જાતિપ્રધાન ભારત દેશમાં જાતિવાદી તત્વો સાવ નજીવી બાબતે દલિતો પર હુમલો કરવા ખચકાતા નથી. અનેક કિસ્સાઓમાં તો કોઈ જ કારણ વિના દલિતો પર હુમલો કરવામાં આવતો હોય છે. જાતિવાદ અને લુખ્ખા તત્વોના આતંક માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક દલિત દુકાનદાર પર જાતિવાદી તત્વોએ ઈંડા ઉધાર ન આપતા જીવલેણ હુમલો કરી દીધો હતો. 8 જેટલા લોકો ફરસી, લાકડીઓ અને દંડા લઈને દલિત પરિવાર પર તૂટી પડ્યા હતા.
આરોપીઓએ બાળકો અને મહિલાઓને પણ નહોતા છોડ્યા. આ મામલે હવે એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઘટના યુપીના સુલતાનપુર જિલ્લાના ફિરિહિરી ગામની છે. અહીં જાતિગત દ્વેષની એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક દલિત પરિવાર પર જાતિવાદી ગુંડાઓએ ઈંડા ઉધાર ન આપતા હુમલો કરી દીધો.
ધીરજ કુમાર નામના દલિત શખ્સની ગામમાં ઈંડાની નાની દુકાન છે. બુધવારે સાંજે, સૂરજ ભાણ યાદવ, વિવેક યાદવ તેના અન્ય મિત્રો સાથે દુકાન પર આવ્યા હતા અને જૂની ઉધારી હોવા છતાં ફરીથી ઈંડા ઉધાર માંગ્યા હતા. જેથી ધીરજકુમારે વધુ ઉધાર આપવાની ના પાડી દીધી હતી. આથી જાતિવાદી તત્વો ઉશ્કેરાઈ ગયા હતા અને જાતિગત અપશબ્દોનો ઉપયોગ કરી, દુકાનમાં ઘૂસીને હોકી સ્ટીક, લાકડીઓ અને કુહાડીઓથી હુમલો કરી દીધો હતો.
આ પણ વાંચો: ચિકન બનાવવા વાસણ ન આપતા દલિત સાધુ પર ત્રિશૂળથી હુમલો
ગંભીર હાલતમાં હોસ્પિટલમાં રિફર કરાયો
આ હુમલામાં દુકાનદાર ધીરજ કુમારને ગંભીર ઈજાઓ થઈ હતી. તે ઘટનાસ્થળે જ બેભાન થઈ ગયો હતો. એ પછી ગ્રામજનોએ તેને નજીકના સીએચસી લઈ ગયા હતા, જ્યાંથી તેને ગંભીર હાલતમાં સુલતાનપુર જિલ્લા હોસ્પિટલ અને પછી લખનૌ રિફર કરવામાં આવ્યો છે.
ધીરજનો નાનો ભાઈ શિવ ગૌતમ અને માતા, હુમલામાં બચાવ કરવા વચ્ચે પડ્યા હતા, પરંતુ હુમલાખોરોએ તેમના પર પણ હુમલો કરી દીધો હતો. મહિલાઓ અને વૃદ્ધો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે ધીરજની દાદી ઝુંકી દેવી અને અન્ય એક સંબંધી મહિલા પ્રતિભા ગૌતમને લાકડીઓથી માર માર્યો હતો.
પોલીસે એફઆઈઆર નોંધી
હુમલાની આ ઘટના પછી સીઓ અને ભાજપના ધારાસભ્ય વિનય ગૌતમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ભાજપના ધારાસભ્ય રાજેશ ગૌતમે પોલીસને ઠપકો આપ્યો હતો અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. જેથી દબાણમાં આવીને પોલીસે BNS અને SC/ST Act ની કલમ 3(5), 115(2), 352, 351(3), 110 હેઠળ કેસ નોંધ્યો હતો. જેમાં સૂરજભાણ યાદવ, વિવેક યાદવ, અમરનાથ યાદવ, ઉમાશંકર યાદવ, સત્યપ્રકાશ યાદવ, ઉદય યાદવ અને 8 અન્ય અજાણ્યા હુમલાખોરોને આરોપી બનાવવામાં આવ્યા છે.
આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી
પીડિત દલિત પરિવારનો આરોપ છે કે હુમલાખોરોએ તેમને ધમકી આપી હતી કે, જો તેઓ ફરિયાદ કરશે તો તેઓ તેમની દુકાનને આગ લગાવી દેશે અને તેમને જાનથી મારી નાખશે. આ ઘટના બાદ આખા ગામમાં ભય અને તણાવનું વાતાવરણ છે.પીડિત પરિવારને સુરક્ષા પણ આપવામાં આવી નથી. જેના કારણે આરોપીઓ ફરીથી હુમલો કરે તેવો ભય ઉભો થયો છે.
પોલીસે દલિત પરિવાર સામે પણ ફરિયાદ નોંધી
આ હુમલામાં ધીરજ કુમાર અને તેમના પરિવારના 7 લોકો ઘાયલ થયા છે અને તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ધીરજ કુમારની હાલત ગંભીર હોવાથી તેને લખનઉ રિફર કરાયા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે, એ પછી પણ પોલીસે દલિત પરિવારની સામે પણ ફરિયાદ નોંધી છે. એટ્રોસિટીના મોટાભાગના કેસોમાં હવે જાતિવાદી તત્વોની તરફેણમાં રહીને પોલીસ જ આ ખેલ કરી રહી હોવાનું જાણકારો માની રહ્યાં છે. કશા જ વાંક વિના પોલીસ પીડિતો સામે પણ ક્રોસ ફરિયાદ નોંધાવે છે, જેથી એટ્રોસિટી એક્ટ જેવા ગંભીર ગુનામાં પીડિત પરિવાર પોતે જ આરોપી બની જાય છે.
આ પણ વાંચો: કોર્ટમાં જુબાની આપનાર દલિત યુવકને બ્રાહ્મણોએ ઘરમાં ઘૂસી માર્યો










