થોડા દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લાના ગાદલવાડા ગામના એક દલિત યુવકે પોતાની જાનના વરઘોડા દરમિયાન પોલીસ રક્ષણ માંગ્યું હોવાના સમાચાર હતા. યુવકે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાને સંબોધીને અરજી કરી છે અને તેમાં પોતાના લગ્ન દરમિયાન વરઘોડામાં પોલીસ સુરક્ષા પુરી પાડવા વિનંતી કરી હતી. આજે એ યુવકના લગ્ન છે અને પોલીસ સુરક્ષા વચ્ચે વરઘોડો નીકળ્યો છે. મળતી માહિતી મુજબ દલિત બહુજન સમાજના અનેક કાર્યકરો, એક્ટિવિસ્ટો અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ આ લગ્નમાં ખાસ હાજર રહ્યાં છે. જો કે, આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આટલી પોલીસ સુરક્ષા હોવા છતાં કોઈ તત્વોએ વરરાજાની કાર પર નાનકડો પથ્થર ફેંકીને અટકચાળો કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસે તરત બાજી સંભાળી લીધી હતી અને તેમણે જ ડ્રાઈવિંગ કર્યું હતું અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ સુરક્ષા માટે વરરાજાની કારમાં બેઠા હતા. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં દલિત વરરાજાના વરઘોડો પોલીસ સુરક્ષા વચ્ચે આગળ વધી રહ્યો છે.
મામલો શું છે?
પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામમાં રહેતા મુકેશભાઈ પરેચા વ્યવસાયે એડવોકેટ છે અને તેમણે પોતાના લગ્નના વરઘોડામાં પોલીસ રક્ષણ માંગ્યું હતું. મુકેશભાઈએ અરજીમાં વધુમાં જણાવ્યું હતું કે, “તા. 6 ફેબ્રુઆરી 2025ના રોજ મારા લગ્ન છે, જેમા અમે ઘોડા પર બેસીને વરઘોડો કાઢવા માંગતા હોઈ પોલીસ સુરક્ષા આપવા વિનંતી છે. અમારા ગામમાં અનુસૂચિત જાતિના લોકોએ ક્યારેય વરઘોડો કાઢ્યો નથી કે નીકળતો પણ નથી. પહેલીવાર અમે વરઘોડો કાઢનાર વ્યક્તિ છીએ. જેથી અનિચ્છનીય બનાવ બનવાની પુરી શક્યતા છે, તેથી અમને પોલીસ સુરક્ષા આપવા વિનંતી છે. અગાઉ દલિત સમાજના લોકોએ વરઘોડો કાઢવા તેના પર હુમલો થયાની એકથી વધુ ઘટનાઓ બનેલી છે. અહીંના સરીપડા ગામે દલિત વરરાજાના વરઘોડા પર હુમલો થયો હતો, જે મારા ગામથી માત્ર 1 થી 1.5 કિલોમીટર દૂર છે. આ સિવાય મોટા ગામે પણ આવી જ ઘટના બની હતી, જે મારા ગામથી માત્ર 13 કિલોમીટર દૂર છે. આ બંને ગામો ગઢ પોલીસ સ્ટેશનમાં આવે છે. તા. 6 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 9.30 વાગ્યે અમારા ફાર્મ હાઉસથી ગામ સુધી વરઘોડો જવાનો છે. જેમાં 100 ટકા અજુગતો બનાવ બને તેવી શક્યતા હોવાથી પોલીસ રક્ષણ આપવા વિનંતી છે.”


હુમલો થવાની ભીતિ વ્યક્ત કરી હતી
અરજીમાં મુકેશભાઈ સ્પષ્ટ રીતે લખ્યું હતું કે, “હું જણાવવા માંગું છું કે, મારા વરઘોડામાં અજુગતી ઘટના બનશે તેવી શક્યતાને આધારે હું આ અરજી નથી કરી રહ્યો, પરંતુ પોલીસ સુરક્ષા નહીં મળે તો ચોક્કસ અજુગતી ઘટના ઘટશે જ એવું ભારપૂર્વક જણાવું છું, જેની ગંભીરતાથી નોંધ લઈ સમયસર પોલીસ સુરક્ષા પુરી પાડવા વિનંતી છે.”
વરરાજા મુકેશભાઈ પરેચાએ આ અરજી બનાસકાંઠા એસપી ઉપરાંત ગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ, નાયબ પોલીસ અધીક્ષક એસસી-એસટી સેલ પાલનપુર અને ગુજરાતના ડીજીપીને પણ મોકલી છે. જેના કારણે તેમને પોલીસ સુરક્ષા પુરી પાડવામાં આવી રહી છે. આ સાથે જ દલિત સમાજના સામાજિક કાર્યકરો અને એક્ટિવિસ્ટો પણ આ લગ્નમાં કોઈ અજુગતી ઘટના ન બને તે માટે ચાંપતી નજર રાખીને વરઘોડા સાથે ચાલી રહ્યાં છે.
અરજીકર્તા મુકેશ પરેચા શું કહે છે?
સમગ્ર મામલે ખબરઅંતર.કોમ સાથે વાત કરતા અરજીકર્તા મુકેશભાઈ પરેચાએ જણાવ્યું હતું કે, “અમારા ગામમાં આઝાદીના 75 પહેલાથી કદી અનુસૂચિત જાતિ સમાજની કોઈ વ્યક્તિનો વરઘોડો નથી નીકળ્યો. મારા ગામની બાજુમાં આવેલા સરીપડા ગામમાં આજથી પાંચેક વર્ષ પહેલા અનુસૂચિત જાતિ સમાજના એક આર્મી યુવકે વરઘોડો કાઢ્યો હતો. જેના પર હુમલો થયો હતો. ત્રણેક વર્ષ પહેલા મોટા ગામમાં ખાનગી કંપનીમાં કામ કરતા એક દલિત યુવકના વરઘોડા પર પણ હુમલો થયો હતો. મારા ગામમાં આજ દિન સુધી એકેય અનુસૂચિત જાતિ સમાજના વરરાજાનો વરઘોડો નથી નીકળ્યો. હું પહેલીવાર ઘોડા પર બેસીને નીકળવાનો છું અને મને તેમાં કેટલું જોખમ રહેલું છે તેનો મને સ્પષ્ટ ખ્યાલ છે. ગામના અમુક લોકો મારા વરઘોડામાં કશુંક છમકલું કરે તેવી પુરી શક્યતા જણાય છે. આથી મેં પોલીસ રક્ષણ માંગ્યું છે.”
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શું કહ્યું?
ગાદલવાડા ગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના મતવિસ્તારમાં આવે છે. તેમણે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “આ ઘટના ગુજરાતમાં દલિતોની સ્થિતિ આઝાદીના 75 વર્ષ પછી પણ કેવી છે તેની ચાડી ખાય છે. અરજીકર્તા મુકેશભાઈ પરેચાનું ગામ ગાદલવાડા મારા મત વિસ્તાર વડગામમાં આવે છે. ત્રણ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે એસપી સહિતની પોલીસ સુરક્ષા પુરી પાડવામાં આવી છે. અમે બધાં મુકેશભાઈના બંધારણીય હકનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છીએ.”
Read Also: પાલનપુરના ગાદલવાડામાં દલિત યુવકે વરઘોડો કાઢવા પોલીસ રક્ષણ માંગ્યું












