જાતિવાદ અને સવર્ણ લુખ્ખા તત્વોની દાદાગીરી માટે કુખ્યાત મધ્યપ્રદેશમાં એક દલિત સાધુ પર એક શખ્સે ત્રિશૂળથી હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. આરોપી પટેલ શખ્સ સાધુના આશ્રમે ગયો હતો અને ચિકન બનાવવા માટે થઈને તેમની પાસે વાસણની માંગ કરી હતી. દલિત સાધુએ વાસણ આપવાની ના પાડતા આરોપીઓ તેમના જ ત્રિશૂળથી સાધુ પર હુમલો કરી દીધો હતો અને લોહીલુહાણ કરી નાખ્યા હતા. આરોપી તેમને ત્યાં સુધી મારતો રહ્યો જ્યાં સુધી તેઓ બેભાન ન થયા. હાલ સાધુને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત ગંભીર છે. આ ઘટનાને લઈને ગામલોકો રોષે ભરાયા છે. દલિત સંગઠનોએ ન્યાયની માગણી કરી છે.
મામલો શું છે?
ઘટના છત્તરપુરના મહોઈ ખુર્દ ગામની છે. પીડિત નાગા સાધુ ઇન્દ્ર બહાદુર આહિરવાર ગામના આંડી તળાવ પાસે એક આશ્રમમાં રહે છે. પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તે જ ગામનો રહેવાસી છુટ્ટન પટેલ તેમની પાસે ચિકન રાંધવા માટે વાસણો માંગવા આવ્યો હતો. પણ ઈન્દ્રબહાદુરી શાકાહારી હોવાથી તેમણે ચિકન બનાવવા માટે વાસણ આપવાનો ઈનકાર કરી દીધો હતો. બીજા દિવસે જ્યારે તેઓ બહાર જઈ રહ્યા હતા ત્યારે છુટ્ટન પટેલે તેમનો રસ્તો રોક્યો હતો અને તેમના જ ત્રિશૂળથી હુમલો કર્યો હતો.
દલિત સાધુને માર મારીને અધમૂઆ કરી નાખ્યા
સાધુ ઇન્દ્ર બહાદુરે જણાવ્યું હતું કે, આરોપીએ તેમના પર ત્યાં સુધી હુમલો કર્યો જ્યાં સુધી તેઓ બેહોશ ન થઈ ગયા. હુમલામાં તેમનો હાથ ખભામાંથી ભાંગી ગયો છે અને કમર, પગ તથા સાથળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. આ સિવાય શરીરના અનેક ભાગો પર પણ ઉંડા ઘા પડ્યા છે.
આ પણ વાંચો: જ્યારે 7 વર્ષના એ બાળક સામે તેના પરિવારને જીવતો સળગાવી દેવાયો!
સાધુ ઈન્દ્ર બહાદુરનું કહેવું છે કે, છુટ્ટન પટેલ ગામના બળવાન કૃષ્ણનો માણસ છે. તે દારૂ અને માંસનો વ્યસની છે અને હું નિર્વ્યસની અને શાકાહારી સાધુ હોવાથી મેં તેનો વિરોધ કર્યો હતો. આથી તેણે મારા પર હુમલો કરી દીધો હતો.
પોલીસે કેસ નોંધ્યો
ઘટનાની માહિતી મળતાં જ સારાબાઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. આરોપી છુટ્ટન પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (એટ્રોસિટી એક્ટ)હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે BNS કલમ 296 – ધાર્મિક લાગણીઓ દુભાવવાનો પ્રયાસ, કલમ 115(2) – જાણી જોઈને ગંભીર ઈજા પહોંચાડવી, કલમ 315(2) – હત્યાનો પ્રયાસ, SC/ST કાયદાની કલમ 3(1)(d), 3(1)(dh), 3(2)(v) – દલિતો પર ક્રૂર હુમલો અને અપમાન હેઠળ કેસ નોંધ્યો છે.
ગામમાં તણાવનો માહોલ
આ ઘટના બાદ ગામમાં તણાવનું વાતાવરણ છે. દલિત સંગઠનોએ આ હુમલાને અત્યંત શરમજનક ગણાવ્યો છે અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. પરંતુ પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે કે નહીં કે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં જીન્સ ફેક્ટરીની ટાંકીમાં ડૂબી જવાથી 3 યુવકોના મોત











Users Today : 33