુસાઇડ નોટ સામે આવી નથી. આ સિવાય પોલીસ આસપાસના લોકોના નિવેદનો પણ નોંધી રહી છે. જોકે, પરિવારે આ પગલું કેમ લીધું તે વિશે હજું સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી
આ પણ વાંચો: નેતાઓ માટે રસ્તો ખોલ્યો, પણ માતાનો મૃતદેહ લઈ પુત્રે 1 કિમી ચાલવું પડ્યું











Users Today : 1746