રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ તેની 100મી વર્ષગાંઠ નિમિત્તે વિજયાદશમીની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે CJI BR ગવઈની માતા કમલતાઈ ગવઈને આમંત્રણ આપ્યું છે. જોકે, મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારે વિરોધ થતા કમલતાઈએ આ કાર્યક્રમમાં હાજરી આપવાનો ઇનકાર કરી દીધો હોવાના સમાચાર આવ્યા છે. જો કે, તેમના નાના પુત્ર અને CJI ગવઈના ભાઈએ આ મામલે હકીકત જણાવી છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈની માતા કમલતાઈ ગવઈને RSS કાર્યક્રમમાં આમંત્રણ આપવા અંગે વિવાદ ઉભો થયો છે. એક મરાઠી અખબારે દાવો કર્યો છે કે કમલતાઈ ગવઈએ આ કાર્યક્રમમાં હાજરી આપવાનો ઇનકાર કરી દીધો છે. જોકે, તેમના નાના પુત્ર, CJI બીઆર ગવઈના ભાઈએ હવે આ દાવાને ફગાવી દીધો છે અને કહ્યું છે કે તેઓ હાજરી આપી રહ્યા છે.
RSSએ તેમને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપ્યું છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) તેની 100મી વર્ષગાંઠ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમો 2 ઓક્ટોબર, દશેરાથી શરૂ થશે. આ સંદર્ભમાં, 5 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં વિજયાદશમી ઉજવણી યોજાશે. કમલતાઈ ગવઈને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: CJI બી.આર. ગવઈના માતા RSS ના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હશે
કમલતાઈએ હાજરી આપવાનો ઈનકાર કર્યાના સમાચાર
જોકે, મરાઠી અખબાર લોકસત્તાએ અહેવાલ આપ્યો છે કે કમલતાઈએ આ કાર્યક્રમમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો. અહેવાલ મુજબ, તેમણે આયોજકોને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે આંબેડકરવાદી વિચારો અને બંધારણમાં શ્રદ્ધા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જો કે, કમલતાઈ ગવઈના નાના પુત્ર રાજેન્દ્ર ગવઈએ આ અહેવાલને ખોટો ગણાવ્યો હતો.
મારા માતા ચોક્કસપણે સંઘના કાર્યક્રમમાં જશેઃ રાજેન્દ્ર ગવઈ
રાજેન્દ્ર ગવઈએ હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું હતું કે તેમની માતા ચોક્કસપણે સંઘના આ કાર્યક્રમમાં હાજરી આપશે. રાજેન્દ્ર ગવઈએ ઉમેર્યું હતું કે તેમના પિતા, આર.એસ. ગવઈએ પણ નાગપુરમાં આવા જ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આર.એસ. ગવઈ એક રાજકારણી હતા અને તેમણે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (ગવઈ) ની સ્થાપના કરી હતી. તેમણે બિહાર સહિત અનેક રાજ્યોના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી છે. હાલમાં, રાજેન્દ્ર ગવઈ RPI (ગવઈ) જૂથના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.
રાજેન્દ્ર ગવઈએ મીડિયા રિપોર્ટને ખોટા ગણાવ્યા
રાજેન્દ્ર ગવઈએ જણાવ્યું હતું કે લોકસત્તામાં ટાંકવામાં આવેલ પત્ર નકલી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તે તેમની માતાના હસ્તાક્ષર નથી. પત્ર નકલી છે અને તેઓ કાર્યક્રમમાં ચોક્કસ હાજરી આપશે. રાજેન્દ્ર ગવઈએ કહ્યું હતું કે ડૉ. આંબેડકરના નજીકના સહયોગી અને રાજ્યસભાના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ રાજાભાઉ ખોબરાગડે જેવા નેતાઓએ પણ ભૂતકાળમાં આરએસએસના આવા કાર્યક્રમોમાં ભાગ લીધો છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના સચિવ, ડીજીપીએ CJI B.R. Gavai નું અપમાન કર્યું
અમારી વિચારધારા નહીં છોડીએઃ રાજેન્દ્ર ગવઈ
સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા રાજેન્દ્ર ગવઈએ કહ્યું કે વ્યક્તિગત સંબંધો અને રાજકીય સંબંધો અલગ છે. તેમણે કહ્યું, “મારી માતાને 5 ઓક્ટોબરે અમરાવતીમાં RSSના કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે, અને તેમણે સ્વીકારી લીધું છે. 5મીએ યોજાનાર આ કાર્યક્રમ મુખ્ય કાર્યક્રમ નથી. 2 ઓક્ટોબરે નાગપુરમાં વિજયાદશમીનો મુખ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. વ્યક્તિગત સંબંધો અને રાજકીય સંબંધો અલગ હોય છે. અમે કોઈપણ સંજોગોમાં અમારી વિચારધારા છોડીશું નહીં. અમારી વિચારધારા મજબૂત છે.”
RSS હંમેશા વિરોધી વિચારધારાની વ્યક્તિને આમંત્રણ આપે છે?
ઉલ્લેખનીય છે કે, RSS હંમેશા એવા વ્યક્તિઓને તેના મુખ્ય કાર્યક્રમોમાં આમંત્રણ આપે છે જે વૈચારિક રીતે તેનાથી અલગ છે. 2018 માં, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણવ મુખર્જીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. એ વખતે ભારે વિવાદ થયો હતો. આવો જ વિવાદ સીજેઆઈના માતાની હાજરીને લઈને પણ થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો: દલિત વિદ્યાર્થી ભાજપ નેતાની સભામાં ગેરહાજર રહેતા ABVP કાર્યકરોએ માર્યો











*RSS નાં(5 October 2025) કાર્યક્રમમાં મુખ્ય મહેમાન થવું, તે પરમ પૂજ્ય બાબા સાહેબ ડો.ભીમરાવ રામજીરાવ આમ્બેડકર જી નું હળાહળ અપમાન ગણાશે, જે દેશના લાખો/કરોડો અનુયાયીઓને, આમ્બેડકરવાદીઓને અને બૌદ્ધ પ્રેમીઓને દુઃખી કરશે, એમાં કોઈ સંદેહ રહેતો નથી. જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર.
ખબર નહીં…આ રાજેન્દ્ર ગવઇ કેમ તેમની માતા ને RSS ના સ્ટેજ પર લઈ જવા ઇચ્છે છે….પોતે બૌદ્ધ પરિવાર માંથી આવે છે… છતાં RSS ના સ્ટેજ પર તેમના માતાજી ને લઈ જવાનો મોહ જોઈ ને મને તેઓ દીવંગત પી.જી.જ્યોતિકર જેવા લાગે છે…જેમણે બુદ્ધિસ્ટ હતા અને આંબેડકરવાદી હતા…છતાં ભાજપા, VHP, RSS ના ખોળે જઈ ને બેઠા હતા