Dalit News: બાંગ્લાદેશમાં એક દલિત યુવકની હત્યાથી ભારતમાં આક્રોશ ફેલાયેલો છે ત્યારે કેરળમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના પલક્કડ જિલ્લામાં એક દલિત યુવકને ટોળાએ બાંગ્લાદેશી સમજીને માર માર્યો હતો. યુવક છત્તીસગઢથી કામ કરવા માટે કેરળ આવ્યો હતો. ટોળાંએ તેને બાંગ્લાદેશી કહીને ઢોર માર માર્યો હતો. જેના કારણે યુવકનું મોત થઈ ગયું હતું. આ ઘટનાથી આ વિસ્તારમાં ભારે રોષ ફેલાયો હતો અને સ્થળાંતરિત મજૂરોમાં ભયનો માહોલ છે.
મૃતક છત્તીસગઢનો રહેવાસી હતો
મૃતકની ઓળખ છત્તીસગઢના સક્તી જિલ્લાના કરાહી ગામના રામનારાયણ બઘેલ તરીકે થઈ છે. તે 13 ડિસેમ્બરના રોજ કેરળના પલક્કડમાં કામની શોધમાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ, આ વિસ્તારમાં થયેલી ચોરી બાદ, એક દલિત યુવાનને બાંગ્લાદેશી સમજીને લાકડીઓથી નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો, જેના પરિણામે ગંભીર ઇજાઓ થઈ હતી અને તેનું મોત થયું હતું. ટોળાએ તેને માર મારતા પહેલા પૂછ્યું હતું કે, “શું તું બાંગ્લાદેશી છો?”
સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ
દલિત યુવાનની હત્યાથી આ વિસ્તારમાં તણાવપૂર્ણ મોહાલ છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને, પોલીસે કોઈપણ ઘટનાને પહોંચી વળવા માટે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દીધી છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને મૃતકના પરિવારને ઘટનાની જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ કારગિલ યુદ્ધના જવાનના ઘરમાં ટોળું ઘૂસી ગયું, ‘બાંગ્લાદેશી’ કહી ID માંગ્યું!
પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી
પોલીસે અત્યાર સુધીમાં આ ઘટનામાં પાંચ લોકોની ધરપકડ કરી છે, અને ગુના પાછળનો સાચો હેતુ અને સમગ્ર ઘટનાક્રમ નક્કી કરવા માટે વિગતવાર તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ સહિતની તમામ કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ થયા પછી, મૃતદેહને અંતિમ સંસ્કાર માટે તેના વતન ગામમાં મોકલવામાં આવશે.
દલિત યુવકને 8 અને 9 વર્ષના બે પુત્રો છે
મૃતકના એક સંબંધીએ ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે રામનારાયણ તે જ ગામના દૂરના સંબંધી શશીકાંત બઘેલના કહેવાથી કેરળ ગયો હતો. તેમણે કહ્યું કે રામનારાયણ ખૂબ જ ગરીબ હતો અને તેની પત્ની લલિતા અને 8 અને 9 વર્ષના બે નાના પુત્રોને છોડી ગયો છે. આ ઘટનાએ ફરી એકવાર દેશમાં મોબ લિંચીંગની વધતી જતી ઘટનાઓને લઈને ચિંતા ઉભી કરી છે.
આ પણ વાંચોઃ દલિત યુવકને ચોર સમજી ટોળાએ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો











