Adivasi News: જાતિવાદી તત્વોને ક્યારે કઈ બાબતે દલિતો, આદિવાસીઓ પ્રત્યે ગુસ્સો ચડી જાય તે કળી શકાતું નથી. આવી જ એક ઘટનામાં એક આદિવાસી યુવકને ગામના સરપંચે કશા જ કારણ વિના માર મારી, જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા. આ મામલે હવે સરપંચ સામે એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યની ઘટના
મામલો આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ધરાવતા મધ્યપ્રદેશો છે. અહીંના બડવાહ તાલુકાના લૌન્દી બીના ગામના સરપંચ અર્જુન કૌશલ સામે એક આદિવાસી યુવક સાથે અભદ્ર વર્તન કરવા, જાહેરમાં ગાળો ભાંડવા અને જ્ઞાતિસૂચક શબ્દોનો પ્રયોગ કરવા બદલ એસસી-એસટી એક્ટ (એટ્રોસિટી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના રવિવારે સાંજે બની હતી જ્યારે ફરિયાદી મુકેશ રાવત તેના મિત્રો સાથે સ્થાનિક રામકુલ્લા ઢાબા પર જમવા માટે ગયો હતો.

આ પણ વાંચો: બ્રાહ્મણ પડોશીને ‘હેપ્પી હોલી’ કહેતા દલિત યુવકની છરી મારી હત્યા!
મામલો શું હતો?
ઘટનાની વિગતો મુજબ જ્યારે મુકેશ રાવત હોટલમાં પોતાનું ભોજન ઓર્ડર કરી રહ્યો હતો ત્યારે ત્યાં અગાઉથી હાજર સરપંચ અર્જુન કૌશલ, જેઓ અન્ય લાઈનમેન અને મિત્રો સાથે બેઠા હતા, તેમણે અચાનક જ ઉશ્કેરાઈને મુકેશને નિશાન બનાવ્યો હતો. સરપંચે કોઈપણ કારણ વગર મુકેશને અપશબ્દો કહેવાનું શરૂ કર્યું હતું. આ વિવાદ માત્ર સામાન્ય બોલાચાલી નહોતો, પરંતુ સરપંચની જ્ઞાતિવાદી માનસિકતાનું વરવું પ્રદર્શન હતું. તેમણે મુકેશને ઉદ્દેશીને આદિવાસી સમાજ માટે અત્યંત અપમાનજનક અને નીચ ગણાવતા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. આટલેથી જ ન અટકતા સરપંચે મુકેશને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આદિવાસી સંગઠનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો
આ ઘટનાની જાણ થતા જ આદિવાસી સંગઠન ‘જયસ’ અને સ્થાનિક ગ્રામીણોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. રવિવારે રાત્રે જ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થયા હતા અને બડવાહ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. જયસના અધ્યક્ષ નાનુરામ ડાવર અને જિલ્લા પ્રભારી ચેતન મંડલોઈના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દેખાવકારોએ સૂત્રોચ્ચાર કરીને માંગ કરી હતી કે સરપંચ અર્જુન કૌશલની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.
આ પણ વાંચો: રાજપૂતોની બીકે 24 દલિત પરિવારોએ ઘરને તાળાં મારી ભાગવું પડ્યું!

સામાજિક કાર્યકર્તાઓનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ પોતાના કમાયેલા પૈસાથી હોટલમાં જમવા જાય અને ત્યાં પણ તેને આવી જાતિવાદી ભેદભાવનો સામનો કરવો પડે, તો તે લોકશાહી માટે શરમજનક બાબત છે. સરપંચ જેવો જનપ્રતિનિધિ જ્યારે સમાજને તોડવાનું કામ કરે ત્યારે તેની સામે કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ.
સરપંચ અગાઉ પણ વિવાદોમાં આવી ચૂક્યો છે
અત્રે ઉલ્લેખનીય છે કે સરપંચ અર્જુન કૌશલ આ પહેલા પણ અનેક કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાઈ ચૂક્યા છે. અગાઉ એક મહિલા પટવારી સાથે વિવાદ કરવા અને જ્ઞાતિસૂચક અપમાન કરવાના મામલે પણ તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થતા હવે આદિવાસી સમાજે આરપારની લડત લડવાનો નિર્ધાર કર્યો છે. દેખાવો દરમિયાન મંશારામ તંવર, મનોજ સોલંકી અને દેવેન્દ્ર રાવત જેવા અગ્રણીઓએ પણ હાજરી આપી હતી. હાલમાં પોલીસે એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે, પરંતુ આરોપી સરપંચની ધરપકડ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી છે.
આ પણ વાંચો: વંચિત વર્ગના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના કરોડો રૂપિયા સરકારે વાપર્યા જ નહીં!











