કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા (CBCI) ના પ્રમુખ આર્કબિશપ એન્ડ્રુઝ થાઝાથે ખ્રિસ્તી સમાજની સલામતી સુનિશ્ચિત કરવા અપીલ કરી. એન્ડ્રુઝે નાતાલના દિવસે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓને આ અપીલ કરી. તેમણે દેશભરમાં ખ્રિસ્તીઓ પર વધી રહેલા હુમલાઓ પર ઊંડી ચિંતા અને વ્યથા વ્યક્ત કરી.
આ અપીલમાં આર્કબિશપ થાઝાથે જણાવ્યું હતું કે નાતાલનો સંદેશ શાંતિ, આનંદ, આશા અને સંવાદિતાનો છે. મીડિયા અહેવાલો અનુસાર તેમણે કહ્યું, “શાંતિપૂર્ણ રીતે કેરોલ ગાનારા શ્રદ્ધાળુઓ ચર્ચમાં પ્રાર્થના કરવા માટે ભેગા થાય છે, પરંતુ તેમને નિશાન બનાવવામાં આવે છે. આનાથી કાયદાનું પાલન કરનારા નાગરિકોમાં ભય ફેલાયો છે, જેઓ શાંતિથી પોતાની આસ્થાને મનાવવા માંગે છે.”
આ પણ વાંચો: ઉજ્જૈન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં પૂજારી અને સંતો વચ્ચે મારામારી!
આર્કબિશપે જણાવ્યું હતું કે આવી ઘટનાઓ આપણા બંધારણની ભાવનાને ઊંડી ઠેસ પહોંચાડે છે. બંધારણ દરેક ભારતીયને ધર્મની સ્વતંત્રતા, પોતાના વિશ્વાસ અનુસાર પૂજા કરવાની સ્વતંત્રતા અને ભય વિના પોતાનો શ્રદ્ધા વ્યક્ત કરવાનો અધિકાર આપે છે.
વડાપ્રધાનને અપીલ કરતા, થઝાથે કહ્યું, “હું ભારતના વડા પ્રધાન મોદીજી, ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય તમામ લોકોને નમ્રતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક અપીલ કરું છું કે તેઓ સમગ્ર દેશમાં કાયદાનો કડક અમલ સુનિશ્ચિત કરે અને ખ્રિસ્તી સમાજને સુરક્ષા પૂરી પાડે, જેથી નાતાલ સલામતી, એકતા અને પરસ્પર આદરના વાતાવરણમાં ઉજવી શકાય.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય બંધારણની સાચી તાકાત હંમેશા વિવિધતામાં એકતામાંથી આવી છે.
આ પણ વાંચો: સુંદર બાળકને જોતા જ મારી નાખતી સાયકો કિલર પકડાઈ
તૃણમૂલ કૉંગ્રેસે બિશપના સંદેશનું સ્વાગત કર્યું
રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના નેતા, ડેરેક ઓ’બ્રાયને આર્કબિશપના આ સંદેશનું સ્વાગત કર્યું છે. TMC નેતાએ ગઈકાલે નાતાલ પહેલા ખ્રિસ્તીઓ પર થયેલા હુમલાઓ અંગે વડા પ્રધાન મોદી અને અમિત શાહની આકરી ટીકા કરી હતી. X પરની એક પોસ્ટમાં, ઓ’બ્રાયને મધ્યપ્રદેશના જબલપુરમાં એક ચર્ચ પરિસરમાં સ્થાનિક ભાજપ અધિકારી દ્વારા એક મહિલા પર હુમલો કરવામાં આવી રહ્યો હોવાનો વીડિયો શેર કર્યો. ડેરેકે લખ્યું, “પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ, ક્રિસમસ દરમિયાન આવી ઘટનાઓ પર તમારું મૌન બહુ સ્પષ્ટતાથી સંભળાઈ રહ્યું છે. તમને અને તમારા લોકોને શરમ આવવી જોઈએ.”
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, જબલપુરના ભાજપ ઉપાધ્યક્ષ અંજુ ભાર્ગવ પોલીસની સામે એક અંધ મહિલા પર બૂમો પાડી તેની સાથે દુર્વ્યવહાર કરતા દેખાયા હતા.
આ પણ વાંચો: “હું હવે ખ્રિસ્તી છું, જય શ્રી રામ નહીં બોલું..” કહેતા આદિવાસીને ફટકાર્યો










