દલિત અત્યાચાર માટે કુખ્યાત યુપીના લખીમપુર ખીરીમાં એક દલિત મહિલા પર જાતિવાદી બ્રાહ્મણ શખ્સ દ્વારા કારણ વિના જ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. લખીમપુર ખીરીના સરૈયા અકબરપુર ગામમાં દલિત મહિલા રીટા દેવીએ બિમલેશ શુક્લા ઉર્ફે અક્કુ પર જાતિ વિષયક અપશબ્દોનો ઉપયોગ કરવાનો અને તેના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.
આ ઘટના 31 ઓગસ્ટના રોજ સાંજે 5 વાગ્યે બની હતી. રીટા દેવી તેની બહેનપણી જમુના સાથે બકરીઓ ચરાવીને ઘરે પરત ફરી રહી હતી. એ દરમિયાન ગામની બહાર રસ્તા પર બિમલેશ શુક્લાએ તેમને રોકીને બકરીઓ ચરાવવા અંગે પૂછપરછ કરી હતી અને જાતિ વિષયક અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. એ પછી, તેણે તેને લાકડીથી માર માર્યા બાદ ઢીંકાપાટુનો માર માર્યો હતો.

આ પણ વાંચો: પ્રેમી આદિવાસી યુગલને ‘બળદ’ બનાવી ગામલોકોએ ખેતર ખેડાવ્યું
રીટા દેવીની બહેનપણી જમુનાએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓએ તેને પણ માર માર્યો. માર એટલો તીવ્ર હતો કે રીટા દેવી બેભાન થઈ ગઈ હતી. તેણીને જમણી કોણી, માથા, પાંસળી અને ડાબા હાથમાં ઈજાઓ થઈ હતી. આરોપીએ તેમનું બ્લાઉઝ પણ ફાડી નાખ્યું હતું. તેણે જમુનાને ગળેથી પકડીને ફેંકી દીધી હતી. જેના કારણે તેના ગરદન, માથા અને કમરમાં ઈજાઓ થઈ હતી.

સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. એ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પીડિતાને બેહજમ પોલીસ સ્ટેશન લઈ ગઈ. નીમગાવ પોલીસ સ્ટેશનના પીઆઈ આદિત્ય મૌર્યના જણાવ્યા અનુસાર, આખી ઘટના તેમના ધ્યાનમાં આવી છે અને આરોપીઓ સામે SC-ST એક્ટ હેઠળ કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: માલેગાંવ બ્લાસ્ટના પીડિતોએ કહ્યું, ‘અમારો વિશ્વાસ તૂટી ગયો છે’











