CJI બી.આર. ગવઈના માતા કમલતાઈ ગવઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ કાર્યક્રમ 5 ઓક્ટોબરના રોજ અમરાવતીમાં યોજાશે. આ કાર્યક્રમમાં કમલતાઈ ગવઈને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નું અમરાવતી યુનિટ 5 ઓક્ટોબરના રોજ અમરાવતીના કિરણ નગરમાં શ્રીમતી નરસંમ્મા મહાવિદ્યાલય મેદાનમાં એક કાર્યક્રમનું આયોજન કરશે. મીડિયા અહેવાલો અનુસાર, RSSના વરિષ્ઠ નેતા જે. નંદ કુમાર આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા રહેશે. દરમિયાન, CJI બીઆર ગવઈના માતા કમલતાઈ ગવઈના પરિવારના નજીકના સૂત્રોએ એ વાતનું સમર્થન કર્યું છે કે કમલતાઈને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેવા માટેનું આમંત્રણ મળ્યું છે.

2 ઓક્ટોબરના રોજ નાગપુરમાં મોટો કાર્યક્રમ
બીજી તરફ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 2 ઓક્ટોબરના રોજ દશેરા નિમિત્તે નાગપુરમાં યોજાનાર RSSના એક મોટા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનશે. આ વર્ષે RSSના શતાબ્દી વર્ષ નિમિત્તે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ રહેશે. રામનાથ કોવિંદ બીજા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હશે જેઓ RSSના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. અગાઉ વર્ષ 2018 માં, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ RSSના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. RSS દર વર્ષે વિજયા દશમીના રોજ તેનો સ્થાપના દિવસ ઉજવે છે. વર્ષ 1925માં વિજયાદશમીના દિવસે કેશવ બલિરામ હેડગેવાર દ્વારા RSS ની સ્થાપના કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ‘ભગવાનને કહો કંઈક કરે!’, વિષ્ણુની મૂર્તિ મુદ્દે CJI એ આવું કેમ કહ્યું?

અનેક વિશ્વ હિંદુ પરિષદો યોજાશે
સંઘની શતાબ્દી નિમિત્તે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દેશભરમાં અનેક હિન્દુ પરિષદો અને સેમિનારનું આયોજન કરવાની યોજના ધરાવે છે. આ ઝુંબેશ ૨ ઓક્ટોબરે નાગપુરના મુખ્યાલયથી RSS વડા મોહન ભાગવતના વાર્ષિક વિજયાદશમી સંબોધનથી શરૂ થશે. RSS એ તેની પહોંચ વધારવા માટે દેશભરમાં ઘરે ઘરે જઈને ઝુંબેશ શરૂ કરવાનો પણ નિર્ણય લીધો છે.
CJI ના માતા સંઘના કાર્યક્રમમાં જાય તે કેટલું યોગ્ય?
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ભાજપના રાજમાં એક તરફ દલિતો પર સતત અત્યાચારો વધી રહ્યા છે. ભાજપની માતૃસંસ્થા RSS અને તેની સાથે જોડાયેલા વીએચપી, બજરંગ દળ સહિતના અન્ય સંગઠનના કાર્યકરો સતત દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓને ટાર્ગેટ કરતા રહે છે. દલિતો પર થતા અત્યાચારોમાં તેઓ સવર્ણ હિંદુઓનો પક્ષ લઈને મૌન સેવી લે છે. સંઘ અને તેના અન્ય સંગઠનો સતત દેશનું બંધારણ બદલીને તેને હિંદુ રાષ્ટ્ર બનાવવાની વાતો કરતું રહે છે. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે એક દલિત સિટીંગ સીજેઆઈના માતા RSS જેવા જાતિવાદી સંગઠનના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બનવાના હોઈ બુદ્ધિજીવી વર્ગમાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
આ પણ વાંચો: Justice B R Gavai દેશના પહેલા બૌદ્ધ CJI બન્યાં










