અમદાવાદમાં એક વિદ્યાર્થીની હત્યાનો મામલો હજુ તાજો છે ત્યાં આંધ્ર પ્રદેશમાંથી એક દલિત વિદ્યાર્થી પર ક્રૂરતાની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક દલિત વિદ્યાર્થીને લોખંડનો સળિયો ગરમ કરીને ડામ દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે.
આંધ્ર પ્રદેશના કોનાસીમા જિલ્લાના મોરમપુડી વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળાની હોસ્ટેલમાં બે વિદ્યાર્થીઓએ એક દલિત વિદ્યાર્થી પર બર્બરતા આચરી હતી. 18 ઓગસ્ટના રોજ, બંનેએ લોખંડનો સળિયો ગરમ કરીને તેમની સાથે ભણતા દલિત વિદ્યાર્થીના પેટ અને હાથ પર ડામ દીધા હતા. જેમાં દલિત વિદ્યાર્થી ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.
પોલીસ અધિકારીએ શું ખુલાસો કર્યો
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનાની શરૂઆત એક સીસીટીવી કેમેરા ગાયબ થવાથી થઈ હતી. 16 ઓગસ્ટના રોજ, હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને એક ફિલ્મ બતાવવામાં આવી હતી. એ દરમિયાન, આરોપી વિદ્યાર્થીઓએ કેમેરો કાઢીને દલિત વિદ્યાર્થીની બેગમાં મૂકી દીધો હતો. જ્યારે કેમેરા ગુમ થયો ત્યારે વોર્ડને વિદ્યાર્થીઓને પૂછપરછ માટે બોલાવ્યા હતા.
આ પણ વાંચોઃ ક્રિકેટમાં રૂ. 50 હારી જતા 7 યુવકોએ દલિત વિદ્યાર્થી સાથે દુષ્કર્મ કર્યું
સીસીટીવી કેમેરાની ચોરી પકડાઈ જતા ડામ દીધાં
પીડિત વિદ્યાર્થીએ સાચું બોલતા કહ્યું કે, સીસીટીવી કેમેરા તેની સાથે ભણતા વિદ્યાર્થીઓએ તેની બેગમાં મૂકી દીધા હતા. આ સાંભળીને આરોપી બંને વિદ્યાર્થીઓ ગુસ્સે થયા હતા અને બદલો લેવાનું નક્કી કર્યું હતું. 18 ઓગસ્ટના રોજ, તેમણે પીડિત વિદ્યાર્થીને હોસ્ટેલના રૂમમાં પકડી લીધો. એ પછી તેમણે તેના પેટ અને હાથ પર લોખંડનો સળિયો ગરમ કરીને ડામ આપ્યા હતા. દલિત યુવક પીડાથી કણસવા લાગ્યો અને ચીસો પાડવા લાગ્યો હતો.
આ પણ વાંચોઃ મહિલા IAS એ દલિત વિદ્યાર્થીઓને કહ્યું, ‘તમે ટોઈલેટ સાફ કેમ નથી કરતા?’
વિદ્યાર્થીની માતાની ફરિયાદ બાદ પોલીસે કેસ નોંધ્યો
આશ્ચર્યજનક વાત એ હતી કે જ્યારે હોસ્ટેલ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો ત્યારે પણ આરોપી વિદ્યાર્થીઓએ તેમને ગણકાર્યો નહોતો. પીડિત વિદ્યાર્થી મદદ માટે આજીજી કરતો રહ્યો પરંતુ કોઈએ તેની તરફ ધ્યાન આપ્યું નહીં. દરમિયાન, જ્યારે તેની માતા તેને મળવા આવી, ત્યારે તે તેના પુત્રના શરીર પર બળી ગયેલા નિશાન જોઈને સ્તબ્ધ થઈ ગઈ. જ્યારે તેણે તેના પુત્રને પૂછ્યું ત્યારે તેણે આખી ઘટના તેની માતાને જણાવી. તેની માતા રડતી રડતી તેને હોસ્પિટલ લઈ ગઈ. તેની આંખોમાંથી આંસુ અટકતા નહોતા. તેણીએ કહ્યું, “મારા પતિનું ત્રણ મહિના પહેલા અવસાન થયું છે. હવે હું મારા પુત્રને ગુમાવી શકતી નથી.” પીડિત દલિત વિદ્યાર્થીની માતાની ફરિયાદ બાદ પોલીસે કેસ નોંધ્યો છે.
અગાઉ બે સગીર દલિત વિદ્યાર્થીઓને વીજ કરંટ અપાયો હતો
ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશમાં આ પહેલી ઘટના નથી. આ પહેલા 7 ઓગસ્ટના રોજ આંધ્રપ્રદેશના પાલનાડુ જિલ્લામાં પણ એક દલિત વિદ્યાર્થીઓ પર અત્યાચારનો મામલો સામે આવ્યો હતો. ત્યાં સરકારી પછાત વર્ગ કલ્યાણ છાત્રાલયમાં છ વિદ્યાર્થીઓએ બે સગીર દલિત વિદ્યાર્થીઓને વીજળીના ઝાટકા આપવાનો પ્રયાસ કર્યો હતો. 9 ઓગસ્ટના રોજ, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. ડીએસપી પી. જગદીશે કહ્યું હતું કે આ ઘટનામાં પાંચ પુખ્ત વયના અને એક સગીર આરોપી સામેલ હતા. હોસ્ટેલના ઇન્ચાર્જે પણ સ્વીકાર્યું હતું કે વીડિયોમાં, પીડિત વિદ્યાર્થીને તેના મિત્રો દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવી રહ્યો હતો. આ મામલે ભારતીય દંડ સંહિતા અને એસસી એસટી એક્ટ(SC-ST act) ની સંબંધિત કલમો હેઠળ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ પાટણના દલિત વિદ્યાર્થીએ 6 મિનિટમાં 200 દાખલા ગણી રેકોર્ડ સર્જ્યો











