ગાંધીનગર/વાવ-થરાદ: ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ મહિનાથી બૌદ્ધ અનુયાયીઓ દ્વારા બુદ્ધ પૂર્ણિમાને કાયમી જાહેર રજા તરીકે માન્યતા આપવા માટે એક વિશાળ અને સંગઠિત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ જન આંદોલનના ભાગરૂપે, વાવ-થરાદ જિલ્લાના મુખ્ય બૌદ્ધ પ્રતિનિધિઓએ ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળના વિવિધ મંત્રીઓની મુલાકાત લઈને આ માગણીને મજબૂત રીતે રજૂ કરી હતી.
રાજ્ય સરકારના 5 મંત્રીઓની મુલાકાત લઈ રજૂઆત કરાઈ
મંત્રીશ્રીઓ સાથેની મુલાકાત અને ચર્ચા આ પ્રતિનિધિ મંડળમાં આયુષ્માન સિંહલ કાન્તિજી, આયુષ્માન પારસજી રાઠોડ અને આયુષ્માન ધેંગાજી બોચિયાનો સમાવેશ થયો હતો. તેમણે રાજ્ય સરકારના 5 મહત્વના મંત્રીશ્રીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. જેમાં જયરામભાઈ ગામીત: મંત્રી, રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પ્રવિણભાઈ માળી: મંત્રી, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વાહનવ્યવહાર. અર્જુનભાઈ મોઢવાડીયા: મંત્રી, વન અને પર્યાવરણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી. ઋષિકેશભાઈ પટેલ: મંત્રી, ઉર્જા, પંચાયત અને સંસદીય બાબતો અને કૌશિકભાઈ વેકરીયા: મંત્રી કાયદો અને ન્યાય વિભાગનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: કેવી રીતે મનુવાદીઓએ Buddha અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું?
તમામ મંત્રીશ્રીઓએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો
આ તમામ મંત્રીશ્રીઓએ પ્રતિનિધિઓની વાતને ખૂબ જ ગંભીરતાથી સાંભળી હતી. મંત્રીશ્રીઓએ ખાતરી આપી હતી કે બુદ્ધ પૂર્ણિમાની રજા એ કરોડો લોકોની આસ્થાનો વિષય છે, અને તેઓ આ બાબતને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચોક્કસપણે રજૂ કરશે. મંત્રીશ્રીઓ તરફથી મળેલા આ હકારાત્મક પ્રતિસાદથી સમગ્ર ગુજરાતના બૌદ્ધ સમુદાયમાં નવી આશાનો સંચાર થયો છે.

બુદ્ધ પૂર્ણિમાનું ધાર્મિક અને સામાજિક મહત્વ
બૌદ્ધ ધર્મમાં બુદ્ધ પૂર્ણિમા (વૈશાખી પૂર્ણિમા) એ વર્ષનો સૌથી પવિત્ર દિવસ ગણાય છે. આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ, બોધિજ્ઞાનની પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ—એમ ત્રણેય મહાન ઘટનાઓ બની હતી. વિશ્વશાંતિ, અહિંસા અને કરુણાના પ્રણેતા એવા તથાગત બુદ્ધના વિચારો આજે પણ વિશ્વ માટે પ્રસ્તુત છે. ભારત જેવા બૌદ્ધ ધર્મના જન્મસ્થાનમાં આ દિવસને માન્યતા મળે તે સાંસ્કૃતિક દ્રષ્ટિએ અનિવાર્ય છે.
આ પણ વાંચો: અમદાવાદના રાણીપમાં 43 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો
અભિયાનની જરૂરિયાત કેમ પડી?
બૌદ્ધ પ્રતિનિધિઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અન્ય તહેવારોની જેમ બુદ્ધ પૂર્ણિમાના દિવસે રજા હોવી એ બૌદ્ધ અનુયાયીઓના બંધારણીય અને ધાર્મિક અધિકારોનું સન્માન છે. છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલું આ અભિયાન હવે લોકચળવળમાં પરિવર્તિત થઈ રહ્યું છે. વાવ અને થરાદ જેવા સરહદી વિસ્તારોમાંથી આવેલી આ પહેલ એ દર્શાવે છે કે છેવાડાના માનવી સુધી બૌદ્ધ વિચારધારા અને જાગૃતિ પહોંચી છે.
આગામી બુદ્ધ પૂર્ણિમાએ જાહેર રજા અપાશે?
રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા જે રીતે આ પ્રતિનિધિ મંડળનું સન્માન કરી તેમની વાતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, તેનાથી એવું પ્રતીત થાય છે કે સરકાર બૌદ્ધ અનુયાયીઓની આ માગણી પ્રત્યે સંવેદનશીલ છે. આગામી સમયમાં જો બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવામાં આવે, તો તે ગુજરાતના ઇતિહાસમાં બૌદ્ધ સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે એક ઐતિહાસિક પગલું ગણાશે.
આ પણ વાંચો: બુદ્ધના અસ્થિ અવશેષોને CM એ ગાર્ડ ઓફ ઓનર આપી શ્રીલંકા મોકલ્યા














