ગાંધીનગરની ડૉ. આંબેડકર હોસ્ટેલમાં દલિત વિદ્યાર્થીએ ગળેફાંસો ખાધો

ગાંધીનગરના સેક્ટર-15 સ્થિત આંબેડકર હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા અમરેલીના 21 વર્ષીય દલિત વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી છે.
Gandhinagars Dr Ambedkar Hostel

ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરના સેક્ટર-15માં આવેલી ડો. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં રહીને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા એક આશાસ્પદ દલિત યુવાને રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતા શૈક્ષણિક આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મૂળ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાનો વતની 21 વર્ષીય રાજન નરેશભાઈ ધાંધલ ગાંધીનગર ખાતે એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. રાજન સેક્ટર-15ની આંબેડકર હોસ્ટેલમાં રહીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા મહેનત કરી રહ્યો હતો. જોકે, ગત રોજ તેણે હોસ્ટેલના પોતાના રૂમમાં પંખા સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

ઘટના સમયે રાજન રૂમમાં એકલો હતો. લાંબા સમય સુધી રૂમનો દરવાજો ન ખુલતા અને અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા અન્ય વિદ્યાર્થીઓને શંકા ગઈ હતી. સાથી મિત્રોએ દરવાજો ખોલીને તપાસ કરતા રાજન ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ દ્રશ્ય જોઈ મિત્રો સ્તબ્ધ થઈ ગયા હતા અને તુરંત હોસ્ટેલ રેક્ટ તથા અન્ય સત્તાધીશોને જાણ કરી હતી.

આ પણ વાંચો: અમેરિકામાં બૌદ્ધ ભિક્ષુઓની 3700 કિમીની ‘શાંતિ પદયાત્રા’ પૂર્ણ

હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો

ઘટનાની જાણ થતા જ હોસ્ટેલ પ્રશાસન અને સાથી વિદ્યાર્થીઓ રાજનને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જોકે, સિવિલના ઇમરજન્સી વિભાગના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ સમાચાર મળતા જ હોસ્પિટલ પરિસરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને દલિત સમાજના અગ્રણીઓ ઉમટી પડ્યા હતા. એક તેજસ્વી દલિત વિદ્યાર્થીના અકાળે અવસાનથી હોસ્ટેલના વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ છે.

પોલીસે તપાસ શરૂ કરી

બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે રાજનનો રૂમ સીલ કરી પ્રાથમિક પંચનામું કર્યું છે. પોલીસ તપાસમાં અત્યાર સુધી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. પરંતુ શું મૃતક રાજન પર અભ્યાસનું અતિશય ભારણ હતું? હોસ્ટેલમાં કોઈ અન્ય વિદ્યાર્થી કે સત્તાધીશો દ્વારા માનસિક પજવણી કરવામાં આવતી હતી? શું તે કોઈ આર્થિક કે પારિવારિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો? કે પછી અંગત કારણોસર માનસિક તણાવમાં હતો? આ તમામ સવાલો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સચોટ કારણ જાણી શકાશે.

આ પણ વાંચો: પૂર્વ ક્રિકેટર લક્ષ્મણ શિવરામકૃષ્ણને ‘રંગભેદ’થી કંટાળીને કોમેન્ટ્રી છોડી દીધી!

પરિવાર અને વતનમાં શોકનું મોજું ફરી વળ્યું

અમરેલીના કુકાવાવમાં રહેતા રાજનના પરિવાર માટે આ વજ્રઘાત સમાન છે. એક સામાન્ય દલિત પરિવારનો દીકરો એન્જિનિયર બનીને કુટુંબનો સહારો બનશે તેવી આશા સાથે ગાંધીનગર ભણવા મોકલ્યો હતો, પરંતુ તેના મોતના સમાચાર મળતા જ વતનમાં સન્નાટો વ્યાપી ગયો છે.

આંબેડકર હોસ્ટેલ જેવી સરકારી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને કાઉન્સેલિંગને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાંથી આવતા અને સંઘર્ષ કરીને ભણતા દલિત વિદ્યાર્થીઓ કયા કારણોસર આવા અંતિમ પગલાં ભરે છે, તે દિશામાં ઊંડી તપાસની માંગ ઉઠી રહી છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: દલિતવાસના કૂતરાં સવર્ણોના કૂતરાંને ભસતા 6 રાઉન્ડ ફાયરિંગ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Narsinhbhai
Narsinhbhai
1 month ago

*કારણ ગમે તે હોય? વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓને સરકારી હોસ્ટેલ કે ખાનગી હોસ્ટેલમાં ભણતાં હોય ત્યારે
તમને જે જે તકલીફનો સામનો કરવો પડે છે તે સમજદારી સાથે
પોતાના પરિવારને જાણ કરવી જોઈએ અગર તો પોતાના મિત્રવર્તુળમાં શબ્દેસહ જાણ કરવી જોઈએ, તેઓનાં સૂચનો તમને અવશ્ય મદદ રૂપે થશે એમાં કોઈ સંદેહ રહેતો નથી…! ઓમ્ શાંતિ શાંતિ શાંતિ!

1
0
Would love your thoughts, please comment.x
()
x