કેન્દ્રની મોદી સરકાર અને ભાજપસાશિત રાજ્યોમાં કેવી સુનિયોજિત રીતે દલિત-આદિવાસી બાળકોના શિક્ષણની ઘોર ખોદાઈ રહી છે તેની આ વાત છે. છત્તીસગઢના બીજાપુરના એક ગામમાં સરકારે આદિવાસી બાળકોની શાળા અચાનક બંધ કરી દેતા 26 જેટલા બાળકોનું શિક્ષણ રઝળી પડ્યું હતું. સરકાર શાળાને તાળું મારી દેવા તત્પર હોવાથી આદિવાસી વાલીઓએ પોતાના બાળકોનું શિક્ષણ બચાવવા માટે શાળામાં રસોઈ બનાવતી મહિલાને જ શિક્ષિકા બનાવી દીધી હતી. હવે એ મહિલા જ આખો દિવસ આદિવાસી બાળકોને ભણાવે છે અને રસોઈ પણ કરે છે.
અહીં એ યાદ રાખવું જોઈએ કે, આ વિસ્તારમાં વર્ષ 2018માં યોજાયેલા એક કાર્યક્રમમાં પીએમ મોદીએ શિક્ષણને લઈને મોટી-મોટી વાતો કરી હતી. પીએમે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, “વિકાસનો સૂરજ પૂર્વમાંથી નહીં પરંતુ દક્ષિણ(બસ્તર)માંથી નીકળશે.” પરંતુ વડાપ્રધાનના મોટાભાગના ભાષણો અને વાયદાઓની જેમ આ વાયદો પણ પોકળ સાબિત થયો હતો. છત્તીસગઢની વિષ્ણુદેવ સાઈની ભાજપની સરકારે આ શાળાને સુધારવાને બદલે તેને બંધ કરી દીધી હતી.
શિક્ષણ વિભાગના એક જુલમી નિર્ણયથી બીજાપુરના જંગલા ગામથી લગભગ 6 કિમી દૂર આવેલા કાકડીપરાના 26 આદિવાસી બાળકોના શિક્ષણના અધિકાર પર અસર સીધી પડી છે. 21મી સદીના ભારતમાં એક બાજુ સરકાર ડિજિટલ ઈન્ડિયા, રાઈટ ટુ એજ્યુકેશન અને સર્વ શિક્ષા અભિયાન ચલાવી રહી છે, બીજી તરફ કાકડીપરાના આ બાળકો શિક્ષણ માટે ભીખ માંગવા મજબૂર છે.
શિક્ષણ વિભાગનું આઘાતજનક પગલું
મામલો છત્તીસગઢના કાકડીપરાનો છે, જે ભૈરમગઢ બ્લોકના જાંગલા સંકુલ હેઠળ આવે છે. અહીં શાળાનું મકાન છે, તેમાં ભણવા માટે વિદ્યાર્થીઓ પણ છે, પરંતુ ભણાવવા માટે એક પણ શિક્ષક નથી. વર્ષ 2006-07 માં પોટેનાર પંચાયતની ઈચેવાડા પ્રાથમિક શાળાને કામચલાઉ ધોરણે આ શાળામાં ખસેડવામાં આવી હતી. હવે તે ગામના સરપંચની માંગ પર શિક્ષણ વિભાગે 30 જૂને તેમની શાળાને ફરીથી તેમના ગામ ઈચેવાડામાં ખસેડી દીધી છે. જેના કારણે કાકડીપરાના વિદ્યાર્થીઓનું શિક્ષણ રઝળી પડ્યું છે.
આ પણ વાંચો: ABVP ના શિક્ષકે ‘કાવડ લેકર મત જાના’ ગીત ગાયું તો સસ્પેન્ડ કરાયા
એકપણ શિક્ષક ન હોવાથી રસોઈયા મહિલા શિક્ષક બની
ગત તા. 3 જુલાઈ 2025થી કાકડીપરાની આ શાળામાં એકપણ શિક્ષક આવ્યા નથી. શિક્ષકો જ ન હોવાથી વિદ્યાર્થીઓનું ભણતર રઝળી પડ્યું હતું. અંતે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓની વિનંતી બાદ શાળામાં મધ્યાહન ભોજનન રાંધતી પાર્વતી કોવાસીએ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું છે. પાર્વતીએ ધોરણ 7 સુધી અભ્યાસ કર્યો છે. હાલ શાળા માટે જરરી તમામ સગવડ ગામના આદિવાસી સમાજના લોકો પુરી પાડે છે. ગ્રામજનોના અન્નદાનથી મધ્યાહન ભોજન વ્યવસ્થા પણ સારી રીતે ચાલી રહી છે. એ રીતે પાર્વતીએ કપરી પરિસ્થિતિમાં આ આદિવાસી બાળકો માટે શિક્ષકની ભૂમિકા ભજવીને જ્ઞાનની જ્યોતને બુઝાવા નથી દીધી.
ધારાસભ્યએ પ્રશ્નો ઉઠાવ્યા
કાકડીપરા પહોંચેલા બીજાપુરના ધારાસભ્ય વિક્રમ મંડાવીએ શિક્ષણ વિભાગના આ નિર્ણય પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે 26 વિદ્યાર્થીઓ સાથે ચાલતી શાળાને બંધ કરી કરીને મુખ્ય રસ્તાથી 5 કિમી દૂર અંતરિયાળ વિસ્તારમાં ખસેડવામાં આવી છે. ગ્રામજનોએ ધારાસભ્ય પાસે માંગ કરી છે કે શાળાને બંધ કરવાને બદલે પહેલાની જેમ ચલાવવામાં આવે. ધારાસભ્ય મંડાવીએ સવાલ કર્યો છે કે, શું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’માં આ ગરીબ આદિવાસી બાળકોના શિક્ષણના અધિકારની વાત શામેલ હશે?
ગ્રામજનોનો નિર્ધારઃ શાળા કોઈપણ ભોગે બંધ ન થવી જોઈએ
ગ્રામજનો સ્પષ્ટપણે કહે છે કે જ્યાં સુધી સરકાર શાળા ફરી શરૂ નહીં કરે ત્યાં સુધી તેઓ પોતાના ખર્ચે શાળા ચલાવશે. ગ્રામજનોને મળવા આવેલા ધારાસભ્ય વિક્રમ મંડાવીએ એક મહિનાના મધ્યાહન ભોજન માટે રસોડાનો સામાન તેમજ બાળકો માટે નોટબુક અને પેન સહિતની અભ્યાસ સામગ્રી પૂરી પાડી છે.
આયુષમાન ભારત યોજનાના ઉદ્ઘાટનમાં વડાપ્રધાને શું કહ્યું હતું?
મંડાવીએ વર્ષ 2018માં જાંગલાથી આયુષ્માન ભારત યોજના શરૂ કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદનની યાદ અપાવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે “આગામી દિવસોમાં વિકાસનો સૂર્ય પૂર્વમાંથી નહીં, પરંતુ દક્ષિણ (બસ્તર) થી ઉગશે.” આ ઘટના વડાપ્રધાનના વાયદાઓ પર મોટો સવાલ ઉભો કરે છે અને દર્શાવે છે કે વડાપ્રધાન અને તેમની સરકારની કથની અને કરણીમાં આભજમીનનું અંતર છે. ખાસ કરીને દલિત,આદિવાસી અને ઓબીસી સમાજના હકની વાત આવે ત્યારે તેઓ કરેલા વાયદા ભૂલી જાય છે.
આ પણ વાંચો: ‘ભગવાન નિષ્પક્ષ છે, જાતિ..’, કહી હાઈકોર્ટે દલિતોની તરફેણમાં ચૂકાદો આપ્યો