જાતિવાદીઓએ ધમકી આપતા પોલીસ પહેરા હેઠળ નીકળી દલિત દીકરીની જાન

જાતિવાદી તત્વોએ દલિત દીકરીની જાન મુખ્ય રસ્તા પરથી ન નીકળવા દેવાની ધમકી આપતા, પોલીસ પહેરા હેઠળ જાન માંડવે પરણવા પહોંચી.
dalit news

ભારતમાં આજે પણ એવા અનેક રાજ્યો છે, જ્યાં જાતિવાદી તત્વો દલિતોના લગ્ન પ્રસંગે દાદાગીરી કરીને તોફાન મચાવે છે. દર વર્ષે દલિતોની જાન પર હુમલો થવાની અનેક ઘટનાઓ બને છે. આવી જ એક ઘટના રાજસ્થાનમાંથી સામે આવી છે. અહીંના ભરતપુર જિલ્લાના સજ્જન બાસ ગામમાં એક દલિત પરિવારની દીકરીની જાન ગામના મુખ્ય રસ્તા પરથી ન નીકળવા દેવાની ધમકી આપી હતી. આથી યુવતીના પિતાએ પોલીસની મદદ માંગી હતી.

મામલો શું હતો?

સજ્જન બાસ ગામના રહેવાસી વિજેન્દ્ર જાટવની પુત્રી માધુરીના લગ્ન ૨૦ એપ્રિલના રોજ નક્કી થયા હતા. તેમનો આરોપ છે કે ગામના કેટલાક માથાભારે જાતિવાદી તત્વોએ તેમને ધમકી આપી હતી કે જો જાન ગામના મુખ્ય રસ્તા પરથી પસાર થશે તો તેના પરિણામો ભયાનક આવશે. આ જાતિવાદી તત્વોનું માનવું હતું કે ‘જૂની પરંપરા’ મુજબ દલિતોની જાન મુખ્ય માર્ગ પરથી નીકળી ન શકે.

આ પણ વાંચો: ગેસ પર બનેલી રોટલી ખાવાથી પુરુષોમાં દમ નથી રહ્યો’- દેવકીનંદનનો બફાટ

વૈકલ્પિક રસ્તાના નામે હેરાનગતિનો પ્રયાસ

જાતિવાદી તત્વો દ્વારા દલિત પરિવાર પર એવું દબાણ કરવામાં આવી રહ્યું હતું કે તેઓ મુખ્ય માર્ગ છોડીને ગામના કાચા રસ્તેથી જાન લઈને જાય. જોકે, પીડિત પરિવારની મુશ્કેલી એ હતી કે જે વૈકલ્પિક રસ્તાનો આગ્રહ રાખવામાં આવતો હતો ત્યાં ચોમાસા જેવી સ્થિતિ હતી અને ભારે કીચડ જમા થયો હતો. તે રસ્તા પરથી વાહનો કે જાનૈયાઓનું પસાર થવું તદ્દન અશક્ય હતું. દીકરીના પિતા વિજેન્દ્રએ આ બાબતે અનેક વિનંતીઓ કરી હોવા છતાં જાતિવાદી તત્વો ટસથી મસ થયા નહોતા અને સતત ધમકીઓ આપતા રહ્યા હતા. અંતે, કોઈ અઘટિત ઘટના ન ઘટે અને દીકરીના લગ્ન નિર્વિઘ્ન સંપન્ન થાય તે હેતુથી વિજેન્દ્ર જાટવે સ્થાનિક વહીવટી તંત્ર અને એસડીએમ (SDM) પાસે સુરક્ષાની માંગ કરી હતી.

ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું ગામ

દલિત પરિવારની ફરિયાદની ગંભીરતા સમજીને વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું. સોમવારે સાંજે જ્યારે જાન નીકળવાની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે જ તંત્રે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દીધો હતો. રૂપવાસ પોલીસ સ્ટેશનના અધિકારી વિનોદ મીણાના નેતૃત્વમાં 15 થી વધુ હથિયારધારી પોલીસ જવાનોએ ગામમાં મોરચો સંભાળ્યો હતો. માત્ર પોલીસ જ નહીં, પરંતુ ઉચ્ચ પ્રશાસનિક અધિકારી તરીકે મામલતદાર અમિત શર્મા પણ સ્થળ પર હાજર રહ્યા હતા. અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં લેશે અથવા સામાજિક સૌહાર્દ બગાડવાનો પ્રયાસ કરશે તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: “15 દિવસમાં આરોપીને પકડો”, ભરત સોંદરવાના મોત મુદ્દે દલિતોમાં રોષ

બંધારણીય અધિકારોનો વિજય થયો

પોલીસની હાજરી અને પ્રશાસનની મક્કમતા જોઈને વિરોધ કરી રહેલા અસામાજિક તત્વો ઘરમાં ઘૂસી ગયા હતા. જે મુખ્ય માર્ગ પરથી જાન કાઢવા સામે ધમકીઓ આપવામાં આવી હતી, તે જ માર્ગ પરથી પોલીસના રક્ષણ હેઠળ માધુરીની જાન ધામધૂમથી અને વાજતે-ગાજતે નીકળી હતી. આ દ્રશ્ય ગામમાં સામાજિક સમાનતા અને બંધારણીય અધિકારોના વિજય સમાન હતું. પોલીસ અધિકારી વિનોદ મીણાએ આ અંગે જણાવ્યું હતું કે તેમને અગાઉથી જ અસામાજિક તત્વો દ્વારા અવરોધ ઉભો કરવાની માહિતી મળી હતી, તેથી સુરક્ષામાં કોઈ કચાસ રાખવામાં આવી નહોતી. સમગ્ર લગ્ન વિધિ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી અને વરરાજા તથા જાનૈયાઓ સુરક્ષિત રીતે પરત ફર્યા હતા.

આ પણ વાંચો: ગંદા તળાવ વચ્ચે છે ડૉ.આંબેડકરની પ્રતિમા, દલિતો 14મી એપ્રિલે અંદર ઉતરે છે

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x