છેલ્લાં કેટલાક વર્ષોમાં દેશમાં 18 થી 45 વર્ષના યુવાનોના અચાનક મોતની ઘટનાઓ વધી છે. કેટલાક લોકો તેના માટે કોરોનાની રસી જવાબદાર હોવાનું માની રહ્યાં છે. પણ શું ખરેખર એવું છે ખરું?
તાજેતરમાં, બોલિવૂડ અભિનેત્રી શૈફાલી જરીવાલાના મૃત્યુ અને તે પહેલાં સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ પછી એવી ચર્ચાઓએ વધુ વેગ પકડ્યો હતો કે તેમના મોત માટે કોરોનાની રસી જવાબદાર છે. જોકે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વારંવાર સ્પષ્ટતા કરી હતી કે કોવિડ-૧૯ રસી અને યુવાનોમાં હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ નથી. તેમ છતાં સોશિયલ મીડિયામાં થતી ચર્ચાઓને કારણે લોકો આ વાત માનવા તૈયાર નહોતા. પરંતુ હવે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) એ એક મોટા અભ્યાસ પછી દાવો કર્યો છે કે કોવિડ-19 રસી અને યુવાનોમાં અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નથી. આ રિસર્ચમાં લાઈફ સ્ટાઈલ અને પહેલેથી ઉપસ્થિત આરોગ્ય સમસ્યાઓને આ મોત પાછળ જવાબદાર માનવામાં આવ્યા છે.
47 હોસ્પિટલોમાં અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો
ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) એ સાથે મળીને 18 થી 45 વર્ષની વયના યુવાનોમાં અચાનક અસ્પષ્ટ મૃત્યુના કારણોને સમજવા માટે એક અભ્યાસ હાથ ધર્યો છે. “ભારતમાં 18-45 વર્ષની વયના પુખ્ત વયના લોકોમાં અસ્પષ્ટ અચાનક મૃત્યુ સાથે સંકળાયેલા પરિબળો – એક મેટાસેન્ટ્રિક મેચ્ડ કેસ-કંટ્રોલ અભ્યાસ” ટાઈટલ સાથેનો આ અભ્યાસ મે થી ઓગસ્ટ 2023 દરમિયાન 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 47 હોસ્પિટલોમાં હાથ ધરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: પટેલોએ દલિતોને માર્યા છતાં હાઈકોર્ટે એટ્રોસિટીની કલમો રદ કરી
આ અભ્યાસ એવા વ્યક્તિઓ પર કેન્દ્રિત હતો જેઓ સ્વસ્થ હતા પરંતુ ઓક્ટોબર 2021 અને માર્ચ 2023 વચ્ચે અચાનક મોતનો ભોગ બન્યા હતા. બીજો અભ્યાસ, “યુવાનોમાં અચાનક અસ્પષ્ટ મૃત્યુનું કારણ સ્થાપિત કરવું”, AIIMS, નવી દિલ્હી દ્વારા ICMR ના સહયોગ અને ભંડોળ સાથે હાથ ધરવામાં આવ્યો હતો. આ બધા મૃત્યુ હૃદયરોગના હુમલાને કારણે થયા હતા.
અભ્યાસના પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે કોવિડ-૧૯ રસી યુવાનોમાં અસ્પષ્ટ અચાનક મૃત્યુનું જોખમ વધારતી નથી. અચાનક હાર્ટ એટેકથી થતા મૃત્યુ આનુવંશિકતા, જીવનશૈલી, પહેલાથી અસ્તિત્વમાં રહેલી બીમારીઓ અને કોવિડ પછીની ગૂંચવણો સહિત વિવિધ પરિબળોને કારણે થઈ શકે છે.”
કર્ણાટકના મુખ્યમંત્રીએ કોરોના રસી પર શંકા વ્યક્ત કરી હતી
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે કોવિડ-૧૯ રસીની ઉતાવળમાં મંજૂરી અને વિતરણ રાજ્યમાં યુવાનોમાં અચાનક મૃત્યુના વધતા કેસોનું કારણ હોઈ શકે છે, તેના એક દિવસ પછી આ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. છેલ્લા એક મહિનામાં કર્ણાટકના હસન જિલ્લામાં હૃદયરોગના હુમલાથી ઓછામાં ઓછા ૨૦ લોકોના મૃત્યુના અહેવાલો વચ્ચે સિદ્ધારમૈયાએ આ નિવેદન આપ્યું હતું. તેમણે કોવિડ-૧૯ રસીની સંભવિત આડઅસરોનો અભ્યાસ કરવા માટે એક પેનલની રચનાની પણ જાહેરાત કરી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક નિષ્ણાતોએ કોવિડ રસીને અચાનક મૃત્યુ સાથે જોડતા નિવેદનોને ખોટા અને ભ્રામક ગણાવ્યા છે. મંત્રાલયે ચેતવણી આપી હતી કે “નક્કર પુરાવા વિનાના દાવાઓ રસી પર લોકોના વિશ્વાસને ઓછો કરી શકે છે, જેણે રોગચાળા દરમિયાન લાખો લોકોના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.” આવા પાયાવિહોણા દાવાઓ રસી પ્રત્યે ખચકાટને પ્રોત્સાહન આપી શકે છે. જે જાહેર આરોગ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.
આ પણ વાંચો: દાહોદમાં મતદાર યાદીમાં દલિતો માટે પ્રતિબંધિત શબ્દોનો ઉપયોગ કરાયો
આ અભ્યાસ અને તેના તારણો યુવાનોમાં અચાનક મૃત્યુના કારણોને સમજવા અને રસી સંબંધિત ગેરમાન્યતાઓને દૂર કરવા માટે મહત્વપૂર્ણ પગલાં છે. આરોગ્ય મંત્રાલયે લોકોને વૈજ્ઞાનિક તથ્યો પર વિશ્વાસ કરવા અને પુરાવા વિનાના દાવાઓ ટાળવા માટે અપીલ કરી છે.
શેફાલી જરીવાલાના મોત પાછળ ક્યા કારણો જવાબદાર?
તાજેતરમાં દેશને આઘાત આપનારી આવી જ એક ઘટના અભિનેત્રી શેફાલી જરીવાલાની હતી. ગયા અઠવાડિયે મુંબઈમાં હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું. તેમની ઉંમર 42 વર્ષની હતી. ડોકટરોને શંકા છે કે શેફાલી જરીવાલાના મૃત્યુનું કારણ બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો છે. પોલીસે અભિનેત્રીના મૃત્યુમાં કોઈ પણ પ્રકારની ભૂલને નકારી કાઢી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.
પોલીસના જણાવ્યા અનુસાર, 42 વર્ષીય અભિનેત્રી શુક્રવારે રાત્રે તેના ઘરે બેહોશ થઈ ગઈ હતી. તેના પતિ, ટીવી અભિનેતા પરાગ ત્યાગી તેને અંધેરીની બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે તેણીને કદાચ હૃદયરોગનો હુમલો આવ્યો હશે. બાદમાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જુહુની આર.એન. કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
2020 થી હૃદયરોગના હુમલાને કારણે યુવાનોના અચાનક મૃત્યુથી લોકોમાં ચિંતા વધી છે. સોશિયલ મીડિયા પર લોકોએ આ માટે કોવિડ રસીનો ઉપયોગ જવાબદાર ગણાવ્યો છે. જો કે, આ રિપોર્ટથી લોકોના મનમાં રહેલી આશંકાઓ દૂર થશે કે કેમ તે હજુ શંકાના દાયરામાં છે.
આ પણ વાંચો: ‘આને પૈસાનો બહુ પાવર છે?’ કહી દલિત યુવક પર જાતિવાદીઓનો હુમલો