દેશમાં આરોગ્ય સુવિધાઓનું સ્તર સતત કથળતું થઈ રહ્યું છે. એકબાજુ નિષ્ણાત ડોક્ટરોની અછત છે, બીજી બાજુ નકલી ડોક્ટરોની ભરમાર છે. જેના કારણે લોકો આસાનાથી લેભાગુ તત્વોનો શિકાર બની જાય છે. આવી જ એક ઘટનામાં એક પ્રસૂતાનું મોત થઈ ગયું, કહેવાય છે કે, ડોક્ટરે યુટ્યુબમાં જોઈને ઓપરેશન કર્યું હતું.
મામલો બિહારના ભાગલપુરનો છે, જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. જિલ્લાના કહલગાંવ તાલુકાના એકચારી પંચાયતમાં શ્રીમઠ સ્થાન નજીક એક ઝોળાછાપ ડોક્ટરે યુટ્યુબ વીડિયો જોઈને ગર્ભવતી મહિલાનું ઓપરેશન કર્યું હતું, ઓપરેશન દરમિયાન મહિલાનું મૃત્યુ થયું, જોકે નવજાત બાળકને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યું છે. ઘટના બાદ, ગુસ્સે ભરાયેલા પરિવારના સભ્યો અને ગ્રામજનોએ મૃતદેહને ડોક્ટરના ક્લિનિકની બહાર મૂકીને હોબાળો મચાવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.
મૃતક મહિલાની ઓળખ સ્વાતિ દેવી તરીકે થઈ છે. તેના સાસરિયા ઝારખંડના ઠાકુરગંતી મોઢિયામાં રહે છે. મૃતકના પતિ રોશન સાહ મજૂરી કામ કરે છે. ગર્ભવતી થયા પછી મહિલા રસુલપુરમાં તેના માતાપિતાના ઘરે રહેતી હતી, જ્યાં તેની માતા સુષ્મા દેવી તેની સંભાળ રાખતી હતી. તે શ્રીમઠ સ્થાન નજીક એક ઝોળાછાપ ડૉક્ટરના ક્લિનિકમાં સારવાર લઈ રહી હતી.
આ પણ વાંચો: રાજકોટની દલિત યુવતી પર દુષ્કર્મ આચરી યુવકે 28 લાખ પડાવ્યા
ડૉક્ટરે યુટ્યુબ વીડિયો જોઈને ઓપરેશન કર્યું
ગુરુવારે રાત્રે સ્વાતિ દેવીને અચાનક પ્રસૂતિની પીડા ઉપડી હતી. તેનો પરિવારે તેને તાત્કાલિક તે જ ક્લિનિકમાં લઈને પહોંચ્યો હતો, જ્યાં તેની તપાસ કરાઈ હતી. તપાસ કર્યા પછી ડૉક્ટરે તેના સહાયક સાથે મળીને ઓપરેશન કરવું પડશે તેમ કહ્યું હતું. પરિવારની સંમતિ મેળવ્યા પછી, ડૉક્ટરે યુટ્યુબ વીડિયો જોઈને પ્રક્રિયા સમજી અને કોઈપણ જરૂરી તબીબી સહાય વિના ઓપરેશન શરૂ કર્યું.
ઓપરેશન દરમિયાન મહિલાનું મૃત્યુ થયું
એવું જણાવવામાં આવ્યું છે કે ઓપરેશન દરમિયાન, ડૉક્ટર અને તેમના સહાયકે વારંવાર તેમના મોબાઇલ ફોન પર વીડિયો જોયો. દરમિયાન, મહિલાને વધુ પડતો રક્તસ્ત્રાવ થયો અને તેનું ઓપરેશન ટેબલ પર મૃત્યુ થયું. જોકે, નવજાત બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ ડૉક્ટર અને તેના સહાયકે એમ કહીને હાથ ખંખેરી લીધા કે, દર્દીની સ્થિતિ સારી નથી અને તેને બીજા ડૉક્ટર પાસે લઈ જવી જોઈએ. આ સાથે, તેઓ ક્લિનિક બંધ કરીને ઘટનાસ્થળેથી ભાગી ગયા. મૃતકના પિતાનું પણ લગભગ 15 વર્ષ પહેલાં બીમારીથી અવસાન થયું હતું. આ દુર્ઘટનાથી પરિવાર ખૂબ જ દુઃખી છે.
આ પણ વાંચો: RSS શા માટે રાષ્ટ્રધ્વજનો વિરોધ કરે છે?
ક્લિનિકમાં અનેક ઘટનાઓ બની છે.
શ્રીમઠ સ્થાન પાસે આવેલા આમોદ સાહના ઘરમાં આ ક્લિનિક વર્ષોથી કાર્યરત છે. સ્થાનિકોનું કહેવું છે કે ત્યાં પહેલા પણ ઘણી ઘટનાઓ અને હોબાળો થઈ ચૂક્યા છે, પરંતુ દરેક વખતે આ મામલો દબાવી દેવામાં આવ્યો છે, જેના કારણે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. અગાઉ, ત્યાં બીજા ડૉક્ટર રહેતા હતા, પરંતુ છેલ્લા બે વર્ષથી, રસુલપુરના રહેવાસી રણજીત મંડલ એક મહિલા અને એક પુરુષ સહાયક સાથે ક્લિનિક ચલાવી રહ્યા છે.
ક્લિનિકનું સરનામું એક આશા કાર્યકર દ્વારા આપવામાં આવ્યું હતું
મૃતકની દાદી સંજુ દેવીએ આરોપ લગાવ્યો હતો કે ક્લિનિકનું સરનામું ગામની આશા કાર્યકર દ્વારા આપવામાં આવ્યું હતું, જે તેની પૌત્રીને ત્યાં લાવ્યા હતા. તેમણે કહ્યું કે સારવાર શરૂ કરતા પહેલા, ડૉક્ટરે 30,000 રૂપિયાની માંગણી કરી હતી અને કહ્યું હતું કે તે રકમ માટે ઓપરેશન કરવામાં આવશે. સંમત થયા પછી, ઓપરેશન શરૂ થયું. લગભગ બે કલાક પછી, ડૉક્ટરે કહ્યું, “દર્દીની હાલત બગડી રહી છે. તેને લઈ જાઓ,” જ્યારે ત્યાં સુધીમાં તેની પૌત્રીનું મૃત્યુ થઈ ગયું હતું.
ડૉક્ટરે અગાઉ પણ યુટ્યુબમાં જોઈને દર્દીઓની સારવાર કરી છે
સ્થાનિક રહેવાસી રાજેશ કુમારે કહ્યું કે આ પહેલી ઘટના નથી. તેમણે અગાઉ યુટ્યુબ જોઈને સારવાર કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે ગઈકાલે રાત્રે બીજી ગર્ભવતી મહિલા પર પણ યુટ્યુબ વીડિયો જોઈને આવું જ મોટું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે તેનું મૃત્યુ થયું હતું. તેમણે દોષિત ડૉક્ટર અને ગેરકાયદેસર રીતે કાર્યરત ક્લિનિક સામે કડક કાર્યવાહીની માંગ કરી. દરમિયાન, બ્લોક મેડિકલ ઓફિસર પવન કુમારે જણાવ્યું હતું કે તેમને ઘટનાની જાણ કરવામાં આવી છે અને તેઓ આ મામલાની તપાસ કરશે અને આગળની કાર્યવાહી કરશે.
આ પણ વાંચો: વઘઈના ડોકપાતળમાં 135 આદિવાસી બાળકો ઝાડ નીચે ભણે છે










