જાતિવાદ અને ખાપ પંચાયત માટે કુખ્યાત હરિયાણામાં દલિતો પર અત્યાચારની એક ભયાનક ઘટના સામે આવી છે. અહીંના રોહતક જિલ્લાના બનિયાની ગામમાં હોળીના તહેવાર દરમિયાન રસ્તા પરથી બાઈક હટાવવા મુદ્દે દલિતો અને રાજપૂતો વચ્ચે લોહિયાળ જંગ થયો હતો. જેમાં એક રાજપૂત યુવકની હત્યા થઈ ગઈ હતી. એ પછી હવે પોલીસ અને રાજપૂતોની દાદાગીરીથી ત્રસ્ત દલિતો ઘરને તાળાં મારીને ઘર છોડવા મજબૂર બન્યાં છે. અનેક બાળકો ધોરણ 10ની પરીક્ષા પણ આપી શક્યાં નથી. લગભગ બે ડઝનથી વધુ દલિત પરિવારો પોતાના ઘરોને તાળા મારીને ગામ છોડી પલાયન કરી ગયા છે.
મામલો શું હતો?
હરિયાણાના રોહતક જિલ્લાના બનિયાની ગામમાં હોળીના તહેવાર દરમિયાન દલિતો અને રાજપૂતો વચ્ચે થયેલા લોહિયાળ સંઘર્ષ થયો હતો. આ હિંસક અથડામણમાં રાજપૂત સમાજના વિક્રમ નામના યુવકનું મોત નીપજ્યું હતું, જેના પગલે ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, વિવાદની શરૂઆત હોળી રમતી વખતે રસ્તા પરથી બાઇક હટાવવા જેવી નજીવી બાબતે થઈ હતી. જોકે, આ બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને બંને પક્ષો વચ્ચે સામસામે પથ્થરમારો તથા લાકડીઓ વડે હુમલો શરૂ થઈ ગયો હતો. આ ભયાનક દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે, જેમાં બંને સમાજના લોકો એકબીજા પર જીવલેણ હુમલો કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: લોહીયાળ જંગઃ જાતિવાદી તત્વોએ હુમલો કરી દલિતવાસ સળગાવ્યો
ખૂની ખેલ બાદ 24 પરિવારો ઘર છોડીને જતા રહ્યાં
આ ખૂની ખેલ બાદ ગામની અનુસૂચિત જાતિ (દલિત) વસ્તીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વિક્રમના મોત બાદ સર્જાયેલા રોષ અને પોલીસ કાર્યવાહીના ડરથી દલિત સમુદાયના આશરે બે ડઝનથી વધુ પરિવારો પોતાના ઘરોને તાળા મારીને રાતોરાત ગામ છોડી પલાયન કરી ગયા છે. ગામની ગલીઓમાં અત્યારે ભયાનક સન્નાટો છે અને જે લોકો બાકી રહ્યા છે, તેઓ પણ અજાણ્યા ભયના કારણે પોતાના ઘરની બહાર નીકળવાની હિંમત કરી શકતા નથી. આ પલાયન દર્શાવે છે કે આધુનિક યુગમાં પણ ગ્રામીણ વિસ્તારોમાં જાતિવાદી સંઘર્ષ કેટલી હદે વરવું સ્વરૂપ ધારણ કરી શકે છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કેટલી નાજુક બની શકે છે.
અનેક વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા ન આપી શક્યાં
આ હિંસાની સૌથી માઠી અસર નિર્દોષ વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડી છે. દહેશતનું વાતાવરણ એટલું પ્રબળ છે કે ગામના અડધો ડઝન જેટલા દલિત વિદ્યાર્થીઓ હરિયાણા બોર્ડની ધોરણ 10ની મહત્વની પરીક્ષાઓ આપવા જઈ શક્યા નથી. આ વિદ્યાર્થીઓના વાલીઓનું કહેવું છે કે બહાર નીકળતા જ હુમલો થવાનો કે ધરપકડ થવાનો ભય હોવાથી તેઓએ પોતાના બાળકોને ઘરે જ રાખ્યા છે. એક બાજુ વહીવટીતંત્ર સુરક્ષાના દાવા કરી રહ્યું છે, ત્યારે બીજી બાજુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાઈ રહ્યું છે, જે શાસન વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કરે છે. પરિસ્થિતિને જોતા ગામમાં ચારેબાજુ પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: SDM એ આદિવાસી ખેડૂતની દંડા મારીને હત્યા કરી નાખી, સસ્પેન્ડ

પોલીસ દલિત યુવકોને ગમે ત્યારે ઉપાડી જાય છે!
સ્થાનિક રહેવાસીઓએ પોલીસની ભૂમિકા સામે પણ રોષ વ્યક્ત કર્યો છે. દલિત વસ્તીની મહિલાઓનો આક્ષેપ છે કે પોલીસ માત્ર એકપક્ષીય કાર્યવાહી કરી રહી છે અને જે યુવાનોનો આ ઝઘડા સાથે કોઈ લેવાદેવા નથી તેમને પણ પૂછપરછના નામે ઉઠાવી જવામાં આવી રહ્યા છે. એક પીડિત મહિલાએ રડતા રડતા જણાવ્યું કે તેનો પતિ નવ દિવસથી ગુમ છે અને પોલીસ તેને કોઈ ચોક્કસ માહિતી આપી રહી નથી. મહિલાઓએ એવો પણ દાવો કર્યો છે કે વિવાદ માત્ર બાઇકનો નહોતો, પરંતુ મૃતક યુવક દ્વારા કરવામાં આવેલી છેડતીના વિરોધમાં આ આખી ઘટના બની હતી. જોકે, પોલીસ આ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
પોલીસે શું કહ્યું?
પોલીસ અધિકારી પ્રતીક અગ્રવાલે આ મામલે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે બંને સમુદાયના આગેવાનો સાથે બેઠક કરી શાંતિ જાળવવાની અપીલ કરી છે. અધિકારીએ ખાતરી આપી છે કે કોઈપણ નિર્દોષ વ્યક્તિને ખોટી રીતે પરેશાન કરવામાં આવશે નહીં અને જે પણ દોષિત હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે. વહીવટીતંત્ર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓની પરીક્ષા છૂટી ગઈ છે, તેમના માટે પણ યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. હાલમાં બનિયાની ગામમાં તણાવપૂર્ણ શાંતિ છે, પરંતુ પલાયન કરી ગયેલા પરિવારો ક્યારે પરત ફરશે અને ક્યારે ગામમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થશે તે જોવું રહ્યું.
આ પણ વાંચો: દલિત મહિલાના મંદિર પ્રવેશના વિવાદમાં 2 માસની માસૂમની બલિ!











