‘એ રાત્રે મને ઉંઘ ન આવી, 10 ની નોટ પર છંટાયેલું પાણી તરવરતું રહ્યું’

આભડછેટનો અનુભવઃ અમદાવાદના આધુનિક વાતાવરણમાં ઉછરેલી એક દલિત શિક્ષિકાને જ્યારે નળકાંઠાના અંતરિયાળ ગામમાં જાતિવાદનો પહેલો અનુભવ થયો.
experience of untouchability

આભડછેટનો અનુભવઃ નળકાંઠાનું છેવાડાનું ગામ એટલે મેટાલ. કુદરતી રીતે કદાચ આ વિસ્તાર રળિયામણો હશે, પણ સામાજિક રીતે અહીં હજુ મધ્યયુગીન અંધકાર છવાયેલો હતો. એક શિક્ષિકા તરીકે જ્યારે મારી પહેલી નિમણૂક અહીં થઈ, ત્યારે મારા મનમાં અનેક અરમાનો હતા. મને લાગતું હતું કે હું બાળકોને અક્ષરજ્ઞાન આપીશ, તેમને દુનિયાના રસ્તા સમજાવીશ, પણ મને ક્યાં ખબર હતી કે મારે પોતે જ જાતિવાદના એક એવા રસ્તા પર ચાલવાનું હતું, જ્યાં ડગલે ને પગલે અપમાનની અડચણો હતી.

અનુસૂચિત જાતિના હોવાને કારણે મને ગામની અંદર કોઈએ મકાન ભાડે ન આપ્યું. અંતે ગામના છેવાડે, એક ઊંચા ટેકરા પર પશુઓ માટે ડાંગરના પુરિયા (ઘાસ) ભરવામાં વપરાતો હોય એવો એક જૂનો અને જર્જરિત ઓરડો મને રહેવા માટે મળ્યો. એ ઓરડામાં પશુઓના ઘાસની ગંધ આવતી હતી, પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. હું, મારા વૃદ્ધ સાસુ અને મારો માત્ર ચાર મહિનાનો માસૂમ દીકરો – અમે ત્રણેય એ ‘ઘાસઘર’ માં અમારો સંસાર માંડીને બેઠા. એક બાજુ ગામના બાળકોને ઉજ્જવળ ભવિષ્યના સપના જોતા શીખવતી શિક્ષિકા અને બીજી બાજુ સમાજ દ્વારા ત્યજી દેવાયેલી એક અસ્પૃશ્ય સ્ત્રી – આ બે વ્યક્તિત્વ વચ્ચે હું ઝૂલતી હતી

આ પણ વાંચો: ટોઈલેટ સાફ કરતો છોકરો કેવી રીતે દુનિયાનો ‘સેમિકન્ડક્ટર કિંગ’ બન્યો?

એક દિવસની વાત છે, બપોરનો સમય હતો અને અચાનક મારા દીકરાની તબિયત લથડી. તેનું નાનકડું શરીર તાવના કારણે ભઠ્ઠીની જેમ તપવા લાગ્યું. અમદાવાદમાં રહેતા મારા પતિને આ બાબતે ત્વરિત જાણ કરવી અનિવાર્ય હતી. એ જમાનામાં મોબાઈલની સુવિધા તો કલ્પના બહારની હતી. આખા ગામમાં તપાસ કરી તો ખબર પડી કે માત્ર એક જ ઘર એવું હતું જ્યાં લેન્ડલાઈન ફોનની સગવડ હતી. ચિંતાથી વ્યાકુળ થઈને મેં અમારા પાડોશમાં રહેતા બાબુભાઈને વિનંતી કરી, “બાબુભાઈ, મારા દીકરાની હાલત ગંભીર છે, ફોન કરવા માટે મારી સાથે ગામમાં જેમના ઘરે ફોન છે ત્યાં આવો ને!”

બાબુભાઈ ગામની રીતભાતથી પરિચિત હતા, તેમણે હા પાડી અને અમે બંને એ કોળી પટેલના ઘરે પહોંચ્યા. હું અમદાવાદના મુક્ત વાતાવરણમાં ઉછરેલી હોવાથી ‘આભડછેટ’ શબ્દ મારા માટે વ્યવહારુ જીવનનો નહીં પરંતુ પુસ્તકનો વિષય હતો. અમે જે ઘરે પહોંચ્યા ત્યાં આંગણામાં એક ડોશીમા ખાટલો ઢાળીને બેઠા હતા. ઘરની ઓસરીમાં ચમકતા કોટા સ્ટોન પાથરેલા હતા. અંદરની દીવાલના ગોખલામાં કાળો લેન્ડલાઈન ફોન મુકેલો હતો. જેવો ફોન જોયો કે પુત્રની ચિંતામાં હું બધું જ ભૂલી ગઈ. મેં માજીને પૂછ્યું, “અમારે ફોન કરવો છે,” અને તેમણે હકારમાં માથું ધુણાવ્યું.

આ પણ વાંચો: માતા રમાબાઈ આંબેડકર: ત્યાગ, સમર્પણ અને સામાજિક ક્રાંતિની મૌન યોદ્ધા

હું ઉતાવળા પગલે ઓસરીના પગથિયાં ચડી ગઈ અને સીધી ફોન તરફ આગળ વધી. મારો આ ગુનો અક્ષમ્ય હતો! જેવી હું ઓસરી પર ચડી, પેલા ડોશીમા જાણે સાક્ષાત કાળીનું સ્વરૂપ ધારણ કરીને ત્રાડ પાડવા લાગ્યા. તેઓ દૂર હોવાથી અને તેમની બોલી ગામઠી હોવાથી મને શરૂઆતમાં સમજાયું નહીં કે તેઓ આટલા ગુસ્સામાં કેમ છે, પણ બાબુભાઈના ચહેરા પરનો ફફડાટ જોઈને હું થંભી ગઈ. બાબુભાઈએ અત્યંત વિનમ્રતા અને ડર સાથે કહ્યું, “બેન, નીચે ઉતરી જાવ! ઉતરો જલ્દી, અહીં નીચે ઉભા રહો.”

હું સ્તબ્ધ થઈ ગઈ. એક ક્ષણ પહેલાં જે ઓસરી પથ્થરની બનેલી લાગતી હતી, તે હવે સામાજિક ભેદભાવની ખાઈ જેવી લાગવા માંડી. હું ચૂપચાપ નીચે ઉતરી ગઈ. બાબુભાઈએ ધીમા અવાજે સમજાવ્યું, “બેન, આ લોકો આપણાથી અભડાય છે. આપણે એમના ઉંબરે કે ઓસરીએ પગ ન મૂકી શકીએ.” આ સાંભળીને મારા શિક્ષિત મન પર જાણે કોઈએ જોરદાર પ્રહાર કર્યો હોય તેવો આઘાત લાગ્યો. જે સમાજને હું સુધારવા આવી હતી, તે સમાજ મને અસ્પૃશ્ય ગણીને ધિક્કારતો હતો.

થોડીવારમાં ઘરની અંદરથી એક બહેન બહાર આવ્યા. તેમણે ફોન ઉપાડીને ઓસરીના છેડા પર મૂક્યો જેથી મારે અંદર ન જવું પડે. મેં કાંપતા હાથે નંબર ડાયલ કર્યો અને મારા પતિ સાથે વાત કરી. વાત પત્યા પછી મેં ફોન ત્યાં જ મૂકી દીધો. મારે તેમને ફોન કરવાના પૈસા આપવાના હતા. મેં મારી પર્સમાંથી દસ રૂપિયાની નોટ કાઢીને પેલા બહેન તરફ લંબાવી. પણ તેમણે હાથ લંબાવવાને બદલે કરડા અવાજે કહ્યું, “નોટ નીચે ઓસરી પર મૂકી દો.”

આ પણ વાંચો: ‘આજે પણ રામજી મંદિર તરફ જવાનું થાય ત્યારે એ ઘટના યાદ આવે છે’

મેં અપમાનનો કડવો ઘૂંટડો ગળીને નોટ ઓસરી પર મૂકી. હવે મને સમજાઈ રહ્યું હતું કે પેલા ડોશીમા મને જે ગાળો દેતા હતા તે મારા ‘અસ્પૃશ્ય’ હોવા બદલ હતી. હું ત્યાંથી પાછી વળવાની જ હતી કે અચાનક પેલા બહેન પાણીનો લોટો ભરીને આવ્યા. મારા જોતા જ તેમણે એ દસ રૂપિયાની નોટ પર અને પેલા લેન્ડલાઈન ફોન પર પાણીનો છંટકાવ કર્યો. જાણે મારા અડવાથી એ નિર્જીવ વસ્તુઓ પણ અપવિત્ર થઈ ગઈ હોય! એ ‘શુદ્ધિ’ કર્યા પછી જ તેમણે પૈસા ઉપાડ્યા અને ફોન પાછો ગોખલામાં મૂક્યો.

પરત ફરતી વખતે રસ્તો જાણે લાંબો થઈ ગયો હતો. બાબુભાઈએ મને કહ્યું, “બેન, આપણે ગામમાં કોઈના ઘરે જઈ શકીએ નહીં, અને જઈએ તો ઘરની બહાર નીચે જ બેસવું પડે.” હું વિચારવા લાગી કે જો હું એક સરકારી શિક્ષિકા થઈને, સમાજને જ્ઞાનનો પ્રકાશ આપતી હોવા છતાં આમના માટે આટલી નિમ્ન ગણાતી હોઉં, તો આ ગામના ગરીબ અને અભણ દલિતોનું જીવન કેવું ભયાનક હશે? એ રાત્રે મને ઊંઘ ન આવી. એ દસ રૂપિયાની ભીની નોટ અને ફોન પર છંટાયેલું એ પાણી મારી નજર સામે તરવરતું રહ્યું.

ચંદનબેન જી સોલંકી ‘મહેક’ (મુઃ રાસમ, તા. બાવળા, જિ. અમદાવાદ-382210)

આ પણ વાંચો: ઉઠાવો કલમ! અને લખો તમારો ‘આભડછેટનો અનુભવ’

4 5 votes
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Natubhai Parmar
Natubhai Parmar
1 month ago

આ સિરિઝમાં એક હજારથી વધુ વિતકકથાઓ આવે તો નવાઈ નહીં. આ દેશ નાતજાતના ભેદભાવની ઊંડી ખીણમાં ફસડાઈ પડેલો છે. ધર્માંધતાના કેફમાંથી એને બહાર કાઢનાર કોઈ નથી. ‘ખબરઅંતર.કોમ’ની આ સેવા સમયસરની છે અને તે અવિસ્મરણીય બની રહેવાની છે.

PMPARMAR
PMPARMAR
24 days ago

અમને તો આવા અસંખ્ય અનુભવો થયેલા છે

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
2
0
Would love your thoughts, please comment.x
()
x